Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

તારે હું કહુ એમ તારે કરવાનું છે કે નહિ?...કહી બ્યુટી પાર્લર સંચાલિકાને મારકુટઃ ખૂનની ધમકી

જીજાજીના ભાઇબંધ જુનાગઢના સંજય ખુમાણ સાથે ફોન પર વાતચીત કરતી હતીઃ પણ ઝઘડો થતાં સંપર્ક ઓછા કરતાં સંજય ઉશ્કેરાઇ ગયો

રાજકોટ તા. ૨૧: યુનિવર્સિટી રોડ પર રહેતી બ્યુટી પાર્લરની સંચાલિકા મહિલાને તેણીના જીજાજીના મિત્ર એવા જુનાગઢના કાઠી શખ્સે 'તારે હું કહુ એમ કરવાનું છે કે નહિ?' તેમ કહી ઝાપટો મારી પતાવી દેવાની ધમકી દઇ તેમજ તેણીના પિતા-ભાઇને નશીલા પાવડરના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાવાઇ છે. ફોનમાં વાતચીત કરવાનું આ મહિલાએ બંધ કરતાં અને બીજા લગ્ન માટે છોકરા જોવા આવવાના છે તેવી વાત કરતાં કાઠી શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો અને આ માથાકુટ કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

યુનિવર્સિટી પોલીસે આ બારામાં યુનિવર્સિટી રોડ પર બોમ્બે હાઉસીંગ સોસાયટી-૫માં રહેતાં બ્યુટીપાર્લરના સંચાલિકા બીનાબેન દિનેશભાઇ ગોંડલીયા (બાવાજી) (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી તેણીના જીજાજીના મિત્ર સંજય ખુમાણ ઉર્ફ બહાદુર સામે ગુનો નોંધ્યો છે.

બીનાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા ઘર પાસે જ બ્યુટી પાર્લર ચલાવુ છું. મારા લગ્ન બાર વર્ષ પહેલા થયા હતાં. પરંતુ મનમેળ ન થતાં ૨૦૧૧માં છુટાછેડા લીધા હતાં. ત્યારથી માવતરે રહુ છું. મારા જીજાજી વિજયભાઇ ગુજરાતીનો મિત્ર સંજય ખુમાણ ઉર્ફ બહાદુર જે જુનાગઢ રહે છે તે અવાર- નવાર જીજાજી સાથે આવતો હોઇ તેને હું ઓળખું છું. તેની સાથે બાદમાં પરિચય વધતાં અમારી વચ્ચે ફોન પર વાતચીત પણ થતી હતી. આ પરિચય ગાઢ બન્યો હતો. એકાદ વર્ષ પહેલા અમારી વચ્ચે ફોનમાં ઝઘડો થતાં મેં તેની સાથે સંપર્ક મુકી દીધો હતો. પરંતુ આજથી છએક મહિના પહેલા ફરીથી સંજયએ મને ફોન કર્યો હતો અને ફરી વાતચીત શરૂ થઇ હતી. હું મારી તમામ અંગત વાતો તેની સાથે કરતી હતી.

મારા લગ્ન માટે અમદાવાદ અને સુરત ખાતેના મુરતીયાઓ સાથે વાત ચાલતી હોઇ અને છોકરા મને જોવા આવવાના હોઇ એ વાતની તેને ખબર પડતાં તેને ગમ્યું નહોતું અને ફોન પર ઝઘડો કર્યો હતો. આજથી પાંચેક દિવસ પહેલા પણ તેણે મને ફોન કરી કહેલુ કે તું આટલી બધી વાર ફોન પર કોની સાથે વાતો કરે છે? તને કોની હવા આવી ગઇ છે? તું મને ઓળખતી નથી હું કાઠી છું...તેમ કહી ફરી ઝઘડો કરી કહેલ કે જો હવા કરીશ તો બધાને જોઇ લઇશ. તારા ભાઇ અને પિતાજીને પણ મારી નાંખીશ. તેની આવી ધમકીથી મેં ફોન કટ કરી નાંખ્યો હતો. ૧૬/૭ના રાતે સાડા બારેક વાગ્યે હું મારા બહેન, ભાઇ, જીજાજી, માતા-પિતા-નાનીમા, માસીની દિકરી સહિતના અમારા ઘરે હતાં ત્યારે સંજય ખુમાણ આવ્યો હતો અને ઘરમાં આવી કહેલ કે મારી તારી સાથે વાત કરવી છે તું બહાર આવ. મેં ના પાડતાં ઘરમાં સોફા પર બેસી વાત કરી હતી.

આ વખતે સંજયએ તારે હું કહુ એમ જ  કરવાનું છે કે નહિ? તેમ કહી ગાળો દઇ ત્રણેક ઝાપટો મારી દીધી હતી. મેં તેને ઘરમાં મહેમાન હોઇ દેકારો ન કરવા અને પછી વાત કરીશું તેમ કહેતાં તે ઘર બહાર લઇ ગયો હતો. પાર્લરમાં થોડીવાર બેસી વાત કરી હતી. બાદમાં ધમકી આપી હતી કે મારી વાત નહિ માન તો તારા ભાઇ-પિતાને નશીલા પાવડરમાં ફસાવી દઇશ.

તે ધમકાવતો હોઇ મેં તેની વાતમાં હા એ હા ચાલુ રાખી હતી. બાદમાં મેં તેને મોડી રાત થઇ ગઇ હોઇ હવે તમે જાવ કાલે મળીશું તેમ કહી રવાના કરેલ. હું ગભરાઇ ગઇ હોઇ ઘરમાં વાત કરી હતી. જે તે વખતે ફરિયાદ નોંધાવવામાં પણ ગભરાઇ ગઇ હતી. ઘરના સભ્યોએ હિમત આપતાં હવે ફરિયાદ કરી છે. તેમ વધુમાં બીનાબેને જણાવતાં હેડકોન્સ. અજયસિંહ ચુડાસમાએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(4:19 pm IST)