Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

નેશનલ હેલ્થ મીશનમાં કોરોના થર્ડ વેવ-વેકસીનેશનની ફર્સ્ટ કામગીરીઃ રેમ્યા મોહન

વિદાય લેતા ભારે લોકપ્રિય કલેકટરની 'અકિલા' સાથે ખાસ વાતચીતઃ બુધવારે ચાર્જ છોડશેઃ ગુરૂવારે ગાંધીનગરમાં ચાર્જ સંભાળશે : વાતચીત દરમિયાન ભાવ-વિભોર બની ગયાઃ નવસારી-વલસાડ-કચ્છ તથા રાજકોટ કલેકટર સહિત ફિલ્ડમાં કુલ ૧પ વર્ષે ફરજ બજાવી : નવા કલેકટર અરૂણ મહેશ બાબૂ બુધવારે સાંજે અથવા ગુરૂવારે સવારે ચાર્જ સંભાળશેઃ જતા જતા તમામ ફાઇલો-કેસોનો નિકાલ કર્યોઃ કોરોના સમયે ખાનગી-સરકારી ડોકટરો પાસેથી કામ કઢાવ્યું તે કાબીલેદાદઃ સોશ્યલ પ્રોજેકટએ પસંદગીનો વિષય... : નવસારીમાં કુપોષણ-વલસાડમાં એસએમએસથી કેસો અંગે અરજદારોને જાણકારીનો ગુજરાતનો પ્રથમ પાયલોટ પ્રોજેકટ કચ્છમાં દુષ્કાળ દરમિયાન પાણી-ઘાસચારા અંગે ઐતિહાસિક ફરજ અને રાજકોટમાં કોરોના સામે જંગ ખેલી લોકપ્રિયતા મેળવી

રાજકોટ તા. ર૧ :.. આજે વિશ્વ યોગ દિવસ છે. અને આજના દિવસે ગુજરાતભરમાં રાજય સરકારે કોરોના વેકસીનની ખાસ ઝૂંબેશ શરૂ કરી છે, ખીરસરા ખાતે પોતાની હાજરીમાં પ૦ લોકોને વેકસીન કરાવી ૧૧ વાગ્યે 'અકિલા' સાથેની ખાસ વાતચીત દરમિયાન રાજકોટના ભારે લોકપ્રિય બનેલા કલેકટરશ્રી રેમ્યા મોહન ભારે ભાવ-વિભોર બની ગયા હતાં.

માત્ર પોણા બે વર્ષમાં રાજય સરકારે સફળતમ કલેકટરની બદલી કરી તેનાથી સ્ટાફ ભારે નિરાશ બન્યો તે અંગે કલેકટર શ્રી રેમ્યા મોહને જણાવેલ કે એવુ નથી. મને સોશ્યલ પ્રોજેકટ બહુ ગમે છે, મારી પસંદગીનો વિષય છે, અને સરકારે નેશનલ હેલ્થ મીશનમાં ડાયરેકટર તરીકે મૂકયા છે. ત્યાં કામ કરવાની ભારે મજા આવશે.

કલેકટરે જણાવેલ કે કલેકટર તરીકે સૌપ્રથમ પોસ્ટીંગ નવસારી, ત્યાંથી વલસાડ ત્યાંથી કચ્છ-ભુજ અને બાદમાં રાજકોટમાં કલેકટર તરીકે પોસ્ટીંગ -એમ જોઇએ તો ફિલ્ડમાં મે ૧પ વર્ષે વર્ક કર્યુ હવે કેન્દ્ર સરકારની નેશનલ હેલ્થ મીશનમાં ડાયરેકટર તરીકે નિમણુંક થઇ છે, પહેલા કોરોના સેકન્ડ વેવ, આવે તો થર્ડ વેવ, વેકસીનેશન એમાં રાજકોટ પૂરતી કામગીરી સીમિત હતી, પરંતુ હવે બુધવારે ચાર્જ છોડી - ગુરૂવારે ચાર્જ સંભાળ્યા બાદ આખા રાજયમાં કોરોના સામે થર્ડ વેવની તૈયારી અને વેકસીનેશન ઝડપી બને તે ફર્સ્ટ કામગીરી રહેશે.

