Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

શનિ-રવિ રાજકોટમાં સી.પી.આઇ. (એમ)નું રાજય અધિવેશન

સીતારામ યેચુરી, અશોકભાઇ ધાવલે, અરૂણ મહેતા સંમેલન સંબોધશેઃ ભાજપ સરકારને ઘેરવાનો કાર્યક્રમ ઘડી કાઢયોઃ ધ્વજવંદન-શહિદવંદનાઃ એપ્રિલમાં હૈદ્રાબાદમાં રાષ્ટ્રીય અધિવેશન

રાજકોટ તા. ર૧ :.. ભારતનો સામ્યવાદી પક્ષ (માકર્સવાદી)નાં રાજકોટ જિલ્લા મંત્રી ડાયાભાઇ ગજેરા, મંત્રી મંડળનાં સભ્ય રામચંદ્રનની અખબારી યાદીમાં જણાવાયું છે કે, સી. પી. આઇ. (એમ) નું ત્રિવાર્ષિક રાષ્ટ્રીય અધિવેશન તા. ૧૮-રર એપ્રિલ ના રોજ હૈદાબાદ ખાતે મળી રહેલ છે તે પૂર્વે તા. ર૪-રપ માર્ચના રોજ રર મું ગુજરાત રાજય અધિવેશન રાજકોટ ખાતે સુબોધ મહેતા નગર પટેલવાડી ખાતે મળશે.

આ અધિવેશન પ્રસંગે તા. ર૪ નાં શનિવારના બપોરે ૩ વાગે અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે યોજાયેલ ખુલ્લા અધિવેશનને સી. પી. આઇ. (એમ) નાં રાષ્ટ્રીય મંત્રી સીતારામ યેચુરી, મહારાષ્ટ્રનાં કિસાન આંદોલનનાં નેતા, કિસાન સભાનાં પ્રમુખ અશોકભાઇ ધાવલે, સી. પી. આઇ. (એમ) પ્રદેશ મંત્રી પ્રાગજીભાઇ ભાંભી, સીટુનાં પ્રદેશ પ્રમુખ અરૂણભાઇ મહેતા સી. પી. આઇ (એમ.) કેન્દ્રીય સમિતિ સભ્ય સંબોધશે.

આ અધિવેશનમાં ૧૯ જિલ્લાના સામ્યવાદી આગેવાન ડેલીગેટો, ગુજરાતની રાજકીય-આર્થિક સ્થિતિ ભાજપની રાજય સરકારના કાર્યકાળનાં લેખા જોખા કરી, ભાજપનો સત્તા તળે ખેડૂતો, શ્રમજીવીઓ આંગણવાડી આશા વર્કરો અને ફીકસ વેતન કર્મીઓ, નાના ઉદ્યોગો, યુવા બેરોજગારો, શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ, દલિતો, આદિવાસી, અને લઘુમતીની બેહાલી પ્રશન ભાજપ સરકારને ઘેરવાનો કાર્યક્રમ ઘડી કાઢેલ છે.

અધિવેશન ખાતે રાજકોટનાં સ્વ. બળવંતરાય મહેતા સામેનાં ધર્મેન્દ્ર કોલેજથી શરૂ થયેલ ફી વધારાનાં આંદોલનથી સંઘર્ષ યાત્રા શરૂ કરી, મહાગુજરાત સંગ્રામ સમિતિ, નવનિર્માણ સહિતના આંદોલનોના મહાનાયક માર્કસવાદી નેતા સ્વ. સુબોધભાઇ મહેતાના નામથી નામ કરણ કરાશે. અધિવેશનનાં પ્રારંભ-પટેલવાડી ખાતે તા. ર૪ નાં રોજ ધ્વજ વંદન તથા શહીદ વંદનાનો કાર્યક્રમ યોજાશે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

તસ્વીરમાં સી. પી. આઇ. (એમ.)ના એમ. રામચંદ્રન અને ડાયાભાઇ ગજેરા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:36 pm IST)