Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

લોકડાઉનનો લાભ ઉઠાવતાં ચોરટાઓઃ કોઠારીયા આણંદપરની શાળામાંથી કોમ્પ્યુટર, પ્રોજેકટરની ચોરી

બહારનો સીસીટીવી કેમેરો પણ ચોરી જવાયોઃ વૃક્ષોને પાણી પીવડાવવા આવેલા શિક્ષકે ભુલથી મેઇન સ્વીચ બંધ કરી દેતાં સીસીટીવી કેમેરામાં તસ્કરોની કારીગીરી રેકોર્ડ ન થઇ

રાજકોટ તા. ૨૧: લોકડાઉનનો લાભ ઉઠાવી તસ્કરોએ પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. કુવાડવા તાબેના કોઠારીયા આણંદપર ગામની પ્રાથમિક શાળામાં ત્રાટકી કોમ્પ્યુટર, મોનિટર, પ્રોજેકટર તેમજ બહારના ભાગનો એક સીસીટીવી કેમેરો મળી કુલ રૂ. ૩૪૫૦૦ની માલમત્તા ચોરી જવામાં આવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે કુવાડવા પોલીસે રાજકોટના રતનપરમાં અયોધ્યા રેસિડેન્સી બ્લોક નં. ૧૫માં રહેતાં અને કોઠારીયા (આણંદપર) ગામે આવેલી કોઠારીયા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં જયેશભાઇ વિનોદરાય નિમાવત (ઉ.વ.૫૩)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્યો છે.

જયેશભાઇ અગ્રાવતે ફરિયાદમાં જણાવ્યું છે કે હું આઠ વર્ષથી કોઠારીયા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નોકરી કરુ છું. આ શાળામાં દસ શિક્ષકોનો સ્ટાફ નોકરી કરે છે. બધા રાજકોટથી અપડાઉન કરે છે. અમારી શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત બે પ્રોજેકટર આપવામાં આવ્યા હતાં. જે કલાસમાં ફીટ કરેલા હતાં. તેમજ જીલ્લા પંચાયતની ગ્રાંટમાંથી કુલ ૯ કોમ્પ્યુટર પણ આ શાળાને ફાળવાયા છે.

ગત ૨૪/૩ના રોજ ભારત સરકારે લોકડાઉન જાહેર કરતાં અમારી શાળા ત્યારથી બંધ જ છે. શાળામાં કુલ ૧૬ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને અનાજ વિતરણના કુપન આપવા માટે શાળાનો સ્ટાફ લોકડાઉનમાં પણ ત્રણેક વખત શાળાએ આવ્યો હતો અને કામગીરી કરી હતી. જો કે ત્યારે નવી શાળાએ નહિ પણ જુની શાળા ગામમાં છે ત્યાંથી જ અનાજ વિતરણ કામગીરી કરી હતી.

અમારી શાળાના એક શિક્ષક અશોકભાઇ રંગાણીનું વતન કોઠારીયા જ હોઇ તેઓ સમયાંતરે શાળામાં વૃક્ષોને પાણી પીવડવાવા આવતાં જતાં રહેતાં હોઇ ચાવી તેમની પાસે હતી. ગઇકાલે સવારે સાડા દસેક વાગ્યે હું રાજકોટ કલેકટર ઓફિસે હતો ત્યારે શિક્ષક અશોકભાઇએ ફોન કરી જણાવેલ કે શાળાની બહારના ભાગનો સીસીટીવી કેમેરા તૂટેલો છે. જેથી તેને મેં શાળા ખોલી અંદર યોગ્ય તપાસ કરવા કહ્યું હતું. એ પછી તેણે ફોન કરી જણાવ્યું હતું કે શાળામાં નવા બિલ્ડીંગના મુખ્ય દરવાજાનું તાળુ અને કોમ્પ્યુટર રૂમનું તાળુ તુટેલુ છે. ધોરણ-૭ના રૂમમાંથી એક મોનીટર તથા પ્રોજેકટર અને એક કેમરાની ચોરી થઇ છે. ત્યારબાદ ગામના આગેવાન નિતીનભાઇ ડોડીયા સહિતે તપાસ કરતાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતાં. પરંતુ કંઇ જોવા મળ્યું નથી. શિક્ષક અશોકભાઇ વૃક્ષોને પાણી પીવડાવવા આવ્યા ત્યારે તેણે ભુલથી મેઇન સ્વીચ બંધ કરી દીધી હોઇ કેમેરા પણ બંધ થઇ ગયા હોઇ જેથી અમુક દિવસના ફૂટેજ રેકોર્ડ થઇ શકયા નથી.

તસ્કરો કોમપ્યુટરનું મોનીટર, પ્રોજેકટર, એક સીસીટીવી કેમેરો મળી કુલ રૂ. ૩૪૫૦૦ની ચોરી કરી ગયા હોઇ ફરિયાદ નોંધાવી છે. કુવાડવાના હેડકોન્સ. હમીરભાઇ તથા અજીતભાઇ લોખીલે ગુનો નોંધ્યો છે. પીએસઆઇ બી. પી. મેઘલાતર વધુ તપાસ કરે છે.

(1:05 pm IST)