Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

કોર્પોરેશનનું તંત્ર ભાજપના ઇશારે નાચે છે, નવા કેસ શોધવામાં ઉદાસીનતા!

રાજકોટમાં ૧૩૦થી વધુ ટેસ્ટીંગની ક્ષમતા નહિઃ કોંગી અગ્રણીઓના ધગધગતા આક્ષેપો

રાજકોટ, તા.૨૧:ડો. હેમાંગ વસાવડા, મનસુખભાઇ કાલરીયા, શ્રી અશોકસિંહ વાઘેલા અને મુકેશ ચાવડા વગેરે કોંગી અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે કોરોના મહામારીએ વૈશ્વિક આપદાનાં સમયે રા.મ.ન.પા.ના કમીશ્નર, મ.ન.પા.નુ આરોગ્ય તંત્ર, સતત ત્રણ લોક ડાઉનમાં ધીમી ગતીએ અને સરકારનાં ઇશારે કામ કરતુુ જોવા મળ્યુ છે. રાજકોટ એ, ગુજરાતના મુખ્યમંત્રીનુ હોમ ટાઉન હોય, જો માસ સેમ્પલીંગ કરવામાં આવે અને વ્યાપક જનહિતનાં આરોગ્યને, ધ્યાને લઇ, કેસો શોધવામાં આવે તો વધુમાં વધુ લોકો કોરન્ટાઇન કરવા પડે તોય સ્થિતિનું નિર્માણ થાય, જેની સીધી અસર રાજય સરકાર અને ભાજપ ઉપર પડે અને જે રીતે અમદાવાદનાં ઝાંબાજ મ્યુ.કમીશ્નર શ્રી વિજય નેહરા દ્વારા કોરોના મહામારી રોકવા માટે, મોટા પાયે માસ સેમ્પલીંગ અને આરોગ્ય ચકાસણી કરવા માટે સમગ્ર શહેરમાં ટીમો ઉતારવામાં આવી હતી, સરકારના પગ નીચે રેલો આવતાં, સરકારે તેમને રજા ઉપર ઉતારી, બદલી કરી દીધી છે. ત્યારે રાજકોટનાં કમીશ્નર અને મ.ન.પાનુ આરોગ્ય તંત્ર, ૨૦ લાખની વસ્તીને માત્ર ભગવાન ભરોસે છોડી દીધી છે.

આવડા મોટા શહેરમાં માત્ર ૧૩૦ જેટલા જ ટેસ્ટીંગ થઇ શકે તેટલી જ કેપીસીટી છે અને તે પણ માત્ર જેનામા લક્ષણો મળે, તેનાં જ આવા ટેસ્ટીંગ કરવા. નવા કેસો શોધવાની સદંતર ભાજપના ઇશારે મનાઇ ફરમાવવામાં આવી છે. લોકડાઉન ૧ થી ૩ની વચ્ચે અંદાજીત ૫,૦૦૦ લોકો શહેરમાં આવ્યા, તે તમામ લોકોની આરોગ્ય તપાસણી કરવામાં પણ મ.ન.પા.નું તંત્ર નાદાર પૂરવાર થયું છે, અને બહારગામથી આવેલા લોકોના આંકડા જાહેર કરવામાં કમીશ્નર ઓફીસ અને મેયર ઓફીસ વચ્ચે અનિચ્છનીય ઘટનાઓ પણ બની છે. ત્યારે આ મહામારીમાં સંક્રમીત વિસ્તાર અને રાજકોટનુ એક માત્ર હોટ-સ્પોટ જંગલેશ્વર વિસ્તારમાં પણ નૈતિકતાથી ફરજ પાલન કરવામાં પણ તંત્ર ઉણું ઉતર્યુ છે. આમ, લોકડાઉન ૧ થી ૩ સુધી માત્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે મ.ન.પાનાં તંત્રએ અને કમીશ્નરે કામ કર્યુ હોય તેવું સ્પષ્ટ થાય છે, તેમ કોંગી અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે.

(2:54 pm IST)