Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોરોના સામે સાવચેતી - સાવધાની

સગા-વ્હાલાઓએ બિનજરૂરી હોસ્પિટલમાં ન આવવા ડો.ચિરાગ માત્રાવડીયાની અપીલ

રાજકોટ, તા. ૨૧ : સમગ્ર વિશ્વમાં આજે કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ભારત અને ગુજરાતના સદભાગ્યે આપણે ત્યાં વાયરસના ફેલાવાનો શરૂ થયો છે ત્યારે વોકહાર્ડ હોસ્પિટલ ક્રિટીકલ કેર હેડ ડો. ચિરાગ માત્રાવડિયા અને તબીબોની ટીમે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રત્યેક દર્દી અને સગાઓએ કેટલીક સ્વયં શિસ્ત જાળવવાની આવશ્યકતા પર ભાર મૂકયો છે.

ડો. માત્રાવડિયા જણાવે છે કે વર્તમાન પરિસ્થિતિમાં દરેક સાજી વ્યકિતએ તો સાવચેતી રાખવાની જ છે પરંતુ દર્દીઓએ તેમજ તેમના સગાવ્હાલાઓ એ ખાસ કાળજી રખાવની આવશ્યકતા છે. કોઈપણ વ્યકિતએ બિનજરૂરી હોસ્પિટલની મુલાકાત ટાળવી જોઈએ. દાખલ થયેલા દર્દી સાથે એક જ વ્યકિતએ રહેવું જોઈએ તથા જે વ્યકિત દર્દી સાથે રહેતી હોય તેનું રોટેશન પણ શકય હોય તેટલું ઓછું થવું જોઈએ. એટલે કે જે વ્યકિત દર્દી સાથે હોય તે જ રહે તે જરૂરી છે વારંવાર દર્દી સાથે વારાફરતી અલગ અલગ લોકોએ રહેવું ન જોઈએ.

આપણે ત્યાં દાખલ થયેલા દર્દીની ખબર કાઢવા જવું તે પરંપરાનો ભાગ છે. દર્દી અને સગાવહાલાને તેનાથી સધિયારો મળી રહે છે પરંતુ હાલના સંજોગોમાં આ પરંપરા શકય તેટલી ટાળવી જોઈએ અને ફોનથી ખબર પૂછવાનું રાખવું જોઈએ.

ડો.ચિરાગ માત્રાવડિયા વધુમાં જણાવે છે કે કોઈ વ્યકિતને ઉધરસ શરદી કે તાવ હોય તો તેમણે શકય તેટલું હોસ્પિટલમાં જવાનું ટાળવું જોઈએ. આ માટે પોતે જાતે જ શકય હોય ત્યાં સુધી પોતાના રૂમમાં રહી આ ફરિયાદો સંપૂર્ણપણે દૂર ન થાય ત્યાં સુધી કુટુંબના બીજા સભ્યો સાથેનો સંપર્ક પણ ઓછો કરી નાખવો જોઈએ. જે વ્યકિતને ઉધરસ, શરદી અને તાવની ફરિયાદ હોય તેમને પોતાનો ચેપ બીજાને ન લાગે તે માટે માસ્ક, રૂમાલ કે દુપટ્ટા વાતે પોતાનું મોં અને નાક ઢાકી અને બહાર નીકળવું જોઈએ. દરેક શરદી, ઉધરસ અને તાવ કોરોના વાયરસ હોતો નથી માટે બિનજરૂરી રીતે ગભરાવવું જોઈએ નહીં.

વાઇરસ રોકવા માટે સ્વયંશિસ્ત જ સૌથી મોટું હથિયાર છે. સ્વયંશિસ્તના ભાગરૂપે જ સમાજ અને દેશને મદદરૂપ થવા માટે કોઈપણ ભીડવાળી જગ્યા - રેસ્ટોરન્ટ, ચા-પાણીની હોટલ, પાનના ગલ્લા ખાણીપીણીની જગ્યાએ ભીડ ન કરવી જોઈએ. વારંવાર સાબુથી હાથ સાફ કરવા જોઈએ. ઉધરસ, શરદી કે તાવના દર્દીઓએ સ્વાસ્થ્યવર્ધક ખોરાક તથા વધારે પ્રમાણમાં ગરમ અને હુંફાળું પ્રવાહી લેવું જોઈએ. ઠંડી વસ્તુઓ, ઠંડા પીણા, આઈસ્ક્રીમ વગેરે શરદીને લગતી ફરિયાદ હોય તો ટાળવા જોઈએ અને તેના બદલે ગરમ ચા, દૂધ કોફી, સૂપ, રાબ વગેરે વધારે પ્રમાણમાં લેવા જોઈએ આવનારા બેથી ચાર અઠવાડિયા જો આપણે સ્વયંશિસ્ત પાળી સરકારે આપેલી માર્ગદર્શિકાને સારી રીતે અમલમાં મૂકીશું તો ભવિષ્યમાં આવનાર ભયાવહ રોગચાળાને ટાળી શકીશું તેમ ડોકટર માત્રાવડિયા ભારપૂર્વક જણાવે છે.

ડો. ચિરાગ માત્રાવડીયા

વોકહાર્ટ હોસ્પિટલ

મો.૯૮૨૫૨ ૧૯૦૧૩

(4:06 pm IST)