Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

ચુનારાવાડના ત્રણ ટાબરીયા નવા મોડેલની મોંઘેરી સાઇકલ દેખાય એ ભેગી ઉઠાવી લેતા'તાઃ ૧.૪૭ લાખની ૧૪ કબ્જે

માલવીયાનગર પીઆઇ કે. એન. ભુકણની રાહબરીમાં ટીમે ડિટેકશન કર્યુઃ રોહિત કછોટ અને મહેશ ચાવડાની બાતમીઃ ફેરવીને ચુનારાવાડ વોંકળાના કાંઠે રેઢી મુકી દેવાની આદત

રાજકોટ તા. ૨૧: માલવીયાનગર પોલીસ મથક વિસ્તારની સોસાયટીઓમાંથી મોંઘીદાટ સાઇકલો ચોરાઇ જવાની ફરિયાદો આવતાં ત્રણ સાઇકલની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવતાં સીસીટીવી ફૂટેજમાં ત્રણેક ટાબરીયા સાઇકલો ઉઠાવતાં હોવાની માહિતી મળી હતી. દરમિયાન ડી. સ્ટાફના કોન્સ. રોહિત કછોટ અને મહેશ ચાવડાને બાતમી મળી હતી કે ચુનારાવાડ તરફના આ ટેણીયા છે. તેના આધારે ત્રણેયને સકંજામાં લઇ માલવીયાનગરના ગુનાની ત્રણ ચોરાઉ સાઇકલો કબ્જે કરવામાં આવી હતી. વિશેષ પુછતાછ થતાં આ ત્રણેયે વધુ ૧૧ મોંઘીદાટ સાઇકલો અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરી કરી ફેરવીને બાદમાં ચુનારાવાડમાં વોંકળા કાંઠે રેઢી મુકી દીધાનું કબુલતાં પોલીસે આવી કુલ રૂા. ૧,૪૭,૫૦૦ની સાઇકલો કબ્જે કરી હતી.   જેની કિંમત ૮ હજારથી માંડી ૧૮,૫૦૦ સુધીની છે. મેગવ્હીલ અને ગીયર વાળી કિંમતી સાઇકલો ચોરવાનો અને ફેરવવાનો આ ત્રણેયને શોખ હોવાથી ચારેક મહિનાથી આવા રવાડે ચડ્યા હોવાનું ખુલ્યું છે. ત્રણેય  મોજશોખ પુરવા કરવા જે તે વિસ્તારમાં રેકી કરતાં અને નવા મોેડેલની સાઇકલ દેખાય  અને લોક વગર હોય તો તુરત જ ઉઠાંતરી કરી લેતાં હતાં.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, એસીપી જે. એચ. સરવૈયાની સુચના અને પીઆઇ કે. એન. ભુકણની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્સ. યુવરાજસિંહ જાડેજા, ભાવીનભાઇ ગઢવી, કોન્સ. રોહિતભાઇ કછોટ, મહેશભાઇ ચાવડા, મશરીભાઇ ભેટારીયા, ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

(4:21 pm IST)