Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

રાજકોટની સંખ્યાબંધ રાશનીંગ દુકાનોમાં પૂરવઠો ન પહોંચ્યાની ફરિયાદો : મજૂરોની તંગીને કારણે આમ બન્યું

આજે ૫ થી ૭ કાર્ડ ધારકો કલેકટર કચેરીએ દોડી આવ્યા : દેકારો બોલી ગયો : જો કે DSO કહે છે.. તમામ સ્થળે વિતરણ ચાલુ છે... મજૂરોનો પ્રશ્ન હતો તે હવે હલ થયો છે... હાલ ૪૦થી ૫૦ મજૂરો છે

રાજકોટ તા. ૨૧ : રાજકોટની સસ્તા અનાજની દુકાનોમાંથી ૧૭મી તારીખથી બીપીએલ - અન્યોંદય કાર્ડ હોલ્ડરોને વિનામૂલ્યે ઘઉં - ચોખા સહિતનો રાજ્ય અને કેન્દ્રનો જથ્થો એકી સાથે વિતરણ કરવાનું શરૂ થયું છે પરંતુ આજે સંખ્યાબંધ કાર્ડ હોલ્ડરો કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા અને દુકાનદારો જથ્થો નહી હોવાનું જણાવી - ફરિયાદ કરી માલ ન આપતા હોવાનું જણાવ્યું હતું, આ બાબતે કલેકટર કચેરી ખાતે ૫ થી ૭ કાર્ડ હોલ્ડરોમાં રોષ પ્રજવળી ઉઠયો હતો.

દરમિયાન અમુક દુકાનદારોનું કહેવું હતું કે, માલ હજુ પહોંચ્યો નથી, જે હતો તે વિતરણ કરી દેવાયો છે, પૂરવઠો ન હોય તો વિતરણ કેમ કરવું, આમ દુકાનોમાં પૂરવઠો નહી પહોંચ્યાની ફરિયાદો ઉદ્ભવી છે, આની પાછળ બહાર આવેલ વિગતો મુજબ મજૂરોની તંગીને કારણે આમ બન્યું છે, પરપ્રાંતિય મજૂરો વતનમાં ચાલ્યા જતા જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા શહેરમાં ફરી જેમ તેમ કરીને ૪૦ થી ૫૦ મજૂરો એકઠા કરી દુકાનો ઉપર માલ પહોંચાડવાનું શરૂ કરાયું છે.  દરમિયાન DSO શ્રી પૂજા બાવડાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, દુકાનો ઉપર માલ નથી તે ખોટી બાબત છે. આ વખતે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેનો જથ્થો આપવાનો હોય, સરકારની સૂચના હતી કે પ્રારંભમાં દુકાનો ઉપર ૫૦ ટકા માલ આપવો, એ ખતમ થાય એટલે તુર્ત જ બીજો પુરવઠો પહોંચાડવો અને એ કામગીરી રાઉન્ડ ધ કલોક ચાલુ છે.

તેમણે જણાવેલ કે જે દુકાનદારને ત્યાં પુરવઠો ઉતારવાની જગ્યા છે, તેમને ત્યાં ૧૦૦ ટકા માલ ઉતારાયો છે, અને જેમને જગ્યા નથી, ત્યાં ખલાસ થયે તુર્ત જ પૂરવઠો પહોંચાડી દેવાય છે, બાકી શહેરમાં વિતરણ શાંતિપૂર્વક ચાલે છે અને કોઇ દુકાને અટકયું નથી.

તેમણે ઉમેર્યું હતું કે, હા મજૂરોનો પ્રશ્ન ઉદ્ભવ્યો હતો, પરંતુ તે હવે હલ કરી લેવાયો છે, નિગમના ગોડાઉન ઉપર ૪૦ થી ૫૦ મજૂરો દ્વારા કામગીરી ચાલુ છે, કોઇ પ્રકારની મુશ્કેલી નહિ પડે અને અમારૂ મોનીટરીંગ પણ ચાલુ છે.

(3:23 pm IST)