Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

લોકડાઉનને લીધે આર્થિક ભીંસઃ ત્રણનો આપઘાત

ગોંડલ રોડ ગીતાનગરના લુહાર યુવાન પ્રફુલભાઇ મકવાણાનો મોટા ભાઇના કારખાનામાં અને નવાગામ શકિત સોસાયટીના અશરફ કુરેશીનો ગળાફાંસો ખાઇને તથા મોરબી રોડ પર રહેતાં માળી યુવાન વિનોદભાઇ સોલંકીએ ટ્રેન હેઠળ કપાઇ જિંદગી ટૂંકાવી લીધી

રાજકોટ તા. ૨૧: કોરોના મહામારીને કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ચોથા તબક્કાના લોકડાઉનમાં કેન્દ્ર સરકારે જે તે રાજ્ય સરકાર પર લોકડાઉન ખોલવું કે કેમ તેનો નિર્ણય છોડ્યો હતો. તે મુજબ ગુજરાત સરકારે સમગ્ર ગુજરાતમાંથી શરતો સાથે લોકડાઉન ઉઠાવી લીધું છે. સતત પંચાવન દિવસ સુધી ઘરમાં જ રહેલા અનેક કારીગરો, વેપારીઓ, મજૂરો હવે આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે. લોકડાઉન ખુલ્યાનો આજે ત્રીજો દિવસ છે. ધીમે ધીમે કામધંધા જામશે પરંતુ હાલમાં માહોલ ઉભો થતો ન હોઇ લોકો હજુ પણ મુંજવણ અનુભવી રહ્યા છે. રાજકોટ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં લોકડાઉનને કારણે ઉભી થયેલી આર્થિક ભીંસથી કંટાળી આત્મહત્યા કરી લેવાના ત્રણ બનાવ બન્યા છે. જેમાં ગીતાનગરના લુહાર યુવાન અને નવાગામ છપ્પનીયા કવાર્ટરના મુસ્લિમ યુવાને ગળાફાંસો ખાઇને તથા મોરબી રોડ પર રહેતાં યુવાને ટ્રેન હેઠળ કપાઇને જિંદગીનો અંત આણી લેતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે.

પ્રથમ ઘટના

ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ ગીતાનગર-૫માં રહેતાં લુહાર યુવાન પ્રફુલભાઇ રામજીભાઇ મકવાણા (ઉ.૩૮) નામના યુવાને ગઇકાલે કોઠારીયા નજીક સાઇબાબા સર્કલ પાસે હિન્દુસ્તાન લિફટ સર્વિસ નામના કારખાનામાં પંખાના હુકમાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં આજીડેમ પોલીસ મથકના મનહરસિંહ, કલ્પેશભાઇ ચાવડા સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર પ્રફુલભાઇ છ ભાઇ અને ચાર બહેનમાં નાના હતાં. તેઓ છુટક વેલ્ડીંગ કામ તેમજ કારખાનામાં કામ કરતાં હતાં. તેમના ભાઇ અશ્વિનભાઇને હિન્દુસ્તાન સર્વિસ નામે ભાગીદારીમાં કારખાનુ છે. ગઇકાલે બુધવારે કારખાનામાં રજા હોઇ પ્રફુલભાઇ તેના ભાઇ પાસેથી ચાવી લઇ કારખાને આટો મારવા જાય છે તેમ કહીને ઘરેથી નીકળેલ. મોડે સુધી પરત ન આવતાં તેના ભાઇ અશ્વિનભાઇ કારખાને તપાસ કરવા જતાં પ્રફુલભાઇ લટકતા મળ્યા હતાં.  સ્વજનોના કહેવા મુજબ લોકડાઉન અને આર્થિક ભીંસથી કંટાળીને તેમણે આ પગલુ ભર્યુ હતું.

બીજો બનાવ

નવાગામ છપ્પનીયા કવાર્ટર શકિત સોસાયટી-૮ કવાર્ટર નં. ૫૬માં રહેતાં અશરફ રફિકભાઇ કુરેશી (ઉ.વ.૩૦)એ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી ચિરાગભાઇ પરમારે કરતાં બી-ડિવીઝનના એએસઆઇ યુ. બી. પવાર અને મહેશભાઇએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ અશરફ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. લોકડાઉનને કારણે સતત બે મહિનાથી તે ઘરે હતો.

