Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

શુક્રવારે શહિદ દિન

જરા આંખ મે ભરલો પાની, જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની

ઉત્તરે અફઘાનીસ્તાનથી દક્ષિણે શ્રીલંકા સુધી અને પશ્ચિમે ગુજરાતથી માંડીને પૂર્વ તરફ બર્મા યુનાન સુધી તેમજ કૈલાસ માનસરોવરથી હિન્દ મહાસાગર અને આંદામાન નિકોબાર ટાપુઓ પર અખંડ હિન્દુસ્તાનનો હિન્દવી ધ્વજ અનોખી શૌર્યથી લહેરાતો હતો. હિન્દનું પ્રભુત્વ ટકાવી રાખવામાં બલી રાજા, યદુ રાજા, પાંડવો, સહસ્ત્રાર્જુન જેવા વીર યોધ્ધાએ અનેકવાર કરેલા અશ્વમેઘ યજ્ઞોએ સબળ ભુમિકા ભજવી. અરે ભારતના આક્રમણથી ફફડતા ચીનને પણ દિવાલ બનાવવી પડી હતી.

આવો ભવ્ય ઇતિહાસ અને ભવ્ય સંસ્કાર વારસો ધરાવતા હિન્દુસ્તાનમાં ઇસ્લામનું આગમન ભલે ૬૪૨ માં થઇ ગયુ પરંતુ ૧૧૩૦ સુધી એટલે કે ૪૮૮ વર્ષો સુધી તેઓ અધિકાર સ્થાપિત કરી શકયા નહોતા. ૧૫૬૬ ના અરસામાં મોગલ સલ્તનતનો વિકાસ થયો અને અડધા હિન્દુસ્તાન પર મુસ્લીમ સત્તા તો અડધા હિન્દમાં રાજાઓ રાજય કરતા હતા. જલાલુદીન અકબરને મહારાણા પ્રતાપે તો ઔરંગઝેબને શિવાજી મહારાજે ખુબ હંફાવ્યા હતા.

પરંતુ ઇ.સ.૧૭૪૫ ની આસપાસ અંગ્રેજોનું સૌ પ્રથમ હિન્દમાં આગમન થયુ. વેપાર, ધંધાના નામે આવીને કોઠીઓ સ્થાપી. નબળા રજવાડાઓને સહકાર આપી પોતાને આધીન બનાવ્યા. ધીમે ધીમે સંપૂર્ણ ભારત ગુલામીની અવસ્થામાં કયારે પટકાય ગયુ તે કોઇને ખ્યાલ ન રહ્યો અને એ રીતે આપણે સૌ ગુલામ બન્યા. હિન્દના દેશપ્રેમી યુવકોથી ગુલામી સહન ન થતા નાની નાની ટુકડીઓ બનાવી અંગ્રેજો પર હુમલા શરૂ કરી દીધા. આવા દેશપ્રેમી યુવકોનું સંગઠન રચાયુ અને સાથ મળતા ઝાંસી, દિલ્હી અને નાના રજવાડાના યુવરાજાએ આયોજન પૂર્વક અંગ્રેજો ઉપર હુમલા કર્યા. અંતે ૬ લાખથી વધુ ક્રાંતિકારીઓના બલિદાનથી ઇ.સ.૧૯૪૭ માં ભારતને આઝાદી મળી.

આઝાદી પહેલાના અનેક વિરો અને વિરાંગનાઓના બલિદાન દિવસ અલગ અલગ હોય એ રીતે અલગ અલગ શ્રધ્ધાંજલી આપવાને બદલે ૨૩ માર્ચને શહિદ દિન તરીકે સ્વીકારી બધી વિરલ વિભુતિઓને એક સાથે શ્રધ્ધાંજલી આપવા નિર્ણય થયો અને ત્યારથી આપણે ૨૩ માર્ચે શહિદ દિવસ મનાવતા થયા. ૨૩ માર્ચનો દિવસ પસંદ કરવાનું કારણ એ હતુ કે એ દિવસે ત્રણ મહાન ક્રાંતિકારી સરદાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી અપાઇ હતી. જો કે આ લોકોને પણ ફાંસી આપવા પહેલા તો ૨૪ માર્ચ મુકરર થઇ હતી. પરંતુ આ ત્રણેયની લોકચાહનાથી અંગ્રેજો સામે જે રોષ ફાટી નિકળ્યો હતો તેનાથી ડરીને એક દિવસ વહેલા એટલે કે ૨૩ માર્ચે ફાંસી આપી દેવામાં આવી. ફાંસીના નિયમોનું પણ ઉલંઘન કરી સવારના બદલે સાંજે ફાંસી અપાઇ હતી.

આ ત્રણેય શહીદવીરોનો આછેરો પરીચય જોઇએ તો સુખદેવ થાપર પંજાબ લુધીયાણા પાસેના નૌધરા ગામના વતની હતા. ત્રણ વર્ષની વયે પિતાનું છત્ર ગુમાવેલ. લાહોરમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલ અને તે સમયે દેશભકિતના જંગમાં ઝંપલાવ્યુ હતુ. સાયમન કમિશનના વિરોધ વખતે લાહોરમાં સુખદેવે મહત્વની ભુમિકા ભજવી હતી. એજ રીતે શિવરામ હરિ રાજગુરૂ મહારાષ્ટ્રના પૂના જિલ્લાના ખેડા ગામના વતની હતા. બોમ્બ બનાવવા અને વિસ્ફોટ કરવામાં માહીર હતા. તેઓએ ક્રાંતિકારી પાર્ટી ઉભી કરી અને દુર્ભાગ્યે થોડા જ દિવસમાં પોલીસના હાથે પકડાય ગયેલા.   આવા જ ઝનુની ભગતસિંહને તો દેશભકિત વારસામાં મળી હતી. તેમના પિતા કિશનસિંહ દેશભકત હતા. આમ ગણો તો તેમનો આખો પરિવાર દેશભકત હતો. જલીયાવાલા બાગ હત્યા કાંડે તેમને ક્રાંતિના માર્ગે વાળ્યા હતા. આ ત્રણેય સહતી માં ભોમ માટે શહીદી વહોરનાર તમામ વીરલાઓને આજે શત્ત શત્ત વંદન.

શ્રધ્ધાંજલી કાર્યક્રમ

શહીદ દિન નિમિતે ઉદ્દઘોષ ક્રાંતિવીર  સ્મૃતિ સંસ્થા રાજકોટ દ્વારા તા. ૨૩ માર્ચના શુક્રવારે સવારે ૭.૩૦ થી ૮.૩૦ હરીહર સોસાયટી કોમ્યુનીટી હોલ, કાલાવડ રોડ, જલારામ પેટ્રોલપંપ પાસેની શેરી ખાતે એક શ્રધ્ધાંજલીરૂપ કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

-વિનોદભાઇ પેઢડીયા, ઉદ્દઘોષ ક્રાંતિવીર સ્મૃતિ સંસ્થા

(3:58 pm IST)