Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

પગારમાં અનિયમિતતા - મેડીકલ બીલમાં ઘટાડો - કામના કલાકો વધારાયાના વિરોધમાં BSNL કર્મચારીઓના દેખાવો

રાજકોટ સહિત રાજ્યભરમાં બપોરે ૨ વાગ્યે સૂત્રોચ્ચાર : સમાધાન નહિ થાય તો હવે ઉગ્ર આંદોલન

રાજકોટ તા. ૨૧ : બીએસએનએલ કર્મચારીઓના કામના કલાક આઠ કલાકથી વધારીને બાર કલાક કરવાની પ્રક્રિયા હાથ ધરાતા કર્મચારીઓમાં ભારે વિરોધ ઉઠયો છે. આ મુદ્દે દેશભરમાં બીએસએનએલ કર્મીઓ લંચ સમયે આજે સૂત્રોચ્ચાર ધરણા યોજ્યા હતા. આ ઉપરાંત વિરોધના અન્ય મુદ્દાઓમાં પગારની અનિયમિતતા , મેડીકલ બીલની સીલીંગમાં ઘટાડો કેઝયુઅલ કોન્ટ્રાકટ લેબરોને એક એક માસથી પગાર નથી ચૂકવાયો, વગેરે મુદાઓનો કર્મચારીઓએ સમાવેશ કર્યો છે.

ગત એપ્રિલ માસનો પગાર ન ચૂકવતા કોરોના કપરાકાળમાં કર્મચારીઓની હાલત કફોડી બની ગઈ હતી. આથી તા.૨૧મીએ ધરણા સુત્રોચ્ચારનો કાર્યક્રમ રાખ્યો હતો.

આમ છતા અન્ય મુદાઓનુ સમાધાન ન થતાં ધરણા સુત્રોચ્ચારનો કાર્યક્રમ યથાવત ચાલુ રાખ્યો તથા BSNL એમ્પ્લોઈઝ યુનિયનના સેક્રેટરી નીલેશ ગઢવીના જણાવ્યા મુજબ કર્મચારીઓ અને પેન્શનરોને દર માસે એક હજાર રૂપીયા અથવા બેઝિક પગાર વતા ડી.એ ગણીને ૨૫ દિવસનો જે પગાર થાય એ નાણા મુજબ મેડીકલ બીલ વર્ષમાં આપવાનો નિયમ છે.  એમાં સરકારે ઘટાડો કરી બેઝિક પગાર વતા ૨૫ દિવસની ગણતરી કરવાને બદલે ૧૫ દિવસની ગણતરી કરી નાખતા અન્યાય છે. આ બાબતે બીએસએનએલ પેન્શનરોના આગેવાન મનુભાઈ ચનિયારાએ પણ વિરોધ કર્યો છે.

 

(11:21 am IST)