Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

કોરોના રિપોર્ટ આવ્યા પહેલા સિવિલ હોસ્પિટલ ખાતેથી જ અંતિમવિધી કરી નખાતા મૃતકના સ્વજનોમાં રોષ

ડેરીવડાળાના નાગરાજસિંહ જાડેજા (ઉ.૫૫)ને ગત સાંજે દાખલ કરાયા બાદ રાતે મોત નિપજતાં રિપોર્ટ આવે તેની રાહ જોઇ મૃતદેહ સ્વજનોને આપવાને બદલે હોસ્પિટલેથી રાજકોટમાં જ અંતિમવિધી કરવાના આગ્રહથી સ્વજનો દુઃખી થયાઃ સંબંધીતો ખુલાશો કરે તેવી માંગણી

રાજકોટ તા. ૨૧: સિવિલ હોસ્પિટલમાં  કોરોનાનો રિપોર્ટ કરાવવા માટે ગઇકાલે સાંજે દાખલ કરાયેલા કાલાવડના ડેરીવડાળાના નાગરાજસિંહ નાનભા જાડેજા (ઉ.વ.૫૫)નું રાત્રીના મોત નિપજ્યું હતું. તેમનો રિપોર્ટ આજે સવારે આવશે તેવું કહેવાયું હતું. પરંતુ બપોર સુધી રિપોર્ટ આવ્યો નહોતો. એ પહેલા હોસ્પિટલ તંત્રએ મૃતદેહની રાજકોટમાં જ ફરજીયાત અંતિમવિધી કરવી પડે તેવો આગ્રહ રાખી અંતિમવિધી કરાવી નાંખતા સ્વજનોમાં રોષ ફેલાઇ ગયો હતો. તેમની માંગણી હતી કે રિપોર્ટ આવે તેની રાહ જોવી જોઇએ અને પોઝિટિવ રિપોર્ટ આવે તો જ અહિથી અંતિમવિધી કરવી જોઇએ, અન્યથા મૃતદેહને સ્વજનોને સોંપવો જોઇએ.

ડેરીવડાળાના નાગરાજસિંહ જાડેજા ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેમને ચારેક માસથી પેરાલીસીસ હતું. ગઇકાલે બપોરે મવડીની મેડીસર્જ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવતાં બંને કિડની ડેમેજ હોઇ ઓપરેશનની સલાહ અપાઇ હતી. જો કે એ પહેલા કોરોના ટેસ્ટ કરાવવાનું ત્યાંથી કહેવાતાં નાગરાજસિંહને સાંજે સિવિલ હોસ્પિટલમાં સાડા સાતેક વાગ્યે દાખલ કરાયા હતાં. અહિ સેમ્પલ લેવામાં આવ્યા હતાં અને સંભવતઃ સવારે રિપોર્ટ આવી જશે તેમ કહેવાયું હતું.

જો કે એ દરમિયાન રાત્રીના ત્રણ વાગ્યે નાગરાજસિંહનું મૃત્યુ થયું હતું. કોરોનાનો રિપોર્ટ આવ્યો ન હોઇ નિયમ મુજબ મૃતદેહ તેમના સ્વજનોને ન સોંપી રાજકોટમાં જ અંતિમવિધી કરાવવાની કાર્યવાહી હોસ્પિટલ તંત્રએ કરી હતી. આ કાર્યવાહી સામે મૃતકના પુત્ર વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્વજનોએ વાંધો ઉઠાવ્યો હતો અને આવા કેસમાં રિપોર્ટ તાકીદે જાહેર કરવામાં આવે અને જો કોરોના ટેસ્ટ નેગેટિવ હોય તો મૃતદેહ તેમના સ્વજનોને સોંપવો જોઇએ. રિપોર્ટ પોઝિટીવ આવે તો ડાયરેકટ હોસ્પિટલમાંથી અંતિમવિધી થાય તે યોગ્ય ગણાય. તેમણે આગળ જણાવ્યું હતું કે અમારા કેસમાં બપોરના બાર સુધી રિપોર્ટ આવ્યો નહોતો. છતાં અમારા પિતાશ્રીના મૃતદેહની રાજકોટમાં જ અંતિમવિધી કરી નાંખવામાં આવી હતી. આને કારણે અમારા ઘણા સ્વજનો અંતિમદર્શન પણ કરી શકયા નહોતાં. હોસ્પિટલ તંત્રએ આવા કિસ્સામાં થોડો સમય રાહ જોવી જોઇએ જેથી મૃતકના સ્વજનો તેમના અંતિમદર્શન કરી શકે. શંકાસ્પદ કેસ હોય તો મૃતદેહ થોડા કલાકો સાચવી રાખવાની વ્યવસ્થા પણ તંત્રએ કરવી જોઇએ તેવી પણ માંગણી કરવામાં આવી છે.

અગાઉ આવા કિસ્સામાં સાતથી આઠ મૃતકોની અંતિમવિધી ડાયરેકટર હોસ્પિટલમાંથી થઇ છે

. સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. એમ. સી. ચાવડાએ જણાવ્યું હતું કે કોરોના ટેસ્ટ માટે જો કોઇ દર્દી દાખલ થાય અને તેમનું રિપોર્ટ આવ્યા પહેલા જ અવસાન થાય તો તેમની અંતિમવિધી ડાયરેકટ હોસ્પિટલ ખાતેથી જ કરવાની હોય છે તેવો કલેકટર તંત્રનો આદેશ છે. આથી અમે નિયમ મુજબ જ આ કેસમાં પણ રાજકોટ ખાતે અંતિમવિધી કરાવી છે. અગાઉ પણ આવા સાત જેટલા કેસમાં આ રીતે રિપોર્ટ આવવાનો બાકી હોય અને મૃત્યુ થયું હોય તેમની અંતિમવિધી અહિથી જ કરવામાં આવી છે.

(3:05 pm IST)