Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

રૈયાધારના રમેશભાઇ ચાવડાને કેન્સર હોસ્પિટલમાં ઇન્જેકશન અપાયા બાદ મોતઃ બેદરકારીનો આક્ષેપ

મૃતકના ભાઇ સુરેશભાઇ અને પુત્રની પોલીસ કમિશનરને રજૂઆતઃ બાયોપ્સી લેવા ઇન્જેકશન આપી લિવર કે ફેફસામાં પંચર પાડી નાંખનાર સામે ગુનો નોંધવા માંગણી

રાજકોટ તા. ૨૧: રૈયાધાર સ્લમ કવાર્ટર જાહીર હુશેન પ્રાથમિક શાળા પાસે રહેતાં રમેશભાઇ કરસનભાઇ ચાવડા (વણકર) (ઉ.વ.૪૫)ને પેટમાં દુઃખાવો હોઇ સિવિલમાંથી હનુમાન મઢી પાસે તિરૂપતીનગરમાં નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં બતાવવા લઇ જવાતાં ત્યાં બાયોપ્સી લેવા માટે ઇન્જેકશન અપાયા બાદ તબિયત બગડતાં તેમનું મોત નિપજ્યું હતું. બાયોપ્સી લેતી વેળાએ ઇન્જેકશન ઉંડુ ઉતરી જતાં ફેફસા કે લિવરમાં પંચર પડી જતાં આ બેદરકારીથી તેમનું મોત નિપજ્યાનો ચોંકાવનારો આક્ષેપ તેમના ભાઇ સુરેશભાઇ કે. ચાવડાએ તથા પુત્ર વિજય ચાવાડએ કરી પોલીસ કમિશનરશ્રીને લેખિત ફરિયાદ કરી બેદરકારી દાખવનાર સામે હત્યાનો ગુનો નોંધવા માંગણી કરી છે.

 અરજીમાં જણાવ્યું છે કે મારા મોટા ભાઇ રમેશભાઇ ચાવડા મારી બાજુમાં જ બે પુત્ર અને એક પુત્રી સાથે રહે છે. પત્નિ સાથે છુટાછેડા થઇ ગયા હોઇ તે ઘરનો આધાર હતાં. તેમનો એક દિકરો નોકરીએ જાય છે. બીજા બે સંતાન સગીર વયના છે. રમેશભાઇ કડીયા કામની મજૂરી કરતાં હતાં. તેમને પેટમાં દુઃખાવો ઉપડતાં ૪-૪ના રોજ અમે સિવિલમાં લઇ ગયા હતાં. જ્યાં કોરોનાને કારણે યોગ્ય સારવાર થઇ નહોતી અને અમને પેટમાં કેન્સરની ગાંઠ છે કે કેમ તે જાણવા નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટીટ્યુટ હોસ્પિટલમાં લઇ જવા કહેવાતાં અમે ત્યાં રિફર કર્યા હતાં. ત્યારે ચાર પાંચ હજાર રૂપિયા ફી લઇ ઇન્જેકશન આપી રજા અપાઇ હતી. ફરી બતાવતાં બાયોપ્સી કરી હતી. તેનો રિપોર્ટ નોર્મલ હતો.

ત્યારબાદ બીજી વખત બાયોપ્સી કરવાનું કહેવાતાં અમે ૧૬/૪ના રોજ કેન્સર હોસ્પિટલમાં ફરીથી રમેશભાઇને લઇ ગયા હતાં. જ્યાં કોઇ નર્સ દ્વારા બાયોપ્સી માટે ઇન્જેકશન અપાયું હતું. પરંતુ તેનાથી ભુલથી ઇન્જેકશન ફેફસા કે લિવરમાં જતું રહેતાં પંચર પડીગયું હતું. તેમને કદાચ ભુલ સમજાઇ ગઇ હશે એથી અમને કોઇપણ જાતની ફી લીધા વગર જ રજા આપી દેવાઇ હતી.

જે તે વખતે રમેશભાઇ ઘેનને કારણે સુઇ ગયા હતાં. પણ ભાનમાં આવ્યા ત્યારે સરખી રીતે વાત કરી શકતાં નહોતાં. શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. જ્યાં છાતીના ભાગે ઇન્જેકશન આપી બાયોપ્સી લેવાઇ હતી ત્યાંથી હવા નીકળતી હોય તેવું અમને લાગતાં અમે કેન્સર હોસ્પિટલમાં ફોન કર્યો હતો. ત્યાં યોગ્ય જવાબ ન મળતાં અમે સિવિલમાં લઇ ગયા હતાં. ત્યાં બાટલા ચડાવાયા હતાં અને સારવાર ચાલુ કરાવાઇ હતી. ભાજપના આગેવાન જયંત ઠાકરને પણ અમે મદદ માટે ફોન કરતાં તેમણે પોતે સવારે આવી ભલામણ કરશે તેવી વાત કરી હતી.

એ દરમિયાન રાતે જ રમેશભાઇનું મોત નિપજ્યું હતું. અમને પુરી શંકા છે કે કેન્સર હોસ્પિટલમાં ઇન્જેકશન અપાયું તેમાં બેદરકારીને કારણે જ મૃત્યુ થયું છે. આવી બેદરકારી દાખવનાર સામે ગુનો નોંધવા અમારી માંગણી છે. તેમ વધુમાં સુરેશભાઇ અને વિજયભાઇએ અરજીમાં જણાવ્યું છે.

(1:04 pm IST)