Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

શ્રમિકોના સ્વાસ્થ્ય સંભાળમાં ધન્વન્તરી આરોગ્ય રથની આગવી સેવા

રાજકોટ જિલ્લાના ૭ હજારથી વધુ શ્રમિકોનું હેલ્થ સ્ક્રીનિંગ

'હું બાંધકામ સાઈટ ઉપર મજૂરી કામ કરીને રોજનું કમાઈને મારૃં તથા મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. કોરોનાની મહામારીના કારણે મને થોડો ડર હતો. મારે ડોકટર પાસે તપાસ કરાવવા જવું હતુ. પરંતુ મારી પાસે એટલા રૂપિયા નહોતા કે હું ડોકટર પાસે જઈ તપાસ કરાવી શકુ. હું ચિંતામાં હતો. તેવા સમયે અમારી બાંધકામની સાઇટ ઉપર ધન્વન્તરી આરોગ્ય રથ લઈને ડોકટર આવ્યા અને માત્ર મારી જ નહી પરંતુ મારી સાથે આ સાઈટ ઉપર કામ કરતા તમામ શ્રમિકોની વિનામૂલ્યે સારવાર કરી. ધન્વન્તરી આરોગ્ય રથના કારણે મારી સારવાર પણ થઈ ગઈ અને દવાનો ખર્ચ પણ બચ્યો.' આ શબ્દો છે, રાજકોટની બાંધકામ સાઇટ પર મજૂરી કામ કરતા અને ધન્વન્તરી આરોગ્ય રથ દ્વારા વિનામૂલ્યે પ્રાથમિક તબીબી સારવાર મેળવી સ્વસ્થ બનેલા શ્રમિક અક્ષયભાઈ પાનખાણીયા.

ગુજરાતની સંવેદનશીલ સરકારે હંમેશા દરેક વર્ગના લોકોના કલ્યાણ અર્થે નીતિ-રીતિનું ઘડતર કર્યું છે. લોકોની આવતી કાલ ઉજ્જવળ બને તે માટે અનેકવિધ યોજનાઓને અમલી બનાવી છે. જે અંતર્ગત રાજયના અસંગઠિત એવા બાંધકામ સાઈટ ઉપર કામ કરતા શ્રમિકો પ્રત્યે માનવીય અભિગમ દાખવી તેમના આરોગ્યની સંભાળ લઈ શકાય તે માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા રાજયમાં તા. ૨૬ ડિસેમ્બર, ૨૦૧૫ ના રોજ જીવીકે ઇએમઆરઆઇ ૧૦૮ મારફત ધન્વન્તરી આરોગ્ય રથ યોજના અમલીકૃત કરી હતી. જે અંતર્ગત રાજકોટ જિલ્લાને ૩ ધન્વન્તરી આરોગ્ય રથ ફાળવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં બાંધકામ એકમોને આંશિક છૂટછાટ આપ્યા બાદ તા. ૨૦ એપ્રિલથી તા. ૨૦ મી મે ૨૦૨૦ સુધી માસ દરમિયાન  ૨૦૦ થી ૨૫૦ જેટલી સાઈટ ઉપર ૭ હજારથી વધુ શ્રમિકો અને તેમના પરિવારજનોના હેલ્થ સ્ક્રીનિંગ અને પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમને કોરોના વાયરસથી બચવા માટે સ્વાસ્થ્યની જાળવણી કેમ કરવી તેની પણ માહિતી આપવામાં આવે છે.

ધન્વન્તરી આરોગ્ય રથમાં સેવા નિભાવતા ડો.કિંજલબેન પટેલ જણાવે છે કે, ઙ્કહાલ રાજકોટ જિલ્લામાં ૩ ધન્વન્તરી આરોગ્ય રથ કાર્યરત છે. જેમાં ૧ આયુષ ડોકટર, ૧ લેબ ટેકિનશિયન, ૧ ફાર્માસીસ્ટ, ૧ પેરા મેડિકલ સ્ટાફ અને ૧ ડ્રાઈવર સહિતના ૫ જેટલા આરોગ્ય કર્મીઓ દ્વારા બાંધકામ સાઈટ ખાતે તબીબી સેવાઓ પુરી પાડવામાં આવે છે. અમે દરરોજ ૪-૫ બાંધકામ સાઈટમાં અંદાજીત ૨૦૦ જેટલા શ્રમિકોની પ્રાથમિક તપાસ કરીએ છીએ અને તે મુજબની દવાઓ આપીએ છીએ. જરૂર જણાય તો શ્રમિકને હોસ્પિટલમાં પણ રીફર કરીએ છીએ. જેટલા પણ શ્રમિકોની તપાસ થાય છે તેનું નિયત ફોર્મ ભરીને તેનો સંપૂર્ણ ડેટા ઓનલાઈન સોફટવેરના માધ્યમથી ગાંધીનગર આરોગ્ય વિભાગને મોકલવામાં આવે છે.

આ યોજના હેઠળ હાલ ગુજરાત રાજયના વિવિધ ૨૨ જિલ્લાઓમાં કાર્યરત કુલ ૩૪ મોબાઈલ હેલ્થ યુનિટ અર્થાત ધન્વન્તરી આરોગ્ય રથ દ્વારા પ્રાથમિક તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં રાજકોટના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના જિલ્લા નિરક્ષિક અને પ્રોજેકટ મેનેજર દ્વારા શ્રમિકોની સ્વાસ્થ્યની જાણવાની અંગેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે અને આ સમગ્ર કામગીરીનું મોનીટરીંગ કરવામાં આવે છે.ઙ્ગઙ્ગ

આમ કોરોનાની મહામારીમાં રાજકોટ જિલ્લાના શ્રમિક બંધુઓના આરોગ્ય અને સ્વાસ્થ્યની જાણવણી ધન્વન્તરી આરોગ્ય રથ દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવી રહી છે. અને તેમને રોગમુકત કરવા સતત અને સઘન પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે.

: આલેખન :

શુભમ અંબાણી

માહિતી કચેરી, રાજકોટ

(3:07 pm IST)