લોકડાઉનને કારણે તે પત્નિ-સંતાનો સાથે રૂખડીયાપરામાં સગાની બાજુમાં ભાડેથી રહેવા જતો રહ્યો હતો. લોકડાઉન ખુલવા છતાં કામ મળતું ન હોઇ તે કંટાળી ગયાનું કહેતો હતો. ગઇકાલે તે નવાગામના પોતાના કવાર્ટરે આટો મારવા આવ્યો હતો અને હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ગઇકાલે સવારથી તે રૂમમાં હતો. સાંજ સુધી બહાર ન નીકળતાં પડોશીએ તપાસ કરતાં ઘટનાની જાણ થઇ હતી. પરિવારના આધારસ્તંભના મોતથી કુરેશી પરિવારમાં માતમ છવાયો છે. ઇદ પણ નજીક આવી રહી હોઇ આમ છતાં કામ ન હોઇ તેના કારણે પણ તે ચિંતામાં હતો.

ત્રીજો બનાવ

આત્મહત્યાના ત્રીજા બનાવમાં મોરબી રોડ પર રઘુવીર પાન પાસે રાધે બિલ્ડર્સ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતાં વિનોદભાઇ અમરશીભાઇ સોલંકી (ઉ.૪૩) નામના માળી યુવાને મોરબી રોડ રેલ્વે ફાટક ગેઇટ નં. ૧૨૦ નજીક ટ્રેન હેઠળ પડતું મુકી જિંદગી ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ અંગે રેલ્વે પોલીસના જયકુમાર રામીએ જાણ કરતાં બી-ડિવીઝનના એએસઆઇ યુ. બી. પવાર તથા મહેશભાઇએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ વિનોદભાઇ ચાંદીકામની મજૂરી કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. લોકડાઉનને કારણે ચાંદીકામની મજૂરી બંધ હોઇ આર્થિક ભીંસમાં મુકાઇ ગયા હતાં. આ કારણે પગલુ ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

ધીરજ રાખો...જિંદગી છે તો બધુ છે...ધીમે-ધીમે ગાડી પાટે ચડશે

. લોકડાઉનને કારણે સોૈ કોઇના ધંધા-રોજગારને માઠી અસર પહોંચી છે એ સત્ય છે. પંચાવન દિવસ સુધી ધંધા-રોજગાર બંધ રહ્યા હોઇ સોૈ કોઇ આર્થિક સંકડામણમાં મુકાઇ ગયા હોય તે પણ હકિકત છે. ગુજરાત સરકારે હવે લોકડાઉન ઉઠાવી લીધુ છે અને કામધંધા-વેપાર ફરીથી શરૂ થઇ ગયા છે. જો કે હજુ પણ શરતો મુજબ વેપાર ધંધા કરવાના હોઇ પહેલા જેવો જ ધમધમાટ થવામાં હજુ સમય લાગશે. આ તથ્ય સોૈએ સ્વીકારવું જરૂરી છે. આર્થિક સંકડામણને કારણે મુંજવણ હોય તો તેનો ઉકેલ આપઘાત કે આપઘાતનો પ્રયાસ એક માત્ર રસ્તો નથી. સ્વજનોનો વિચાર કરો, ધીરજ ધરો. ધીમે-ધીમે બધુ સારું થઇ જશે તેવું વિચારીને કામ કરો. નકારાત્મક વિચારો આવતાં હોય તો એકલા રહેવાને બદલે સતત કોઇની સાથે રહો અને સ્વજનોને જાણ કરો. જિંદગી હશે તો બધુ હશે. જિંદગીને જ ખતમ કરી નાંખશો તો બધુ જ ખતમ થઇ જશે. માટે થોડી ધીરજ ધરો, વિચારો...નકારાત્મક વિચારશરણીમાંથી બહાર આવી મજબૂત બનો. ખોટા વિચાર આવે તો એ જૂઓ કે તમે એકલા મુશિબતમાં નથી. તમારા જેવા હજ્જારોને તકલીફ પડી રહી છે. પોઝિટિવ બનો, બધુ સારું થઇ જશે.

(3:43 pm IST)