Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

હાલમાં કોઈ ભારે સિસ્ટમ્સ નથી : ૨૩મી સુધી સીમિત વિસ્તારોમાં, શુક્રવારથી છુટોછવાયો વરસશે

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની ૨૭ જુલાઈ સુધીની આગાહી

રાજકોટ, તા. ૨૧ : હાલમાં કોઈ ભારે સિસ્ટમ્સ નથી. આવતીકાલથી બે - ત્રણ દિવસ સિમિત વિસ્તારોમાં છુટાછવાયા સ્થળોએ ઝાપટાથી મધ્યમ, કોઈ એકલ - દોકલ વિસ્તારોમાં ભારે વરસી જાય. ૨૪મીથી છુટાછવાયા વિસ્તારો વધશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યુ હતું.

તેઓએ જણાવેલ કે ગત ૧૩મી જુલાઈની આપેલી આગાહીમાં ૮૦ ટકા વિસ્તારોમાં સરેરાશ ૨૫ થી ૭૫ મી.મી. બાકીના ૨૦ ટકા વિસ્તારોમાં સરેરાશ ૧૭ મી.મી. થી ૨૫ મી.મી. સુધી વરસાદ પડ્યો હતો.

ચોમાસુધરી હાલમાં નોર્મલ પોઝીશનથી પશ્ચિમ છેડો ઉત્તર બાજુ અને પૂર્વ છેડો હિમાલયની તળેટીમાં છે. એક ટ્રફ ગુજરાતથી નોર્થ તરફ છે. જેનું લોકેશન ૨૭ ડિગ્રી ઈસ્ટ, ૨૫ ડિગ્રી નોર્થ ૩.૧ થી ૫.૮ કિ.મી.ના લેવલે છે. એક અપરએર સાયકલોનીક સરકયુલેશન લક્ષદ્વીપ અને લાગુ દક્ષીણ પૂર્વ અરબી સમુદ્ર ઉપર ૩.૧ થી ૫.૮ કિ.મી.ના લેવલ ઉપર છે.

અશોકભાઈ પટેલે તા. ૨૧ જુલાઈથી ૨૭ જુલાઈ સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગાહીના સમયગાળા દરમિયાન તા.૨૧ - ૨૨ - ૨૩માં સિમીત વિસ્તારોમાં છુટાછવાયા ઝાપટા, હળવો મધ્યમ તો એકલ દોકલ વિસ્તારોમાં ભારે, તા.૨૪ થી છુટાછવાયા વિસ્તાર વધશે. તા.૨૫-૨૬-૨૭માં ૫૦ ટકા વિસ્તાર કવર કરી લેશે. હાલમાં અરબી સમુદ્રના તેજ પવન સીધા ઉત્તર ભારત તરફ જાય છે તેવી જ રીતે બંગાળની ખાડીના પવન ઉત્તર પૂર્વ અને પૂર્વ ભારત તરફ જઈ રહ્યા છે.

(3:29 pm IST)