Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

એકી - બેકી મુજબ દુકાનો ખૂલતા જ વેપારીઓમાં અસમંજસ : કેટલીક દુકાનોમાં સ્ટીકરો લગાડવામાં ભૂલ થઇ!

૮૦ ટકા વેપારીઓએ નિયમનુ પાલન કર્યું : માસ્ક વગરના ૮ થી ૧૦ દુકાનદારોને રૂ. ૨૦૦નો દંડ ફટકારાયો

નિયમનો અમલ : કડિયા નવલાઇન બજારના વેપારીઓએ એકી-બેકીના નિયમનું ચૂસ્ત પાલન કરી આજે ૧ નંબર સ્ટીકરવાળી દુકાનો જ ખોલી હતી. ૨ નંબરના સ્ટીકરવાળી દુકાનો બંધ રખાઇ હતી તે તસ્વીરમાં દર્શાય છે.

રાજકોટ તા. ૨૧ : લોકડાઉન-૪માં સરકારે બજારો અને દુકાનોને એકી અને બેકી તારીખે એમ અલગ-અલગ દિવસે ખોલવા છુટ આપવામાં આવી છે તેથી મ્યુ. કોર્પોરેશને બજારો અને મેઇન રોડ ઉપરની દુકાનોમાં ૧ અને ૨ લખેલા સ્ટીકરો લગાવી દીધા છે અને હવે આજે ૧ નંબરના સ્ટીકરવાળા એટલે કે ૨૧ એકી તારીખવાળા વેપારીઓએ દુકાનો ખોલી હતી. કેટલાક વિસ્તારમાં સ્ટીકરો બાબતે વેપારીઓ અસમંજસમાં મૂકાયા હતા. કેમકે જ્યાં સ્ટીકરો લગાડવાના ન હતા તેવી દુકાનોમાં સ્ટીકરો લગાવી દેવાયા હતા.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આજથી શહેરની બજારો - મેઇન રોડ પરની ુકાનો એકી-બેકીના નિયમ મુજબ ખુલી છે કે કેમ તેનું ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં ૮૦ ટકા જેટલા વેપારીઓએ તેઓની દુકાન પર લગાવેલા સ્ટીકર મુજબ દુકાન ખોલી હતી. જ્યારે કેટલાક વેપારીઓ માત્ર દુકાની સફાઇ કરીને જતા રહ્યા હતા.

આમ, આજે બપોરે ૨ વાગ્યા સુધીમાં એકપણ વેપારીને એકી-બેકીના ભંગનો દંડ કરવાની જરૂર પડી ન હતી તેમ ચેકીંગ ટુકડીના અધિકારીઓએ જણાવેલ.

જોકે, ૮ થી ૧૦ વેપારીઓએ માસ્ક પહેર્યા નહી હોવાથી તેઓ પાસેથી રૂ. ૨૦૦ લેખે દંડ વસુલાયો હતો.

દરમિયાન જે દુકાનો શેરી - ગલીમાં છે અને આસપાસ કયાંય બીજી દુકાનો નથી તેવી દુકાનોમાં પણ સ્ટીકરો લગાવી દેવાયા છે. એટલુ જ નહી બે શટરવાળી દુકાનોમાં પણ ૧ નંબર, ૨ નંબરનાં સ્ટીકરો લગાવી દેવાયા છે અને કરિયાણુ, દુધ, મેડીકલની દુકાનોને એકી-બેકીના નિયમમાંથી મુકિત છે છતાં આવી અનેક દુકાનો ઉપર ૧ નંબર ૨ નંબરના સ્ટીકરો લગાવી દેવાતા આવા નાના મોટા છબરડા તંત્ર દ્વારા થતા વેપારીઓ ભારે અસંમજસમાં મૂકાયા હતા.

આમ, આજથી એકી-બેકીના નિયમ મુજબ દુકાનો ખોલવાના નિયમનો પ્રારંભ થયો છે અને મોટા ભાગના વેપારીઓ નિયમનું પાલન કરતા જોવા મળ્યા હતા તેથી આ પ્રકારે હવે શહેરીજનો કોરોના સામે લડત આપવા તૈયાર થઇ રહ્યાનું સ્પષ્ટ થઇ રહ્યું છે. જો આજ પ્રકારે શહેરીજનો નિયમોનું સ્વૈચ્છીક પાલન કરતા રહેશે તો કોરોના સામેની લડાઇમાં વહેલી જીત મળશે તેવી આશા બંધાઇ છે.

(3:20 pm IST)