Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

લોકડાઉનને કારણે લોન ચડી જતાં પટેલ કારખાનેદારે જીવ દીધો

રાજકોટના ફુલવાડી પાર્કના જયંતિભાઇ ભલાણી (ઉ.વ.૫૧)એ ત્રંબામાં વિનોદભાઇ રૈયાણીની વાડીના કૂવામાં પડતું મુકયું: વાડી માલિક આટો મારવા આવ્યા ત્યારે લાશ તરતી જોતાં સરપંચને જાણ કરીઃ સીએનસી મશીન લોનથી લીધા ત્યાં લોકડાઉન આવ્યું: હપ્તા ન ભરી શકતાં મુંજવણમાં હતાં

કારખાનેદારે જ્યાં આપઘાત કર્યો તે ત્રંબાની વાડી, તેમનો નિષ્પ્રાણ દેહ અને ઘટના સ્થળે પોલીસ જોઇ શકાય છે. તસ્વીર ત્રંબાથી જી. એન. જાદવે મોકલી હતી.

રાજકોટ તા. ૨૧: કોરોના મહામારીને કારણે આવેલા લોકડાઉનમાં અસંખ્ય વેપાર ધંધા ડાઉન થઇ ગયા છે. રાજકોટમાં જ એવા ઘણા કિસ્સા બન્યા છે જેમાં લોકડાઉનને કારણે આર્થિક ભીંસ અનુભવતાં લોકોએ ટૂંકો માર્ગ અપનાવી લીધો છે. વધુ એક કિસ્સામાં ફુલવાડી પાર્કમાં રહેતાં પટેલ કારખાનેદારે લોકડાઉનને કારણે ધંધો ઠપ્પ થતાં આર્થિક ભીંસ ઉભી થતાં અને લોન ભરપાઇ ન કરી શકતાં ઘરેથી નીકળી ત્રંબાના ગઢકા રોડ પરની એક વાડીના કૂવામાં કૂદી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ ત્રંબાના ગઢકા રોડ પર વાડી ધરાવતાં વિનોદભાઇ રૈયાણી  સાંજે વાડીએ આટો મારવા ગયા ત્યારે કૂવા પાસે એક હોન્ડા જોવા મળતાં તપાસ કરવા જતાં પાળી પર મોબાઇલ ફોન અને પર્સ પણ મળ્યા હતાં. કૂવા અંદર જોતાં એક પુરૂષની લાશ તરતી દેખાતાં તુરત જ ગામના સરપંચ નિતીનભાઇ રૈયાણીને જાણ કરતાં તેઓ પહોંચ્યા હતાં અને પોલીસને જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આર. બી. વાઘેલા અને હરપાલભાઇએ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી.

પોલીસે મોબાઇલ, પર્સને આધારે તપાસ શરૂ કરતાં મૃત્યુ પામનાર વ્યકિત રાજકોટ સત્યસાઇ હાર્ટ હોસ્પિટલ રોડ પર ફુલવાડી પાર્ક-૫૬માં રહેતાં જયંતિભાઇ હર્ષરાજભાઇ ભલાણી (પટેલ) (ઉ.વ.૫૧) હોવાનું ખુલતાં તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ કરતાં જાણવા મળ્યુ હતું કે જયંતિભાઇ કારખાનુ ધરાવતાં હતાં. તેમણે થોડા મહિના પહેલા સીએનસી મશીન લોનથી લીધા હતાં. પરંતુ ધંધો જામે એ પહેલા કોરોનાને કારણે લોકડાઉન આવી જતાં ધંધો ઠપ્પ થઇ ગયો હતો. આ કારણે મશીન લીધા હોઇ તેની લોન પણ ભરી શકયા નહોતાં.

આર્થિક ભીંસ અનુભવતાં હોઇ કેટલાક દિવસોથી ચિંતામાં રહેતાં હતાં. ગઇકાલે તે ઘરેથી કામ સબબ નીકળ્યા હતાં ત્રંબા પહોંચી કૂવામાં ઝંપલાવી દીધુ હતું. પોલીસે તપાસ કરતાં આપઘાત કરનાર પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે-મારા છોકરાવનું ધ્યાન રાખજો. કોઇનો વાંક નથી. હું આર્થિક રીતે થાકી ગયો છું. હપ્તા ભરી શકુ તેમ નથી.'

પોલીસે આ ચિઠ્ઠી કબ્જે કરી પરિવારજનોને પુછતાં સીએનસી મશીનની લોન લીધી હોઇ તેના હપ્તા ભરી શકયા ન હોવાની વિગતો સામે આવી હતી. જયંતિભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ બનાવથી પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. વધુ તપાસ પીએસઆઇ જી. એન. વાઘેલા ચલાવી રહ્યા છે.

ચિઠ્ઠીમાં લખ્યું: મારા છોકરાઓનું ધ્યાન રાખજો, કોઇનો વાંક નથી હપ્તા ભરી શકુ એમ નથી

. આપઘાત કરનાર પટેલ કારખાનેદાર પાસેથી એક ચિઠ્ઠી મળી છે. જેમાં તેમણે લખ્યું છે કે-મારા છોકરાઓનું ધ્યાન રાખજો. કોઇનો વાંક નથી. હું આર્થિક રીતે થાકી ગયો છું. લોનના હપ્તા ભરી શકુ તેમ નથી.  પોલીસે આ ચિઠ્ઠી કબ્જે કરી હતી.

(12:03 pm IST)