તેમણે જણાવેલ કે સમગ્ર રાજયમાં કામગીરી જોવાની રહેશે, તમામ હોસ્પીટલો - ઇન્ફ્રાસ્ટ્રકચર આવરી લેવાશે, કોવીડ-નોન કોવીડ તમામ બાબતો આવરી લેવાશે.

અત્રે એ નોંધનીય છે કે નવસારી કલેકટર હતા ત્યારે કુપોષણમાં કામગીરીમાં તેમની રાજય લેવલે નોંધ લેવાઇ હતી, તો વલસાડમાં એસએમએસ દ્વારા કેસોના અરજદારોને ફાઇલો અંગે જાણકારીનો જે પાયલોટ પ્રોજેકટ ગુજરાતભરમાં પહેલી વખત અમલવારી બનાવ્યો તેનું રાજયભરમાં ઇમ્પલીમેટેશન થયું હતું. તો કચ્છમાં ભયાનક દુષ્કાળમાં છેવાડાના ઘર સુધી પાણી-ઘાસચારો ઉપલબ્ધ કરાવ્યો તેની મોદી સરકારે નોંધ લીધી હતી, તો રાજકોટમાં સતત દોઢ વર્ષ કોરોના સામે જંગ છેડી ભારે લોકપ્રિયતા મેળવી હતી.

કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે કોરોનામાં પ્રાયવેટ અને ખાનગી ડોકટરો પાસેથી કામ લેવુ ભારે અઘરૂ હતું. પરંતુ સતત મીટીંગોનો દોર કરી ખાસ કરીને રેમેડેસીવીર ઇન્જેકશન અને મ્યુકર માઇક્રોસીસના કેસો વખતે ધડાધડ નિર્ણય લેવાયા અને આપણે સફળ બન્યા. તે મહત્વનું બની રહ્યું, તેમણે ઉમેર્યુ હતું કે સીવીલના પ્રોફેસર ડો. મોનાલીએ મ્યુકરમાં તમામ ડીપાર્ટમેન્ટને ભેગા કરી બહુ સારૂ કામ કર્યુ છે, અને આપણે અનેક દર્દીઓને લાભ કરી શકયા.

તેમણે ઉમેર્યુ હતું કે નવા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબૂ સંભવતઃ બુધવારે સાંજે અથવા તો ગુરૂવારે સવારે ચાર્જ સંભાળશે. શ્રી રેમ્યા મોહને જતા જતા તમામ ફાઇલો - કેસોનો નિકાલ કર્યો છે, ર થી ૩ સામાન્ય ચૂકાદા આપ્યા. લેન્ડ ગ્રેબીંગમાં એકી સાથે ૮ કેસોમાં ફોજદારીના આદેશો કર્યા.

શ્રી રેમ્યા મોહનની બદલી થઇ તેમાં રાજકોટની પ્રજાને પણ આંચકો લાગ્યો છે, લોકોમાં ભારે લોકપ્રિયતા મેળવનાર - કોરોનામાં અનેકને મદદ કરનાર કલેકટરશ્રી ઉપર છેલ્લા ત્રણ દિવસમાં બદલીના અફસોસ, અને મદદ માટે આભારના સેંકડો મેસેજો આવી ગયા... કલેકટરે પણ જણાવ્યું હતું કે રાજકોટ શહેર-જીલ્લાની પ્રજા ભારે મળતાવળી છે, આનંદી છે, ખુશ મીજાજમાં રહેનારી છે. દરેક સ્થળે અને ભિન્ન ભિન્ન વિચાર ધરાવતા લોકો મળ્યા છે, પરંતુ રાજકોટની પ્રજા શોખીન છે તે પણ હકિકત છે.

(4:53 pm IST)