Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

દિકરો છોકરીને ભગાડી ગયાની શંકા રાખી પિતા વિપુલભાઇ મહેતા અને તેના ભત્રીજાનું અપહરણ : પોલીસે છોડાવ્યા

માંડા ડુંગર પાસે રામ પાર્કમાં બનાવઃ સમાધાનની વાત કરવા બોલાવ્યા બાદ ધમકી દઇ માર પણ માર્યો : પહેલા બંનેને ઘરમાં પુરીનેપ્લાસ્ટીકના પાઇપથી ફટકાર્યા પછી રામપાર્કથી ચાર બાઇકમાં ચાર જણાએ ભીચરીના રસ્તા સુધી લઇ જઇ ફરીથી માર માર્યોઃ પોલીસે લોકેશન શોધી પીછો કરી મુકત કરાવ્યાઃ બે શખ્સ સકંજામાં

રાજકોટ તા. ૨૧: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે રામ પાર્કમાં રહેતાં રિક્ષાચાલક બ્રાહ્મણ આધેડનો પુત્ર પડોશીની દિકરીને ભગાડી ગયો હોઇ તેવી શંકા રાખી આ બાબતે સમાધાન કરવા પડોશીએ આધેડને પોતાની ઘરે બોલાવતાં તેઓ પોતાના સાળાના દિકરા-ભત્રીજા સાથે ત્યાં જતાં પડોશીએ બંનેને ઘરમાં પુરીને પ્લાસ્ટીકના પાઇપથી બેફામ ફટકાર્યા બાદ બાઇક મારફત ભીચરી ગામના રસ્તા સુધી અપહરણ કરીને લઇ જઇ ફરીથી માર માર્યો હતો. એ દરમિયાન પોલીસે લોકેશન શોધી ત્યાં પહોંચી બંને ફુવા-ભત્રીજાને મુકત કરાવ્યા હતાં. બે આરોપીને સકંજામાં લઇ લેવાયા છે.

બનાવ અંગે આજીડેમ પોલીસે માંડા ડુંગર પાસે રામ પાર્ક ભવાની કોમ્પલેક્ષ પાછળના ભાગે નોબલ સ્કૂલ સામે રહેતાં રિક્ષાચાલક વિપુલભાઇ મનસુખભાઇ મહેતા (બ્રાહ્મણ) (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી તેના ઘર નજીક રામ પાર્કમાં જ રહેતાં વશરામ જેરામભાઇ, ઘનશ્યામ જેરામભાઇ, રોહિત ઘનશ્યામભાઇ અને વલ્લભભાઇ વિરૂધ્ધ આઇપીસી ૩૬૫, ૩૪૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

વિપુલભાઇના કહેવા મુજબ તેઓ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રી સાસરે છે. પોતાનો દિકરો દેવેન્દ્ર પડોશી વશરામભાઇની દિકરીને ભગાડી ગયો છે તેવી શંકા રાખી માથાકુટ કરી હોઇ મનદુઃખ થયું હતું. ગઇકાલે પોતે અને સાળાનો દિકરો ચિંતનભાઇ ઘરે હતાં ત્યારે વશરામભાઇના દિકરાએ આવી 'તમને મારા પપ્પા બોલાવે છે, કામ છે' તેવું કહેતાં વિપુલભાઇ અને સાથે તેનો ભત્રીજો ચિંતનભાઇ વશરામભાઇના ઘરે જતાં બંનેને વાતચીત કરવાના બહાને ઘરમાં અંદર બોલાવી પ્લાસ્ટીકના પાઇપથી માર મારી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી હતી. એ પછી ચાર જુદા જુદા બાઇક પર વિપુલભાઇ અને તેના ભત્રીજા ચિંતનભાઇને વશરામભાઇ, ઘનશ્યામભાઇ, રોહિત અને વલ્લભભાઇએ બેસાડી રામપાર્કથી અપહરણ કરી ત્રંબા તરફના હાઇવે પર વાહનો ભગાવ્યા હતાં. એ દરમિયાન વિપુલભાઇના પત્નિએ પોલીસને જાણ કરતાં પોલીસ આવી ગઇ હતી અને મોબાઇલ લોકેશનને આધારે પીછો કરી ભીચરી ગામના રસ્તેથી બંને અપહૃતને મુકત કરાવ્યા હતાં. બે આરોપી પણ સંકજામાં આવી ગયા છે. પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ આર.વી. કડછા અને ટીમ વધુ તપાસ કરે છે.

(3:32 pm IST)