Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

નિતીનભાઇ દરજી પાડોશી છોકરાને એક છોકરી ભેગો જોઇ જતાં ખાર રાખી હુમલો

રાજનગર ચોક આરએમસી કવાર્ટર પાસે બનાવઃ દરજી આધેડને સાઇકલ સહિત રિક્ષાની ઠોકરે ઉલાળી છરી-પાઇપથી હાર્દિક અને અજય તૂટી પડ્યાઃ બચાવવા વચ્ચે પડેલા પત્નિ અને પુત્રીને પણ ઇજા

રાજકોટ તા. ૨૧: નાના મવા રોડ લક્ષ્મીનગર પાસે રાજનગર ચોક આર.એમ.સી. કવાર્ટરમાં રહેતાં દરજી  આધેડ એક છોકરાએ કોઇ છોકરીના ઘરમાં એકલો જોઇ લીધો હોઇ તે બાબતે આ છોકરાએ ખાર રાખી પોતાના મિત્ર સાથે મળી દરજી આધેડ પર રાત્રે પાઇપથી છરી-પાઇપથી હુમલો કરી આતંક મચાવ્યો હતો. તેને છોડાવવા તેના પત્નિ-પુત્રી વચ્ચે પડતાં તેને પણ ઇજા થઇ હતી.

રાજનગર પાસે આર.એમ.સી. કવાર્ટર ૧૩/૩૦૦૪માં રહેતાં અને છૂટક સિલાઇ કામ કરતાં નિતીનભાઇ નટવરભાઇ ગોહેલ (ઉ.૪૪) રાત્રે અગિયારેક વાગ્યે ઘર નજીક સાઇકલ દોરીને અને સાથે તેના પત્નિ ગીતાબેન (ઉ.૪૧) તથા પુત્રી નિયતી (ઉ.૧૫) ચાલીને જતાં હતાં ત્યારે નજીકમાં જ રહેતો હાર્દિક હસુભાઇ પરમાર નામનો મોચી શખ્સ અને તેનો મિત્ર અજય કોળી રિક્ષામાં આવ્યા હતાં અને નિતીનભાઇને રિક્ષાની ઠોકરે ચડાવ્યા બાદ છરી, પાઇપથી હુમલો કરી ઇજા કરતાં તેને બચાવવા માટે પત્નિ-પુત્રી વચ્ચે આવતાં તેના પર પણ હુમલો થતાં દેકારો મચી ગયો હતો. લોકો ભેગા થઇ જતાં બંને હુમલાખોર ભાગી ગયા હતાં.

ઇજાગ્રસ્ત નિતીનભાઇ અને તેના પત્નિ-પુત્રીને હોસ્પિટલે ખસેડાતાં માલવીયાનગરના એએસઆઇ જી. કે. પરમારે નિતીનભાઇની ફરિયાદ પરથી હાર્દિક અને અજય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:20 pm IST)