Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

દીકરાનું ઘર જરૂરિયાતમંદોની પડખે : ૨૭ દિ'થી અવિરત રસોડુ : ૨૦૦ પરિવારોને રાશન વિતરણ

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા કોરોના નિમિતે અસરગ્રસ્તો માટે ચાલતી સેવાકીય પ્રવૃત્તિની તસ્વીરી ઝલક.

રાજકોટથી ૧૪ કિમી. દુર લોધિકા તાલુકાના ઢોલરા ગામે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટનું લાડકું પ્રકલ્પ 'દીકરાનું ઘર' હાલ પપ તરછોડાયેલા અને નિરાધાર માવતરોની સેવા કરી તેની ટાઢક આપી રહયું છે.  કોરોનાની વિકટ પરિસ્થિતિમાં દેશમાં ૪૦ દિવસનું લોકડાઉન છે ત્યારે જરૂરીયાતમંદ ગરીબ પરિવારોની ચિંતા કરી તેને મદદ કરી રહયું છે.

સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી તેમજ ઉપેન મોદીએ જણાવ્યું છે કે 'દીકરાનું ઘર' તેમના કેટલાક ચુનંદા સેવકો અને દાતાઓના સહકારથી છેલ્લા ૨૭ દિવસથી રોજ ૩૦૦ લોકોનું પેટ ઠારવાનું ભગીરથ કામ કરી રહયું છે. સંસ્થા દ્વારા રોજ ૩૦૦ લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે. સંસ્થાનો અન્નપૂર્ણા રથ ઢોલરા ગામના ખેતમજૃરો, સાપર પાટીયા પાસેના ગરીબ પરિવારો તેમજ ગોંડલ રોડ ઉપર આવેલ તુલીપ પાર્ટી પ્લોટ પાછળની વસાહતમાં જરૂરીયાતમંદ પરિવારોને રોજ ભોજન આપવાનો અવીરત યજ્ઞ ચાલી રહયો છે.

ડો. નિદત બારોટ, સુનીલ વોરા, કિરીટ આદ્રોજા તેમજ નલીન તન્નાએ જણાવ્યું છે કે આવી પડેલ આપતીને અવસરમાં ફેરવવાનો એક મોકો સમાજને મળ્યો છે. સમગ્ર સમાજનું આ એક સામાજિક ઉતરદાયિત્વ છે. ે 'દીકરાનું ઘર' પરિવાર દ્વારા ૨૦૦ થી વધુ જરૂરતમંદ પરિવારોને રાશન કીટ તેમજ અત્યંત ગરીબ પરિવારના ૫૦ જેટલા થેલેસેમિક બાળકોને જરૂરીયાત મુજબની રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં ૫૦૦ જેટલા થેલેસેમિક બાળકો છે. તેનો ખોરાક જ રકત છે. રકતના અભાવે કોઈ દર્દી કે થેલેસેમિક બાળકોનો જાન જોખમમાં ન મુકાય તે હેતુથી રાજકોટની તમામ બ્લડ બેંકોમાં જરૂરીયાત મુજબનો સ્ટોક પૂરો પાડવામાં ટીમ 'દીકરાનું ઘર' નિમિત બની છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રર માર્ચ જનતા કરફયુના દિવસે માત્ર ૧૨ બોટલનો સ્ટોક ઉપલબ્ધ હતો. ત્યારે રકતદાન પ્રવૃતિના પ્રણેતા મુકેશ દોશી, ઉપેન મોદી, અનુપમ દોશીએ રાજકોટ મેડીકલ કોલેજના ડીન ડો.ગૌરવીબેન ધ્રુવ સાથે સંકલન કરી રકતદાતાઓ સાથે સંકલન કરી ૮૦૦થી વધુ રકતનો જથ્થો ઉપલબ્ધ કરાવી માનવધર્મ બજાવ્યો હતો. આ ઉપરાંત ફિલ્ડમાર્શલ બ્લડ બેંક, નાથાણી બ્લડ બેંક, રેડ ક્રોસ બ્લડ બેંકમાં પણ રકતનો જથ્થો મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવી હતી.

સંસ્થાના અગ્રણીઓ મુકેશ દોશી, ઉપેન મોદી, અનુપમ દોશી, સુનીલ વોરા, કિરીટ આદ્રોજા સહિતના અગ્રણીઓએ રાજકોટના મુખ્ય મુખ્ય રાહત રસોડાની મુલાકાત લઈ જરૂરીયાત મુજબની આર્થિક સહાય પણ કરી ઉતમ ઉદાહરણ પૂરું પાડયું હતું અને 'દીકરાનું ઘર' વૃદ્ઘાશ્રમ દ્વારા છેલ્લા ૨૭ દિવસથી ચાલતા માનવતાના યજ્ઞમાં અનેક દાતાઓનો વસ્તુરૂપી તેમજ રોકડ સ્વરૂપે સહયોગ મળ્યો હતો. સમગ્ર રાહત રસોડાની વ્યવસ્થા મુકેશ દોશી, સુનીલ વોરાના નેતૃત્વ નીચે જગદીશ પાલીવાલ, હરેશ દવે, કિશન ગામેત તેમજ સંસ્થાના માવતરોએ જવાબદારી સંભાળી હતી.

શહેરના શ્રેષ્ઠીઓ મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ આદ્રોજા, પ્રતાપભાઈ પટેલ, વલ્લભભાઈ સતાણી, ધીરૂભાઈ રોકડ, હસુભાઈ રાચ્છ, હરેશ પરસાણા સહિતના લોકોની હુંફ મળી હતી. સમગ્ર વ્યવસ્થામાં સંસ્થાના હાર્દિક દોશી, સંદિપ સખીયા, ઉપીન ભિમાણી, જગદીશ કોટક, ગૌરાંગ ઠકકર, આશિષ વોરા, હિરેન જોષી, સખતસિંહ રાઠોડ , પ્રવિણ હાપલીયા, ચેતના પટેલ સહિતના કાર્યકરોએ ઉતમ કામગીરી કરી હોવાનું જણાવાયું છે.

(4:20 pm IST)