Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

વાવડીના તુલશી આંગન એપાર્ટમેન્ટમાં મહિલાની છેડતીના પ્રશ્ને પતિની હત્યાના ગુનામાં પાડોશીની જામીન અરજી રદ

આરોપીએ માતાની સંભાળ રાખવા માનવતાના ધોરણે વચગાળાના જામીન માંગેલ હતાં

રાજકોટ તા. ર૧: રાજકોટની ભાગોળે આવેલ વાવડી ગામે આવેલ તુલશી આંગન એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતાં પંકજભાઇ પુરોહિતની છરીના ઘા મારીને હત્યા કરવા અંગે પકડાયેલ બાજુના ફલેટમાંજ રહેતા પાડોશી આરોપી દિપક નરશીભાઇ ભાલસોડે ૬૦ દિવસ માટે માનવતાના કારણોસર વચગાળાનાં જામીન પર છુટવા કરેલ અરજીને સેસન્સ જજ શ્રી યુ. ટી. દેસાઇએ નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, બનાવના દિવસે તા. ૧૧/૬/૧૭નાં રોજ મરનાર પંકજભાઇના પત્નિ ફોરમબેન (ઉ.વ. ૩૦) ઘરે એકલાં હોય આરોપીએ ઘરે આવીને તેણીની છેડતી કરી હતી.

ત્યારબાદ ફરીયાદી ફોરમબેનના પતિ ઘરે આવતાં તેણીએ પતિને વાત કરતાં પતિ પંકજભાઇ એપાર્ટમેન્ટના પાર્કીંગમાં આરોપીને સમજાવેલ અને ત્યારબાદ ફરી તેના ફલેટમાં જઇને સમજાવવાં જતાં આરોપીએ થોડીવાર તો ફલેટ ખોલેલ નહિં અને બાદમાં છરી લઇને દરવાજો ખોલી ફોરમબેનના પતિ ઉપર તુટી પડી છરીનાં ઘા મારીને હત્યા કરી હતી.

આ બનાવ અંગે ફોરમબેને નોંધાવેલ ફરીયાદ ઉપરથી પોલીસે ખુનનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો.

આ ગુનામાં આરોપીએ પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઇને તેની ૮૧ વર્ષની વૃધ્ધ માતા ઘરે એકલાં હોય તેની સારસંભાળ રાખવા ૬૦ દિવસના વચગાળાના જામીન મળવા અરજી કરતાં સરકારી વકીલ પરાગ એન. શાહે રજુઆત કરેલ કે, આરોપીને પાંચ બહેનો અને એક ભાઇ છે. જેઓ માતાની સારસંભાળ રાખી શકે તેમ છે. બધા ભાઇ-બહેન રાજકોટમાં જ રહે છે. તેથી જામીન આપવા જરૂરી નથી.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને સેસન્સ જજ શ્રી યુ. ટી. દેસાઇએ આરોપીની માનવતાના જામીન મળવાની અરજી રદ કરી હતી. આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી પરાગ એન. શાહ રોકાયા હતાં.

(2:59 pm IST)