Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

કોંગ્રેસની ખેડુત પાંખના અગ્રણી પાલ આંબલીયાને પોલીસે બેફામ માર માર્યોઃ મામલતદાર સમક્ષ રજુઆત

કપાસ, એરંડા અને ડુંગળીના અડધાથી ર૦ ગણા ભાવ ઘટાડાનો વિરોધ ગઇકાલે કલેકટર ઓફીસે નોંધાવતા ૫ ની અટકાયત બાદ જામીન પર છુટકારો થયેલો : સાંજે ફીંગર પ્રિન્ટ માટે પોલીસ કમિશ્નર કચેરીએ બોલાવી ફટકાર્યાનો આક્ષેપઃ રાતભર પોલીસે ગોંધી રાખ્યાઃ રાત્રે કોંગ્રેસ અગ્રણીઓ દોડયા પણ પોલીસે કોઠુ ન આપ્યું: સવારે મામલતદાર સમક્ષ રજુ કરાતા કોંગ્રેસી આગેવાનો ઉમટયાઃ ડીસીપી જાડેજાએ કહયું તપાસ થશેઃ ખાનગી હોસ્પીટલમાં સારવારની કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરની રજુઆતઃ ભાજપના ઇશારે પોલીસ લોકશાહીનું ગળુ દબાવી રહી છેઃ ડાંગર

કોંગ્રેસની ખેડુત પાંખના પ્રદેશ અગ્રણી પાલ આંબલીયાને રાજકોટ પોલીસે ગેરકાયદે ગોંધી રાખી ભાજપના ઇશારે બેફામ માર માર્યાની ફરીયાદ ખુદ આંબલીયાએ મામલતદાર સમક્ષ કરી છે. આજે સવારે પોલીસે ૧પ૧ હેઠળ અટકાયત કરાયેલા પાલ આંબલીયા સહીત પાંચને મામલતદાર (પશ્ચિમ) શ્રી ભગોરા સમક્ષ રજુ કર્યા ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, પુર્વ પ્રમુખ મહેશ રાજપુત અને કોંગ્રેસ લીગલ સેલના અગ્રણી અશોકસિંહ વાઘેલા અને ઇજાગ્રસ્ત પાલ આંબલીયા સ્ટ્રેચરમાં નજરે પડે છે. પુંઠના ભાગે પોલીસે લાકડીથી બેફામ માર મારતા પાલ આંબલીયાને ઇજા થયાનું પ્રેસ સમક્ષ અશોકભાઇ ડાંગરે જણાવ્યું હતું. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ર૧: ગઇકાલે કપાસ, એરંડા અને ડુંગળીના તળીયે ગયેલા ભાવોથી ખેડુતને પારાવાર નુકશાન થઇ રહયાનો અને ખેડુતોને પોષણક્ષમ ભાવો આપવા કલેકટર કચેરીએ કપાસ, એરંડા અને ડુંગળીની ગુણીઓ ભરી પાંચ ટેકેદારો સાથે રજુઆત કરવા ગયેલા કોંગ્રેસની ખેડુત પાંખના પ્રદેશ અગ્રણી પાલાભાઇ રામાભાઇ આંબલીયાને ગઇકાલે સાંજે પોલીસે ફીંગર પ્રિન્ટના બ્હાને બોલાવી બેફામ માર માર્યાની ફરીયાદ આજે સવારે મામલતદાર સમક્ષ કરવામાં આવી છે.

ગઇકાલે પાલા રામા આંબલીયા (રહે. હંજડાપર, તા. ખંભાળીયા), દેવુભાઇ સામરાભાઇ ગઢવી (રહે. જામખંભાળીયા), પ્રવિણ નારાયણભાઇ પટોળીયા (રહે. સરધાર, તા.રાજકોટ) અને ગીરધર આલાભાઇ વાઘેલા (રહે. ભાણવડ), ચેતન બટુકભાઇ ગઢીયા (ઉ.વ.૩૪, રહે. પીઠડીયા, તા. જેતપુર) ની પ્ર.નગર પોલીસે આઇપીસી ર૬૯, ૧૮૮, જીપી એકટ ૧૩પ મુજબ ધરપકડ કરી હતી. કોવીડ-૧૯ અંતર્ગત ભારત સરકાર દ્વારા લોકડાઉન ફરમાવાયું છે ત્યારે ૪ થી વધુ વ્યકિતઓને ભેગા થવા ઉપર પ્રતિબંધ છે. આ સંજોગોમાં પાલ આંબલીયાએ ૪ થી વધુ લોકો એકઠા કરી જાહેરનામાનો ભંગ કર્યા બદલ પોલીસે ધરપકડ કરી હતી પાછળથી તમામને જામીન પર છોડવામાં આવ્યા હતા.

ત્યાર બાદ સાંજે ફીંગર પ્રિન્ટ લેવાના બહાને તમામને કમિશ્નર ઓફીસે બોલાવાયા હતા. આ દરમિયાન પાલ આંબલીયાને પીઆઇ ગઢવી અને સ્ટાફે બેફામ માર માર્યો હતો. આ બાબતે સ્થાનીક અગ્રણીઓ અશોકભાઇ ડાંગર, મહેશ રાજપુતને જાણ થતા રાત્રે જ પોલીસ કમિશ્નર કચેરી ખાતે તેઓ દોડી ગયા હતા પણ પોલીસે કોઠુ આપ્યું ન હતું. દરમિયાન આજે સવારે મામલતદાર (પશ્ચિમ વિભાગ) સમક્ષ ૧૦.૦૦ વાગ્યે પાલ આંબલીયા સહીતના લોકોને પોલીસ દ્વારા રજુ કરાતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉમટી પડયા હતા.     મામલતદાર શ્રી ભગોરા સમક્ષ પાલ આંબલીયાએ પોતાને ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ગઢગી અને એસીપી સરવૈયાએ ગેરકાયદે ગોંધી માર માર્યાની ફરીયાદ કરતા મામલતદારશ્રીએ સરકારી હોસ્પીટલમાં સારવાર માટે આદેશ કર્યો હતો. સિવિલ હોસ્પીટલ ખાતે પોલીસ સમક્ષ પણ આંબલીયાએ પોતાની ફરીયાદ આપી હતી. દરમિયાન કોરોનાની બિમારી મ્હોં ફાડી પ્રસરી રહી હોવાથી સરકારી હોસ્પીટલમાં નહિ પરંતુ આંબલીયાને ખાનગી હોસ્પીટલમાં સારવાર આપવા હુકમ કરવા મામલતદાર સમક્ષ રજુઆતો થઇ રહયાનું શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરે જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યુ઼ હતું કે, પોલીસ ભાજપના ઇશારે કામ કરી રહી છે. લોકશાહીમાં વિપક્ષનો અવાજ બળપુર્વક ડામવાનો પ્રયાસ થાય તે યોગ્ય નથી. પોલીસ અધિકારીઓ સામે તપાસ થવી જોઇએ.

(3:22 pm IST)