Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

બોર્ડ લગાવ્યું હતું ડો. અજય સૂર્યવંશી (જનરલ ફિઝીશીયન)નું પણ અંદર પ્રેકટીશ કરતા'તા નકલી ડોકટર મિ.બદ્રીલાલ!

મુળ ઉજ્જૈનનો બદ્રી સુર્યવંશી ૧૬*૧૦ના કિલનીકમાં એલોપથી દવાઓ, ઇન્જેકશન આપતો અને બાટલા પણ ચડાવી દેતો'તો : બીએસસી સુધીનો અભ્યાસ કર્યો હોઇ સારી નોકરીનો મેળ ન પડતાં દવાખાનુ ચાલી કરી દીધાનું રટણ : આઠ-દસ વર્ષ સુધી દર્દીઓની જિંદગી સાથે ચેડા કર્યા કોઇને ખબર ન પડી, અંતે એસઓજીના ભાનુભાઇ મિંયાત્રા, કિશનભાઇ આહિર, હિતેષભાઇ રબારી અને નિખીલભાઇ પીરોજીયાની બાતમી પરથી દરોડો

રાજકોટ તા. ૨૧: શહેર એસઓજીની ટીમે અગાઉ પણ અનેક વખત નકલી ડોકટરોને પકડી લીધા છે. વધુ એક આવો ડોકટર ઝપટે ચડ્યો છે. કોઠારીયા સોલવન્ટ માલધારી ફાટક પાછળ ગુલાબનગર-૨માં નકલી ડોકટર કિલીનક ધમધમાતો હોવાની બાતમી પરથી દરોડો પાડી મુળ ઉજ્જૈનના હાલ મવડી વિનાયકનગર-૧૭-અમાં રહેતાં બદ્રી બાપુભાઇ સૂર્યવંશી (મોચી) (ઉ.૩૨)ને પકડી લીધો હતો. બીએસસીની ડીગ્રી ધરાવતો અને સેનેટરીનો કોર્ષ કરી ચુકેલો આ શખ્સ આઠ-દસ વર્ષથી દર્દીઓની સારવાર કરી જિંદગી સાથે ચેડા કરતો હતો. પોલીસ બાતમીના સ્થળે પહોંચી ત્યારે 'ઓમસાઇ કિલનીક-ડો. અજય સૂર્યવંશી-નજરલ ફિઝીશીયન'નું બોર્ડ જોવા મળ્યું હતું. અંદર જઇ જોતાં નકલી ડોકટર મળ્યા હતાં!

ટીમ કિલનીકમાં પહોંચી ત્યારે ખુરશી પર એક વ્યકિત ગળામાં સ્ટેથોસ્કોપ લટકાડી ખુરશીમાં બેઠેલી જોવા મળી હતી. તેની પંચોની હાજરીમાં પુછતાછ કરવામાં આવતાં પોતાનું નામ બદ્રીભાઇ બાપુભાઇ સૂર્યવંશી જણાવ્યું હતું. ડોકટરની ડિગ્રી બાબતે પુછવામાં આવતાં ગલ્લા તલ્લા કર્યા બાદ પોતાની પાસે કોઇ ડીગ્રી નહિ હોવાનું કહ્યું હતું. તેમજ પોતે બીએસસી સુધી ભણેલો હોવાનું અને આમ છતાં કિલનીક ખોલી દર્દીઓને તપાસી એલોપેથી દવા, ઇન્જેકશન આપતો હોવાનું તેમજ બહારની દવા લખી આપી જરૂર પડ્યે બાટલા પણ ચડાવી આપતો હોવાનું કબુલતાં તેની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

કિલનીકમાંથી સ્ટેથોસ્કોપ, બેટરી, થર્મોમિટર, ચીપીયો, કાતર, બીપી ચેક કરવાનું ઇન્સ્ટ્રુમેન્ટ, ગ્લુકોઝના પાંચ બાટલા તેમજ અલગ-અલગ દવાઓનો જથ્થો, ઇન્જેકશન,  આઇવી સેટ, તેમજ રોકડા રૂ. ૪૨૯૦ મળી કુલ રૂ. ૮૩૦૩નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પ્રારંભે તો બદ્રીએ પોતે એક વર્ષથી બાદમાં બે વર્ષથી અને છેલ્લે આઠ-દસ વર્ષથી આ રીતે ડીગ્રી વગર દવાખાનુ ચલાવતો હોવાનું રટણ કર્યુ હતું.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની સુચના હેઠળ પીઆઇ આર. વાય. રાવલની રાહબરીમાં હેડકોન્સ. ભાનુભાઇ મિંયાત્રા, કિશનભાઇ આહિર, અજયભાઇ શુકલા, કોન્સ. રણછોડભાઇ આલ, હિતેષભાઇ રબારી, નિખીલભાઇ પીરોજીયા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ભાનુભાઇ, કિશનભાઇ, હિતેષભાઇ અને નિખીલભાઇની બાતમી પરથી આ કામગીરી થઇ હતી.

(1:00 pm IST)