Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

સાંગણવા ચોક પાસે યાસિન અલીની છરીના ઘા મારી હત્યા કરવા અંગે બે આરોપીને આજીવન કેદ

રૂ. ૩પ હજારની ઉઘરાણી કરતાં મરનારને છરીના ઘા મારીને હત્યા કરી હતીઃ ઓરલ ડી. ડી.નો પુરાવો માન્ય રાખીને કોર્ટે સજા ફટકારીઃ મૃતકે આરોપીઓના નામો તેના ફરીયાદી ભાઇ અને મિત્ર સાહેદને આપેલા તેનો પુરાવો સરકારી વકીલે રજૂ કર્યો હતોઃ અધિક સેશન્સ જજશ્રી ડી.એ. વોરાએ આપેલ ચૂકાદો

રાજકોટ તા. ર૧ :.. આજથી છએક વર્ષ પહેલાં અહીંના સાંગણવા ચોક પાસે આવેલ ધનરાજ હોટલ વાળી શેરીમાં ઉઘરાણીના પ્રશ્ને રામનાથપરામાં રહેતા યાસિન અલી જલવાણી નામના મુસ્લિમ યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં પકડાયેલ અહીંના હાથીખાનામાં રહેતા રાજેશ ઉર્ફે મિતેન ઉર્ફે રાજૂ અરવિંદ હુબલ અને યાજ્ઞિક રોડ ઉપર પી.ડબલ્યુ. ડી.ના કવાટર્સમાં રહેતા સંજય ઉર્ફે બબલુ લાલસીંગ રાજપૂત સામેનો કેસ ચાલી જતાં અધિક સેશન્સ જજ શ્રી ડી. એ. વોરાએ બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

આ અંગેની વિગત એવી છે કે, મરનાર યાસિન અલીએ આરોપી રાજેશને રૂ. ૩પ હજાર ઉછીના આપેલા જેની મરનાર વારંવાર ઉઘરાણી કરતો હોય આરોપીઓએ તેને સાંગણવા ચોકમાં બોલાવીને રાત્રીના ૧૧ વાગ્યાનાં અરસામાં છરીના ઘા મારીને યાસિનની હત્યા કરી હતી. આરોપી રાજેશ છરીના ઘા મારી રહ્યો હતો ત્યારે અન્ય આરોપી સંજયે મૃતકને પકડી સામેલ હતો.

ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં મરનારે તેના ભાઇ આરીફ અલી જલવાણી ને ફોન કરતાં આસીફ અને તેનો મિત્ર રમેશ બાલાસરા ઘટના સ્થળે દોડી ગયા હતાં અને તેને તાત્કાલીક વોકહાર્ટ હોસ્પીટલે લઇ જતાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજેલ હતું.

આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ફરીયાદી આરીફ અલીની ફરીયાદ નોંધીને ઉપરોકત બંને આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતો.

આ કેસ ચાલવા ઉપર આવતાં સરકારી વકીલ આબીદભાઇ સોશને ૪૦ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતો. અને રર જેટલાં સાહેદોને તપાસ્યા હતા.

વધુમાં સરકારી વકીલ શ્રી સાબીદ શોસને રજૂ કરેલ કે, આરોપીઓ વિરૂધ્ધ ઓરલ ડી. ડી.નો પ્રાયમા ફેસી કેસ છે. બનાવ બાદ મરનારને તેના ભાઇને ફોન કરીને આરોપી રાજેશને તેની છરી મારી હોવાનું જણાવ્યું છે તેમજ બીજા આરોપી સંજયે ગુનામાં મદદગારી કર્યાનું સ્પષ્ટ જણાવેલ છે.

આ ઉપરાંત હોસ્પીટલે લઇ જતી વખતે રસ્તામાં પણ મરનારે ઉપરોકત બંને આરોપીઓના નામો આપેલ છે. જેમાં આરોપીઓની સ્પષ્ટ સંડોવણી પુરવાર થાય છે.

સરકારી વકીલે ઓરલ ડી. ડી.નો પુરાવો તેમજ રજૂ થયેલ અન્ય આધારોને સાબીત માનીને આરોપીઓને સજા કરવા દલીલો કરતાં એડી. સેશન્સ જજ શ્રી ડી. એ. વોરાએ  બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

આ કામમાં સરકાર પક્ષે એપીપી આબીદભાઇ સોશન તથા તરૂણભાઇ માથુર રોકાયા હતાં. જયારે મુળ ફરીયાદી વતી આરોપીઓને સજા કરાવવા માટે મદદગારીમાં એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા કીરીટ નકુમ, હિમાંશુ પારેખ જયવીર બારૈયા, ખોડુભા સાકરીયા જયપાલ સોલંકી તથા દિપ વ્યાસ રોકાયા હતાં.

(5:05 pm IST)