Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

મોટામવાના ચકચારી મયુર શીંગાળા હત્યા કેસમાં આરોપીની ફરી માનવતાની અરજી રદ

પગની સારવાર માટે વચગાળાના જામીન માટે અરજી કરી હતી

રાજકોટ તા. ર૧: મોટામવા મયુર શિંગાળા મર્ડર કેસના આરોપી રમેશ રાણાની ફરી માનવતાની જામીન અરજીને અત્રે રદ કરી હતી.

હકિકત જોઇએ તો આરોપી રમેશ રાણાએ પોતાને પગમાં પ્લેટો હોય જેમાં અસહ્ય દુઃખાવો થતો હોય અને મુકાવેલ પ્લેટની રીવીઝન સર્જરી કરવા પગનું ઓપરેશન કરવું પડે તેમ હોવાનો સિવિલ હોસ્પીટલ દ્વારા અભિપ્રાય આપેલ હોય જેથી પ્રાઇવેટ હોસ્પીટલમાં ઓપરેશન કરાવવા માનવતાના ધોરણે વચ્ચગાળાની જામીનની માંગણી કરતી અરજી કરવામાં આવેલ.

તમામ હકિકતો, રજૂઆતો, વાંધાઓ, દસ્તાવેજી પુરાવાઓ લક્ષે લેતા અરજદારે પગમાં રહેલ પ્લેટની સર્જરી માટે અગાઉ કરેલ અરજી સેશન્સ અદાલતે રદ કરેલ તેની સામે હાઇકોર્ટમાં કરેલ કાર્યવાહી પણ પરત ખેંચી લીધેલ તેમજ અન્ય ગુન્હામાં કરેલ આગોતરા તથા રેગ્યુલર જામીન પણ રદ થયેલ છે અને હાઇકોર્ટમાં કરેલ કવોશીંગ પીટીશન તથા આગોતરા અરજી પણ પરત ખેંચી લીધેલ છે જેલ ઓથોરીટીનો મંગાવેલ રીપોર્ટ અને મેડીકલ કાગળો જોતા અરજદારને પગની રીવીઝન સર્જરી માટે રાજકોટ સીવિલના ડોકટરે અમદાવાદ સિવીલમાં રીફર કરેલ છે અને આજ કારણ એકવાર ડીસાઇડ થઇ ગયેલ છે જે માંગણી સેશન્સ અદાલતે રદ કરેલ છે.

અરજદારની જાન જોખમાય તેવું બીમારીનું ગંભીર કારણ ન હોય જયારે સિવીલ હોસ્પીટલમાં સારવાર ઉપલબ્ધ હોય ત્યારે આરોપીને તેના પસંદગીના પ્રાઇવેટ હોસ્પીટલના ડોકટર પાસે સારવાર કરવા લીબર્ટી આપી શકાય નહીં તેમ માની અરજદારની મેડીકલના ગ્રાઉન્ડસરની માનવતાની જામીન અરજી રદ કરતો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કામમાં મુળ ફરીયાદ પક્ષે જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેન ચોવટીયા તથા સરકાર તરફે આબીદ સોસા, રિયલ ગેવરીયા રોકાયા હતાં.

(4:23 pm IST)