Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

દેરાણી - જેઠાણીને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીએ તતડાવ્યા : શરમ કરો... હોદ્દાની ગરીમા જાળવો

નાની નાની વાતમાં સતત ઝઘડતા કુલપતિ - કુલનાયકને કારણે વહિવટી અને વિદ્યાર્થીલક્ષી :કામગીરી ઉપર સીધી અસર પડી : દોઢ વર્ષમાં ૬ અધિકારીઓએ રાજીનામા ફગાવ્યા

રાજકોટ તા. ૨૧ : છેલ્લા દોઢ વર્ષથી નાની - નાની વાતમાં ઝઘડાનું મોટુ સ્વરૂપ આપતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નિતીન પેથાણી અને કુલનાયક વિજય દેસાણી વચ્ચે અહમના ટકરાવને કારણે વધુ એક અધિકારીએ રાજીનામુ ફગાવ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નિતીન પેથાણી અને કુલનાયક વિજય દેસાણી વચ્ચે ચાલતા ગજગ્રાહ ગોંડલથી ગાંધીનગર સુધી સૌ કોઇ પરિચિત છે. પેથાણી અને દેસાણી વચ્ચે ચાલતા વિવાદમાં અગાઉ આલોક ચક્રવાલ, ધિરેન પંડયા સહિત છથી વધુ અધિકારીએ મને કમને રાજીનામા ફગાવ્યા છે ત્યારે ગઇકાલે પીજી ભવનના અધ્યક્ષ આટકોટીયાએ રાજીનામુ ફગાવતા ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. નિતીન પેથાણી અને વિજય દેસાણી વચ્ચે ચાલતા વિવાદથી સ્થાનિક ભાજપ અગ્રણીઓ પણ નારાજ છે ત્યારે આજે સવારે ગાંધીનગરથી એક ઉચ્ચ અધિકારીએ તતડાવ્યા હોવાનું બહાર આવ્યું છે.

ચર્ચાતી વિગતો મુજબ ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીએ પેથાણી અને દેસાણીને બરોબરના તબતબાવ્યા હતા અને શરમ કરી હવે તમારો બહુમૂલ્ય હોદ્દાનું ગૌરવ જળવાય રહે તેવી રીતે કામ કરવા શીખ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પેથાણી અને દેસાણી વચ્ચે અનેકવાર શહેર ભાજપ તેમજ ભાજપના સિન્ડીકેટ સભ્યોએ ખૂબ દરમિયાનગીરી કરી છે પરંતુ બંને વચ્ચે અહમનો ટકરાવ શાંત થતો જ ન હોય વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ અને શિક્ષણ ઉપર તેમજ વહિવટી કાર્ય ઉપર સીધી અસર પડે છે.

(3:01 pm IST)