Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

કુદરતની દુનિયામાં બનાવટ કરવો હોય તો સેવાકાર્યો થકી વળતર ચૂકવતા શીખી લ્યો

હ્ય્દયમાં જ્યારે કરૂણા જન્મે ત્યારે સેવાનો ભાવ જન્મે છે : તમે બીજાની સેવા કરો પણ બીજાને તમારી સેવાની તક આપતા નથી, આ કોઇ ગર્વ કે ઉદારતાની વાત નથી પણ ખુદને સક્ષમ સમજવાનો વધારે આત્મવિશ્વાસ છે, મદદ કે સેવા લેનાર તેની જાતને કમજોર કે જરૂરીયાતમંદ દેખાડવાનુ પસંદ કરતા નથી : આપણા કર્મનું પણ એક ચક્ર બને છે, આપણે બીજાને કરેલી મદદ કે સેવાથી પ્રેરાય તે વ્યકિત અન્ય કોઇની પણ મદદ કરશે : સેવાની શરૂઆત પરિવારથી શરૂ કરી સમગ્ર સમાજ સુધી વિસ્તારવાની છે

'દેને કો ટૂકડા ભલા લેને કો હરિ નામ'.. સંત શિરોમણી પરમ પૂજય જલારામ બાપાના આ આશીર્વાદ આજે પણ અમર છે અને કાયમ રહેશે. ભૂખ્યાને ભોજનની તેઓની સેવાને આજે આખું જગત વંદન કરે છે ત્યારે કોરોના કાળની આ કપરી પરિસ્થિતિમાં લોકોમાં સેવાની જે સરવાણી ફૂટી છે તે આપણા ઉપર કે બીજા ઉપર આવેલી કપરી પરિસ્થિતિઓમાં સદાય વહેતી રહે છે. 'સેવા પરમો ધર્મ' ને સાર્થક કરી પુણ્યનું ભાથુ બાંધતા આવા સેવા કર્મિ.ઓને કારણે જ આજે ભૂખ્યા માનવી હોય કે પશુ-પંખી દરેકની આંતરડી ઠરે છે.

હું બીજાની મદદ શું કામ કરૃં? મને શું મળશે? મારી મદદ કોણ કરશે? મે બધાની સેવા કરવાનો ઠેકો લીધો છે શું? જયારે બીજાની મદદ કરવાનો સવાલ આવે ત્યારે આવી કેટલીએ વાતો બોલવા અને સાંભળવામાં આવતી હોય છે. આપણે ભૂલી જઇએ છીએ કે સેવા એ બીજું કશું જ નહીં, આ ધરતીને આપણા અને બીજાને રહેવા માટેની દિશા તરફ માંડેલ એક ડગ માત્ર છે. આજે કોરોના કાળના લોકડાઉનમાં ઠેર ઠેર જઇ લોકોને મદદ રૂપી સેવા પહોંચાડતા અને આવી કાળઝાળ ગરમીમાં પશુ-પંખીઓને ખોરાક અને પાણીની સગવડ પુરી પાડતા આ વોલન્ટિયર્સ એક ભરોસો ઉભો કરે છે, લોકોમાં સહયોગની ભાવના પેદા કરે છે અને નવા સંબંધો બાંધી રહ્યા છે.

