Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોરાના સંદર્ભે રેલનગરમાં ચાર બાંધકામ કોન્ટ્રાકટરોએ ૩૦ મજૂરોને પાંચ દિવસનો એડવાન્સ પગાર ચુકવી રજા આપી

મહિલા કર્મચારીને રોજના ૩૦૦ અને પુરૂષ કર્મચારીને રોજના ૩૫૦ લેખે પાંચ-પાંચ દિવસની રકમ ચુકવી સ્તુત્ય પગલુ ભરતાં ભાગીદારો

રાજકોટ તા. ૨૧: કોરોનાને મહામારી જાહેર કરી દેવામાં આવી છે અને સમગ્ર વિશ્વ આ રોગ સામે લડત આપવા સજ્જ થયુ છે ત્યારે રાજકોટમાં પણ સોૈ કોઇ જાગૃત બની રહ્યા છે. આવતી કાલે રવિવારે જનતા કર્ફયુની અપિલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી છે જેના માટે લોકો સહકાર આપવા તૈયાર થયા છે. ત્યારે બીજી તરફ અલગ-અલગ બાંધકામની સાઇટ, કારખાનાઓ સહિતના એકમોમાં મજૂરી કરતાં મજૂરોને પણ કોરોના સામે રક્ષણ મળી શકે અને મજૂરોને રજામાં પણ તેનું રોજ (પગાર) મળી રહી તે માટેનું સ્તુત્ય પગલુ રેલનગરમાં બાંધકામની સાઇટ ચલાવી રહેલા ચાર ભાગીદારોએ ભર્યુ છે. આ ચારેય ભાગીદારોએ પોતાની બંધુલીલા મહાદેવ પાર્કની બાંધકામની સાઇટ પર કામ કરતાં ૩૦ મહિલા-પુરૂષ મજૂરોને આજથી પાંચ દિવસની રજા આપી દીધી છે. રોજેરોજનું કમાઇને પેટ ભરતાં આ મજુરોને પાંચ દિવસની રજામાં આર્થિક ભીંસ ઉભી ન થાય તે માટે આ તમામને પાંચ દિવસનો એડવાન્સ પગાર ચુકવીને રજા અપાઇ છે. આ પગાર ફરીથી તેઓ કામ પર આવે ત્યારે પણ કાપવામાં આવશે નહિ.  આ સાઇટના ચાર ભાગીદારો ભરતભાઇ મઠીયા, હિતેષભાઇ મઠીયા, મહેશભાઇ દવે અને શૈલેષભાઇ દવેએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં કોરોના સામે સોૈ કોઇ જાગૃત થયા છે ત્યારે આપણી પણ ફરજ બને છે કે આપણે પણ પોતાના અને બીજાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ અને મહામારી સામે ડરવા કરતાં તેની સામે સાવચેત રહીને નિયમો પાળીએ. ચારેય ભાગીદારોના આ સ્તુત્ય પગલાને તેમના બહોળા મિત્રવર્તુળોએ બીરદાવ્યું હતું. મહિલા મજૂરોને રોજના રૂ. ૩૦૦ અને પુરૂષ મજૂરને રોજના રૂ. ૩૫૦ લેખે પાંચ-પાંચ દિવસનું પેમેન્ટ ચુકવીને રજા આપવામાં આવી છે.

(1:10 pm IST)