Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

નવલનગરમાં મનિષાબેન કારેલીયા દહેજના ત્રાસને લીધે મરી જવા મજબૂર થયાની પિતાની ફરિયાદ

લગ્નના આઠ જ દિવસ બાદ દિકરીએ કહેલું-કે સાસરિયા સતત મેણા કારે છે કે તારા પપ્પાએ કરિયાવર ઓછો આપ્યો છે! : ૮ જુનની આપઘાતની ઘટનામાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધી ચારેયની અટકાયત કરી : પતિ ગોૈરવે સાસુને ફોન કરી કહેલું કે-પપ્પાને કહો મને ઓફિસ લેવા સાત લાખ રૂપિયા આપેઃ સસરાએ આટલી રકમ નથી તેવું કહેતાં-તેણે કહેલું કે તો તમારી દિકરીને તેડી જજો

રાજકોટ તા. ૨૧: નવલનગરમાં રહેતી મનિષાબેન (મોન્ટુબેન) ગોૈરવ કારેલીયા (ઉ.વ.૩૩)એ ગત ૮ જુનના રોજ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં તેણીને દહેજ માટે પતિ, સાસુ, સસરા અને નણંદે ત્રાસ આપતાં તે મરી જવા મજબૂર થયાની ફરિયાદ તેણીના વાંકાનેર સ્થિત પિતાએ નોંધાવી છે.

આ બનાવમાં પોલીસે વાંકાનેર કુંભારપરા-૨ પિતૃ આશિષ ખાતે રહેતાં કાંતિભાઇ વિરજીભાઇ પરમાર (ઉ.વ.૭૪)ની ફરિયાદ પરથી રાજકોટ નવલનગર-૯/૧૭ના ખુણે અંબા નિકેત ખાતે રહેતાં તેમની આપઘાત કરનાર દિકરીના પતિ ગોૈરવ ચંદ્રવદન કારેલીયા, સસરા ચંદ્રવદન કારેલીયા, સાસુ લત્તાબેન ચંદ્રવદન કારેલીયા અને નણંદ નિશાબેન સામે આઇપીસી ૩૦૬, ૪૯૮ (ક), ૧૧૪, દહેજધારાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

કાંતિલાલ પરમારે ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા પત્નિ વનીતાબેન સાથે રહુ છું અને નિવૃત જીવન જીવું છે. મારે પાંચ દિકરીઓ છે. જેમાં સોૈથી નાની મનિષાબેન ઉર્ફ મોન્ટુ (ઉ.વ.૩૩)ના લગ્ન અઢી વર્ષ પહેલા તા. ૩૧/૧/૧૯ના રોજ રાજકોટ નવલનગરના ગોૈરવ ચંદ્રવદન કારેલીયા સાથે જ્ઞાતિના રિતરિવાજ મુજબ થયા હતાં. લગ્નના આઠ દિવસ પછી દિકરીને અમે વાયણું કરવા અમારા ઘરે લાવ્યા હતાં. તે વખતે તે ખુબ ઉદાસ દેખાતી હોઇ અમે તેને પુછતાં તે રડવા માંડી હતી અને કહ્યું હતું કે તેને તેના સાસુ, સસરા, નણંદ અને પતિ 'તારા પપ્પાએ કરિયાવર ઓછો આપ્યો છે' તેમ કહી મેણાટોણા મારે છે. તેમજ એવું પણ કહેતાં કે 'તારા પપ્પાને કહેજે કે પ્રોવિડન્ટ ફંડની રકમમાંથી ગોૈરવકુમારને ઓફિસ લઇ દે'. આ વાત મારી દિકરીએ અમને કરતાં અમે તેને સમજાવી હતી અને વાત જતી કરવા કહ્યું હતું.

એ પછી આજથી એકાદ વર્ષ પહેલા દિકરી મનિષાના સાસુ લત્તાબેનને પગમાં ગેંગરીન થઇ જતાં તેને ઓપરેશન કરાવવું પડેલુ અને પગ કપાવવો પડ્યો હતો. ત્યારે પણ જમાઇ ગોૈરવ અને વેવાઇ ચંદ્રવદનભાઇએ મારી પાસે દોઢ લાખ રૂપિયા માંગ્યા હતાં. પણ હું નિવૃત હોઇ પૈસાની સગવડ થઇ શકી નહોતી. એ બાબતે પણ મારી દિકરીને સતત મેણાટોણા મારવામાં આવતાં હતાં કે તારા બાપે અમને સારવાર માટે પણ કંઇ આર્થિક મદદ ન કરી.

એ પછી તા. ૭/૬/૨૧ના રોજ રાતે મારા પત્નિ વનિતાબેનના મોબાઇલમાં જમાઇ ગોૈરવનો ફોન આવ્યો હતો અને કહ્યુ઼ હતું કે-પપ્પાને કહેજો મારે ઓફિસ લેવા માટે સાત લાખ રૂપિયાની જરૂર છે.  આ વાત મને મારા પત્નિએ કરી હતી. આટલી મોટી રકમની વ્યવસ્થા મારાથી નહિ થાય તેમ મેં જમાઇને કહેતાં તેણે-તો તમારી દિકરીને તેડી જાજો, એને નથી રાખવી. આથી મેં તેને આવું ન કરવા સમજાવેલ. એ પછી ૮/૬ના રોજ મારા ચોથા નંબરના જમાઇ પ્રદિપકુમાર મારા ઘરે વાંકાનેર આવેલ અને કહેલું કે તૈયાર થઇ જાવ રાજકોટ ક્રિષ્નાબેનની ખબર કાઢવા જવાનું છે. મારી આ દિકરી ક્રિષ્ના પણ રાજકોટ સાસરે છે. આથી હું, મારા પત્નિ વનીતાબેન જમાઇ પ્રદિપકુમાર સાથે રાજકોટ આવતાં તે અમને સીધા નવલનગરમાં દિકરી મનિષાબેનના ઘરે લઇ ગયા હતાં. ત્યાં જઇ જોતાં તેણી મૃત્યુ પામ્યાની ખબર પડી હતી. તેણીએ ગળાફાંસો ખાઇ લીધાનું અમને જણાવાયું હતું.

દહેજ માટે પતિ, સાસુ, સસરા, નણંદે ગુજારેલો ત્રાસ સહન ન થતાં મારી દિકરી મરવા માટે મજબૂર થઇ હોઇ જેથી મેં આ ચારેય સામે ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં કાંતિલાલ પરમારે જણાવતાં હેડકોન્સ. ડી. જે. જાદવે ગુનો દાખલ કરાવતાં આગળની તપાસ પીઆઇ કે. એન. ભુકણ અને સ્ટાફે હાથ ધરી છે તેમજ ચારેય આરોપીઓની અટકાયત કરવા તજવીજ કરી છે.

(3:33 pm IST)