Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

સોફટવેર ડેવલોપર જીજ્ઞેશ સાવલીયાએ અખબારના નામે ફેક ઇમેજ બનાવી વાયરલ કરતાં ધરપકડ

રાજકોટ તા.૨૧: લોકડાઉન ખુલ્યાના બીજા જ દિવસે સોશિયલ મિડીયામાં એક મેસેજ વાયરલ થયો હતો જેમાં રાજકોટ મિરર સાપ્તાહિકના લોગો સાથે 'રાજકોટ શહેર પાન-બીડી વેપારી અને ગલ્લાઓના એસોશિએસનનો જનહિતમાં મોટો નિર્ણય-૩૧ મે સુધીશહેરમાં કોઇપણ એજન્સી કે દૂકાન નહિ ખોલે'...આ પ્રકારનું લખાણ હતું. આ મેસેજ ખરેખર રાજકોટ મિરર તરફથી મુકાયો ન હોઇ તંત્રી દ્વારા તપાસ શરૂ કરવામાં આવતાં અને આ બારામાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવતાં સાયબર ક્રાઇમ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી ખોટો મેસેજ વાયરલ કરનારને શોધી કાઢી તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

આ બારામાં સાયબર ક્રાઇમ પોલીસે તંત્રી પ્રતિપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૬-રહે. ૨૦૧-માઇલસ્ટોન એપાર્ટમેન્ટ કાલાવડ રોડ)ની ફરિયાદ પરથી જીજ્ઞેશ મનસુખભાઇ સાવલીયા (ઉ.૨૯-રહે. જલારામ સોસાયટી, ૨-હેતધારા કોમ્પલેક્ષ ફલેટ નં. ૨૦૧ યુનિવર્સિટી રોડ, મુળ આટકોટ) સામે આઇપીસી ૪૬૫, ૪૬૯, ૪૭૧, આઇટી એકટ ૨૦૦૦ની કલમ ૬૬ (સી) મુજબ રાજકોટ મિરર અખબારનો લોકગોની ઓળખ ચોરી ખોટો દસ્તાવેજ ઉભો કરી ફરિયાદીની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના હેતુથી તેનો ઉપયોગ કરી ખોટો મેસેજ વ્હોટ્સએપ પર મોકલી ગુનો કરવા બાબત કાર્યવાહી કરી છે.

પ્રતિપાલસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે હું રાજકોટ મિરર અખબારમાં તંત્રી તરીકે કાર્યરત છું. સોશિયલ મિડીયાના તમામ પ્લેટફોર્મ પર હું ડેઇલી અમારા ન્યુઝ અપડેટ કરુ છું. ૧૯/૫ના રોજ વ્હોટ્સએપ પર એક મેસેજ વાયરલ થયો હતો. જેમાં અમારા અખબારનું નામ હતું. આ મેસેજ રાજકોટ શહેર પાન-બીડી વેપારી અને ગલ્લાઓના એસોશિએશનનો જનહિતમાં મોટો નિર્ણય, ૩૧ મે સુધી શહેરમાં કોઇપણ એજન્સી કે દુકાન નહિ ખોલે...તે મુજબનો હતો. મારા ધ્યાને આ વાત આવતાં મેં તપાસ કરી હતી. કારણ કે અમારા તરફથી આવો કોઇ મેસેજ મુકવામાં આવ્યો નહોતો.

કોઇએ અમારા સાપ્તાહિકના લોગોનો દુરૂપયોગ કરી અફવા ફેલાવી હોવાનું ધ્યાને આવતાં ફરિયાદ અરજી કરી હતી. જેની તપાસ થતાં જીજ્ઞેશ મનસુખભાઇ સાવલીયાએ આ ઇમેજ તૈયાર કરી યોગેશભાઇ ઠક્કર કે જે તેના શેઠ છે તેને મોકલી હતી. યોગેશભાઇએ આ ઇમેજ કલ્પેશભાઇ ત્રાંબડીયાને મોકલી હતી. એ પછી તે સોશિયલ મિડીયામાં વાયરલ થઇ હતી. અમારા સાપ્તાહિકના લોગોનો ઉપયોગ કરી ખોટી ઇમેજ બનાવી અમારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડવામાં આવી હોઇ અમે ફરિયાદ કરી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદની સુચના મુજબ સાયબર ક્રાઇમના પીઆઇ એમ. બી. ઓૈસુરાએ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. તેણે એવું કબુલ્યું હતું કે પોતાના શેઠને પાન બીડીનું બંધાણ હોઇ તેની મજાક કરવા માટે આ ઇમેજ બનાવીને તેને મોકલી હતી. જો કે મજાક જીજ્ઞેશને મોંઘી પડી ગઇ હતી. લોકો આ પ્રકારના કોઇપણ મેસેજ ખાત્રી કર્યા વગર વાયરલ ન કરે તે જરૂરી છે.

(3:51 pm IST)