Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

હોટલ -રેસ્ટોરન્ટોનાં ફુડ ડીલીવરી બોયનાં હેલ્થ કાર્ડ કાઢવાનું શરૃઃ આજે ૧૧૮ કાર્ડ ઇસ્યુ

સ્વીગી-ઝોમેટો તથા અન્ય રેસ્ટોરન્ટોનાં ડીલીવરી બોયનો હેલ્થ કાર્ડ અપાયાઃ હેન્ડ ગ્લોવ્ઝ ફરજીયાતઃ ડીલીવરી કન્ટેઇનર સેનેટાઇઝ કરવું પડશેઃ શાકભાજી-ફુટનાં ફેરિયાઓને સ્થળ પર જઇ ૮૫૬ હેલ્થ કાર્ડ અપાયા

રાજકોટ,તા.૨૧: સરકારે લોકડાઉન-૪માં છુટછાટો આપી છે. જેમાં હોટલ રેસ્ટોરન્ટોને ફુડ ડીલીવરીની છૂટ અપાતા મ્યુ.કોર્પોરેશન આજથી ફુડ ડીલવરી બોયને  હેલ્થ કાર્ડ આપવાનું શરૂ થયું છે. ઉપરાંત શાકભજી-ફુડના ફેરિયાઓને પણ હેલ્થકાર્ડ અપાયા છે.

આ અંગે આરોગ્ય અધિકારીનાં જણાવ્યા મજબ, મ્યુનિસિપલ કમિશનરશ્રી ઉદિત અગ્રવાલના આદેશ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા બીગ બઝાર પાછળ, વેસ્ટ ઝોન કચેરી ખાતે, ફૂડ ડીલીવરી માટે રેસ્ટોરન્ટ સંચાલકો તથા ફુડ ડીલવરી બોય માટે હેલ્થ કાર્ડ આપવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. સ્વીગી, ઝોમેટો તથા રેસ્ટોરન્ટના માલિકો દ્વારા ડીલીવરી બોય માટે જરૂરી આધાર રજુ કર્યે હેલ્થ કાર્ડ આપવામાં આવશે. આજે તા. ૨૧-૦૫-૨૦૨૦ ના રોજ સવારે ૧૧૮ ફુડ ડિલીવરી બોયને કાર્ડ આપવામાં આવેલ છે.

હેલ્થ કાર્ડઆપવાની સાથે સાથે નીચે મુજબની સુચનાઓ આપવામાં આવી.

.ફુડ ડિલીવરીનો સમય સવારે ૦૮ વાગ્યાથી સાંજે ૦૪ વાગ્યા સુધીનો રહેશે.

.ફુડ ડિલીવરી બોયએ માસ્ક તથા ગ્લોવ્ઝ ફરજીયાત પહેરવાના રહેશે.

.હેલ્થ કાર્ડ જે વ્યકિતના નામે ઈશ્યુ થયેલ હોય તે વ્યકિત જ ઉપયોગ કરી શકશે.

.ફુડ પાર્સલ સીવાય અન્ય કોઈ પણ વસ્તુની ડિલીવરી માટે આ કાર્ડનો ઉપયોગ કરી શકશે નહિ.

.હેલ્થ કાર્ડ અચૂક સાથે રાખવાનું રહેશે.

.ફુડ ડિલીવરી માટે ઉપયોગમાં લેવામાં આવતું કન્ટેઈનર દરેક ડિલીવરી કર્યા બાદ ફરજીયાત સેનીટાઈઝ કરવાનું રહેશે.

.ફુડ પાર્સલ કરવા માટે ફરજીયાત ડિસ્પોઝેબલ વસ્તુનો ઉપયોગ કરવાનો રહેશે.

. સરકારશ્રી દ્વારા વખતોવખત જાહેર કરવામાં આવતી સુચનાઓનું પાલન કરવાનું રહેશે.

ફુડ ડીલીવરીના હેલ્થ કાર્ડ માટે ડીલીવરી બોયનો ફોટો, ફોટોઆઈડીપ્રુફ તથા મેડીકલ સર્ટીફીકેટ સાથે બીગ બઝાર પાછળ, વેસ્ટ ઝોન કચેરી ખાતે, રૂમ નં. ૬ માં સંપર્ક કરવાનો રહેશે.

શાકભાજીઓને હેલ્થ કાર્ડ

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા મેંગો માર્કેટ, માર્કેટીંગ યાર્ડ તથા જયુબેલી શાકમાર્કેટ જેવા જુદા – જુદા સ્થળોએ શાકભાજી તથા ફળોના ફેરીયાઓને હેલ્થ કાર્ડ આપવાની કામગીરી કરવામાં આવેલ છે. આરોગ્ય શાખાની ટીમો દ્વારા તા.૨૦/૦૫/૨૦૨૦, બુધવારના રોજથી આ કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જેમાં કુલ ૮૫૬ શાકભાજી તથા ફળોના ફેરિયાઓને હેલ્થ કાર્ડ આપવામાં આવેલ છે.

શાકભાજી તથા ફળોના ફેરિયાઓને હેલ્થ કાર્ડ આપવાની સાથે સાથે નીચે મુજબની સુચનાઓ આપવામાં આવેલ તેમજ સુચનાઓનું કડક પાલન કરવા માટે જણાવવામાં આવેલ છે.

જેમાં ફળો/શાકભાજીનું વેચાણ સવારે ૦૭ વાગ્યાથી સાંજે ૦૭ વાગ્યા સુધી જ કરી શકાશે. એક જગ્યાએ સ્થાયી રહીને કે હોકર્સ ઝોન ખાતે વ્યવસાય કરી શકાશે નહિ. સતત ફરતા રહીને વ્યવસાય કરવાનો રહેશે. ફેરિયાએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.હેલ્થ કાર્ડ જે વ્યકિતના નામે ઈશ્યુ થયેલ હોય તે વ્યકિતએ જ ફેરી/વ્યવસાય કરવાનો રહેશે. હેલ્થ કાર્ડ અચૂક સાથે રાખવાનું રહેશે.ફેરિયા શાકભાજી/ફળો સિવાય કોઈ પણ વસ્તુનું વેચાણ કરી શકશે નહિ.

(3:47 pm IST)