પ્રશ્ન એ થાય કે શું દ્યરમાં રહી દાન આપવું, વડિલોનું ધ્યાન રાખવું કે દ્યરમાં રહી લોકોને બનતી મદદ કરવી એ સેવા નથી શું? શત પ્રતિશત એ સેવા જ છે. તો બીજો પ્રશ્ન એ થાય કે સેવા એટલે શું? સેવા એટલે પારકાની પીડાનો અનુભવ કરવો, પારકાની પીડાને સમજવી. હૃદયમાં જયારે કરુણા જન્મે છે ત્યારે સેવાનો ભાવ જન્મે છે. અન્યનું દુઃખ જોઈને હૃદયમાં તેના પ્રત્યે સહાનુભૂતિ જન્મે, એના માટે કંઈક કરી છૂટવાની ભાવના જન્મ લે ત્યાંથી જ સેવા ભાવનાનો જન્મ થાય છે. એક માનવીએ બીજા માનવી સાથે કેવો વ્યવહાર કરવો, સમાજમાં સમાન ભાવે કઈ રીતે રહી શકાય તે આપણા ઋષિમુનીઓએ, સંતો, મહાત્મા અને ભકતોએ ચરિતાર્થ કરીને આપણને સૌને બતાવ્યું છે કે સેવા એ ઉત્ત્।મ ધર્મ છે. સેવાથી ભગવાનને પામી શકાય છે અને સેવાથી સમગ્ર માનવજાતને સુખી કરી શકાય છે. દ્યણી વાર આપણે સ્વજનોની સેવા કરીએ છીએ, પણ પારકાની સામે જોતા નથી. પારકામાં પણ પરમાત્માનો અંશ છે, એ પણ મારા જેવો મનુષ્ય જ છે એવો સમાન ભાવ જયાં સુધી ન જન્મે ત્યાં સુધી સેવાભાવ ઉદભવતો નથી.

મહાન અમેરિકી મુક્કેબાજ મોહમ્મદ અલીને કોઇએ પુછ્યું કે આપણે બીજાની મદદ શા માટે કરવી જોઇએ? તેનો જવાબ હતો કે, બીજાની મદદ કરવી તે ધરતી પર રહેવા માટેના તમારા રૂમનું ભાડું છે જે તમારે આપવું જ જોઇએ. જવાબ લાજવાબ હતો. આપણે મકાનમાં રહેવું હોય તો ભાડું કે ટેકસ આપવા જ પડે છે. જોકે આ કુદરત આપણે બનાવેલી દુનિયાની જેમ હવા, પાણી અને માટીનો હિસાબ નથી રાખતી પણ આપણે કરેલી સેવાની નોંધ ભલે પરોક્ષ રીતે પણ અચૂક રાખે છે. માટે તેને સેવા રૂપે વળતર આપવું જ જોઇએ.

ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો આ સંત-સૂરાની ધરતી પર જયારે પણ કોઇપણ આફત આવી છે ત્યારે સેવાનો સેતૂ આપ મેળે બંધાય જાય છે. ભયાનક વાવાઝોડા હોય, સુનામી હોય, ભૂકંપ હોય કે હાલ આવી પડેલી વિપતી કોરોના હોય 'પરસેવા' પાડીને પણ બીજા માટે તન-મન-ધનથી 'પર...સેવા' કરનાર સેવાભાવીઓની ખોટ નથી. જયારે લોકડાઉનની જાહેરાત થઇ તેના બીજા જ દિવસથી રાહત રસોડા ધમધમતા થયા, રાશન કિટનું વિતરણ થવા લાગ્યું, બ્લડ ડોનેશન થવા લાગ્યા, જરૂરિયાતવાળા લોકોને દવા પહોંચવા લાગી, સરકારની હાકલ થી દાનની જાણે સરવાણી ફૂટી, જીવન જરૂરિયાતની વસ્તુઓ, ફૂડ પેકેટ્સ, ફળ-શાકભાજી લોકોને પહોંચતા થયા. માનવીની સાથે અબોલ જીવો ગાય-શ્વાન-બીલાડી-પક્ષીઓ-માછલીઓ જેવા પ્રાણી-પંખીઓની ભૂખ તરસ ભાંગવા માટે વિવિધ સંસ્થાઓએ જીવ રેડી દીધો અને હજી પણ અવિરત આ સીલસીલો ચાલુ જ છે. જોકે તેની સામે કેટલાય લોકો ખાસ કરીને પરપ્રાંતિઓ એવા છે જે હજુ મદદ માટે રાહ જુવે છે. જોકે તેની પણ વ્યવસ્થા યોગ્ય સમયે સરકાર દ્વારા થઇ જ રહી છે.

