Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

મ.ન.પા.ની ઘોર બેદરકારી : સફાઇ કામદારોની ભરતી માટે ટોળા ભેગા કર્યા !!

વિજીલન્સ પોલીસે ચોખ્ખી 'ના' પાડી હોવા છતાં ટોળા એકઠા થયાઃ સોશ્યલ ડિસ્ટન્સના લીરા ઉડ્યા : સિવિક સેન્ટરમાંથી પાર્ટટાઇમ કામદારોની ભરતી માટે ફોર્મ વિતરણ રખાયુ અને હજારોના ટોળા ભેગા થયા : પાર્કિંગ સહિતની વ્યવસ્થા પડી ભાંગી... અંતે ફોર્મ વિતરણ બંધ કરવુ પડયું

બેદરકારી ભર્યો ભરતી મેળો : સેન્ટ્રલ ઝોન કચેરીમાં સફાઇ કામદારોની ભરતી માટે હજારો લોકો ઉમટયા હતા. મેદાનમાં ટોળેટોળા એકઠા થયેલ. પોલીસ સાથે રકઝકના દ્રશયો અને સોશ્યલ ડીસ્ટન્શના નિયમોના છોતરા ઉડયા હતા જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૧ : વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં શહેરમાં ટોળા ભેગા કરવા સામે પ્રતિબંધનું પોલીસ કમિશનરનું જાહેરનામુ છે ત્યારે ખુદ મહાનગરપાલિકા દ્વારા આ જાહેરનામાના ભંગ સમાન અને મહાભયંકર બેદરકારી છતી કરતું આયોજન મ.ન.પા.ની સેન્ટ્રલ ઝોનમાં કર્યું હતું. જેમાં આ કચેરીના સિવિક સેન્ટરમાંથી પાર્ટટાઇમ સફાઇ કામદારોની ભરતી માટે ફોર્મ વિતરણ શરૂ કરાવતા સવારથી જ ઢેબર રોડની સેન્ટ્રલ ઝોનની કચેરીએ હજારોની સંખ્યામાં ભરતીના ફોર્મ લેવા ટોળા સ્વરૂપે લોકો ઉમટી પડયા, કચેરીનાં પાર્કિંગમાં વાહનોના થપ્પા લાગી ગયા બાદમાં રોડ ઉપર વાહનોના ઢગલા થવા માંડયા હતા.

સિવિક સેન્ટરમાં ફોર્મ લેવા માટે પડાપડી થવા લાગતા વ્યવસ્થા પડી ભાંગી હતી. જેથી ફોર્મ વિતરણ બંધ કરવાની ફરજ તંત્રવાહકોને પડી હતી. જેના કારણે લાઇનમાં ઉભેલા લોકોમાં દેકારો મચતા મોટી ધમાલ સર્જાઇ હતી અને ટોળાશાહી સર્જાતા સોશ્યલ ડીસ્ટન્સશનાં ધજાગરા ઉડયા હતા.

આમ, સામાન્ય પ્રજાને સોશ્યલ ડીસ્ટન્શના ન્યિમનું પાલન કરાવનાર મ.ન.પા.નાં તંત્રવાહકોએ આજે ખુદ નિયમ ભંગ કરતુ આયોજન કરી વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં ઘોર બેદરકારી છતી કરી હતી.

નોંધનિય છે કે, શહેરમાં ભળેલા નવા વિસ્તારોની સફાઇ કામગીરીને સુદ્વઢ બનાવવા માટેઙ્ગઆજથી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં રોજમદાર સફાઈ કામદાર (પાર્ટ ટાઈમ) ની કુલ ૪૪૧ જગ્યા માટે ભરતી પ્રકિયા અન્વયેના અરજી ફોર્મનું વિતરણ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોનના સિવિક સેન્ટર ખાતેથી શરૂ થતા લોકો ઉમટી પડયા હતા. ફોર્મ લેવા અરજદાયોની લાંબી લાઈનો લાગી હતી.

આ અરજી ફોર્મ માટે તા. ૨૧ જુલાઈઙ્ગ થી તા. ૧૭ ઓગસ્ટઙ્ગ સુધીમાં કચેરીના સમય ૧૦.૩૦ થી ૧૪.૦૦ અને ૧૪.૩૦ થી ૧૬.૦૦ કલાક સુધી વિતરણ ચાલુ રખાયું છે અને જરૂરી આધાર પુરાવા સાથેના ભરેલ અરજી ફોર્મ તા.૨૭ જુલાઈ થી તા.૧૮ ઓગસ્ટ , ૧૬.૦૦ કલાક સુધીમાં ત્રણેય ઝોનના સિવિક સેન્ટર ખાતે જમાં કરાવવાનું આયોજન તંત્રએ ગોઠવ્યું હતું પરંતુ આજે પ્રથમ દિવસે જ હજારોના ટોળા એકત્રીત થતા વ્યવસ્થા પડી ભાંગી હતી.

પોલીસે 'ના' પાડી છતાં આયોજન થયું

દરમિયાન વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ સિવિક સેન્ટરમાંથી ભરતીના ફોર્મનું વિતરણ નહી કરવા વિજીલન્સ પોલીસે સ્પષ્ટ 'ના' પાડી હતી અને આજે જે સ્થિતિ સર્જાઇ તેની ચેતવણી પણ આપી હતી. આમ છતાં અધિકારીઓએ પોલીસ અધિકારીના સૂચનનો છેદ ઉડાવી અને આ આયોજન ગોઠવ્યું જેનું પરિણામ કદાચ કોરોના સંક્રમણ વધવાની ભીતી દર્શાવી રહ્યું છે તેવું મ.ન.પા.ની લોબીમાં ચર્ચાઇ રહ્યું છે.

(3:41 pm IST)