Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

પોપટપરા ક્રિષ્ના પાર્કના કડીયા ભાઇઓ રવિ અને જયેશભાઇ પર પાઇપના ઘાઃ લોહીલુહાણ

સામે રહેતાં સુરેશ, શબ્બીર અને નુરીને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો

રાજકોટ તા. ૨૧: પોપટપરા રેલનગર મેઇન રોડ ક્રિષ્ના પાર્કમાં રહેતાં બે કડીયા ભાઇઓને ઘર સામે જ રહેતાં ત્રણ શખ્સોએ ગાળો ભાંડતા ના પાડતાં બંનેને લોખંડના પાઇપથી ફટકારી લોહીલુહાણ કરી નાંખવામાં આવતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ બારામાં પ્ર.નગર પોલીસે રેલનગર મેઇન રોડ પર ક્રિષ્ના પાર્ક સામે રહેતાં અને કડીયા કામની મજૂરી કરી ગુજરાન ચલાવતાં રવિ કેશુભાઇ ઉચાણા (કોળી) (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી ક્રિષ્ના પાર્ક સામે રહેતાં શબ્બીર, નુરીભાઇ અને સુરેશભાઇ સામે ગુનો નોંધ્યો છે.

રવિ કોળીએ ફરિયાદમાં જણાવ્યું છે કે રાત્રીના દસેક વાગ્યે હું તથા મારો ભાઇ જયેશભાઇ અમારા ઘરની ડેલીએ બેઠા હતાં ત્યારે સામે રહેતાં સુરેશ, શબ્બીર અને નુરીભાઇ જેમફાવે તેમ અમને ગાળો દેતાં હોઇ અમે ગાળો દેવાની ના પાડતાં શબ્બીરે પાઇપથી મારા માથામાં ઘા ઝીંકી દીધો હતો. મારો ભાઇ વચ્ચે પડતાં તેને પણ માર મારતાં અમને બંનેને લોહી નીકળવા માંડતાં ૧૦૮ બોલાવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. અગાઉ અમારી વચ્ચે મારામારીનો બનાવ બન્યો હોઇ તેનો ખાર રાખી ગત રાતે ત્રણેયએ ગાળો ભાંડતા તેને ના પાડતાં હુમલો કર્યો હતો. હેડકોન્સ. વાલજીભાઇ નિનામાએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:04 pm IST)