ઘણીવાર દ્યણા લોકોને મદદની જરૂર હોય છે પણ સેવા કરનાર સેવકને તેનો ખ્યાલ હોતો નથી. જયારે પણ યોગ્ય મદદની જરૂર હોય ત્યારે મદદ માંગવી જ જોઇએ. દ્યણીવાર દ્યણા લોકોને ખ્યાલ નથી હોતો કે સેવા માટે મદદ કઇ રીતે લઇ શકાય? અથવા તો તેઓ સેવા લેતા અચકાતા હોય છે અથવા કહેવાનું ટાળે છે. તમે બીજાની સેવા કરો પણ બીજાને તમારી સેવા કરવાની તક આપતા નથી. આ કોઇ ગર્વ કે ઉદારતાની વાત નથી પણ ખુદને સક્ષમ સમજવાનો વધારે આત્મવિશ્વાસ છે. મદદ કે સેવા લેનાર તેની જાતને કમજોર કે જરૂરિયાતમંદ દેખાડવાનું પસંદ કરતા નથી અને કોરોના જેવી પરિસ્થિતિમાં પણ અન્યની મદદ નથી લેતા. આવા લોકોને એ ખ્યાલ નથી કે જો તે સેવા માંગશે તો સેવા આપનાર અનહદ ખુશ થશે. સહાયની જરૂરિયાત હોય તેવા લોકોનો ચહેરો સ્કેન કરી તેને સેવાની જરૂર છે કે કેમ તે તપાસ કરવાની ક્ષમતા મદદગારને કે સેવક પાસે નથી હોતી. જો યોગ્ય સેવાની જરૂરિયાત હોય અને માંગવામાં આવે તો આવા મદદગાર અને સેવકો હસતે મોઢે તેની સેવા કરે જ છે. હું તો કહું છુ કે જરૂરિયાતવાળા લોકોએ વિના સંકોચે યોગ્ય રીતે અને યોગ્ય સમયે સેવા માંગવી જ જોઇએ.

એક ચર્ચિત વાત છે. એક ખેડૂતે જોયું કે એક બાળક કિચડના ઉંડા ખાડામાં ફસાઇ ગયું છે. ખેડૂતે તેને બચાવી લીધો. બીજા દિવસે તે બાળકના પિતાએ ખેડૂતનો આભાર માની અહેસાનના બદલામાં કંઇક આપવા જણાવ્યું. ખેડૂતે કહ્યું એ તો મારી ફરજ હતી. મારે કશું જ જોઇતું નથી. તે પૈસાદાર પિતાએ ખેડૂતના બાળકને ત્યાં રમતા જોયો અને પુછ્યું આને ભણાવો છો કે નહીં? જવાબ 'ના' આવતા તે પૈસાદાર પિતાએ ખેડૂતના બાળકને ભણાવવાની તમામ જવાબદારી ઉપાડી લીધી. ખેડૂતનો એ પુત્ર આગળ જતા મહાન સાઇન્ટિસ્ટ એલેકઝાન્ડર ફ્લેમિંગ બન્યો જેણે પેન્સિલિન નામની દવાની શોધ કરી. સમય જતા તે પૈસાદાર પિતાના દિકરાને ન્યુમોનિયા થયો અને ખેડૂતના પુત્રએ શોધેલ પેન્સિલિનને લીધે તેનો જીવ બચ્યો. તે પૈસાદાર પિતાનો પુત્ર બીજું કોઇ નહીં પણ ઇંગ્લેન્ડના ચર્ચિત પ્રધાનમંત્રી વિંસ્ટન ચર્ચિલ હતા. કહેવાનો મતલબ એ છે કે આપણા કર્મનું પણ એક ચક્ર બને છે. આપણે બીજાને કરેલી મદદ કે સેવાથી પ્રેરાય તે વ્યકિત અન્ય કોઇની પણ મદદ કે સેવા કરશે.

- પ્રશાંત બક્ષી

૭૯૯૦૫૫૮૪૬૯

(2:55 pm IST)