Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

લોકડાઉન ખુલ્યું-કામ ન મળ્યું: આટકોટના યુવાને જીવ દીધો

૧૯ વર્ષનો દિપેન વાઘેલા કેટલાક દિવસથી સતત પિતા સમક્ષ ચિંતા દર્શાવતો હતો કે-તમારે કામ બંધ છે, હું પણ બેકાર છું...ઘર કેમ ચાલશે?...ગઇકાલે ઝેર પી લીધું: દરજી કામ કરી પિતાને મદદરૂપ થતો હતોઃ બે બહેનનો એક જ ભાઇ હતોઃરાજકોટમાં દમ તોડ્યોઃ દરજી પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૧: કોરોનાની મહામારીને કારણે અમલી બનાવવામાં આવેલુ લોકડાઉન ગુજરાતમાં તો ખુલી ગયું છે અને ધીમે-ધીમે બધુ પુર્વવત થઇ રહ્યું છે. પરંતુ લોકડાઉન ખુલ્યા પછી પણ કામધંધા જામી રહ્યા ન હોઇ નાના વેપારીઓ, ધંધાર્થીઓ અને કારીગર વર્ગ ચિંતામાં છે. લોકડાઉન ખુલ્યુ એ દિવસે જ રાજકોટમાં પટેલ કારખાનેદારે ધંધો નહિ જામે તો કારખાના-મકાનની લોન કેમ ભરશું? તેની ચિંતામાં ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધું હતું. ત્યાં વધુ એક ઘટનામાં આટકોટના ૧૯ વર્ષના દરજી યુવાને આવા જ કારણોસર જીવ દઇ દેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. લોકડાઉન ખુલ્યું છતાં કામ ન મળ્યું હોઇ ઘર કેમ ચાલશે? તેની ચિંતામાં તેણે ઝેર પી આપઘાત કરી લીધો છે.

જાણવા મળ્યા મુજબ આટકોટમાં પુષ્કરધામ સોસાયટીમાં રહેતાં દિપેન અનિલભાઇ વાઘેલા (ઉ.વ.૧૯) નામના યુવાને ગઇકાલે ઘરે ઝેરી ટીકડીઓ પી લેતાં પિતા તેના રૂમમાં જતાં ગંધ આવતી હોઇ તપાસ કરતાં તેણે ઘઉંની ટીકડીઓ પી લીધાનું જણાતાં તુરત જ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

આપઘાત કરનાર દિપેન બે બહેનોનો એકનો એક નાનો ભાઇ હતો. બંને બહેનો સાસરે છે. તેના માતા વર્ષાબેનનું ૨૦૧૩માં અવસાન થયું હતું. તે પિતા અનિલભાઇ શામજીભાઇ વાઘેલા સાથે રહેતો હતો અને સિલાઇ કામ કરી પિતાને મદદરૂપ થતો હતો. પિતા અનિલભાઇ હીરા ઘસવાનું કામ કરે છે. તેમણે વિગતો આપતા જણાવ્યું હતું કે લોકડાઉનને કારણે મારું કામ સતત બંધ જ હતું. દિપેન પણ બે મહિનાથી બેકાર હતો. કેટલાક દિવસથી તે સતત ચિંતા કરીને કહેતો હતો કે-તમારું કામ બંધ છે અને હું પણ બેકાર છું, ઘર કેમ ચાલશે?...તેને હું સાંત્વના આપી થોડા દિવસમાં બધુ સરખુ થઇ જશે તેમ કહી સમજાવતો હતો. પરંતુ આ ચિંતા તેને કોરી ખાતી હોવાથી ગકાઇલે બપોર બાદ તેણે ઝેરી દવા પી લીધી હતી. તેને સારવાર માટે રાજકોટ પહોંચાડ્યો હતો. પરંતુ સાંજે દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

(10:45 am IST)