Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

મોટામાત્રાના ગોવિંદ અને વાંગધ્રાના મેરૂને ડ્રાઇવીંગ લાયસન્સ માટે ધો-૧૦ પાસ થવું હોઇ ડમી બેસાડ્યા'તા

ક્રિષ્ના સ્કૂલમાંથી ઝડપાયેલા ધો-૧૦ના ડમી છાત્રો સહિત ૪ સામે ફોજદારી : ગોવિંદની બદલે કોલેજીયન છાત્ર વલ્લભ અને મેરૂના બદલે ધો-૧૨નો છાત્ર પરિક્ષા દેવા આવ્યો હતો

જે પકડાયા તે ડમી અને અસલી છાત્રો જોઇ શકાય છે. એક ડમી પરિક્ષાર્થી સગીર હોવાથી તસ્વીર પ્રસિધ્ધ કરી નથી

રાજકોટ તા. ૨૧: રાજકોટ-ભાવનગર રોડ પર કાળીપાટ ગામ પાસે આવેલી ક્રિષ્ના ઇન્ટરનેશલન સ્કૂલમાં ગઇકાલે ધોરણ-૧૦ના બે છાત્રોને બદલે પરિક્ષા આપવા આવેલા બે ડમી ઝડપાઇ જતાં આ મામલે સ્કૂલના હેડ રક્ષિતભાઇ ધીરેન્દ્રભાઇ વાલંબીયાની ફરિયાદ પરથી બે ડમી છાત્રો સહિત ચાર સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક સગીર છે.  મોટામાત્રાના યુવાન અને વીંછીયાના વાંગધ્રાના રબારી યુવાનોને ડ્રાઇવીંગ લાયસન્સ માટે ૧૦ પાસ થવું જરૂરી હોઇ તેણે પોતાની જગ્યાએ ડમી છાત્રોને પરિક્ષા આપવા મોકલ્યાનું બહાર આવ્યું છે.

પોલીસે આ મામલે ચોટીલાના મેવાસાના વલ્લભ સવશીભાઇ રાઠોડ (રબારી) (ઉ.૧૮), જસદણના મોટા માત્રાના ગોવિંદ કનાભાઇ આલ (રબારી) (ઉ.૧૯), વિંછીયાના વાંગધ્રાના મેરૂ સગરામભાઇ ધાંધલ (રબારી) (ઉ.૩૦) તથા ૧૭ વર્ષના ધોરણ-૧૨ના છાત્ર સામે આઇપીસી ૪૧૯, ૧૧૪ મુજબ એકને બદલે બીજાનું નામ ધારણ કરી પરિક્ષા આપવા આવતાં ઝડપાઇ જવા સબબ ગુનો નોંધ્યો છે. પી.એસ.આઇ. આર. વી. કડછા, શૈલેષભાઇ અને કિરીટભાઇ રામાવતે વિશેષ તપાસ કરતાં એવી વિગતો ખુલી હતી કે ગોવિંદ આલ અને મેરૂ ધાંધલને ડ્રાઇવીંગ લાયસન્સ માટે ધોરણ-૧૦ પાસ થવું હોઇ બંનેએ પોતાના પરિચીત એવા કોલેજીયન છાત્ર વલ્લભ તથા ધો-૧૨ના છાત્રને પોતાની બદલે પરિક્ષા આપવા મોકલ્યા હતાં. બંને ડમીએ મિત્રના નાતે જ પરિક્ષા આપવા આવ્યાનું કહ્યું છે.

વલ્લભ અને સગીર રિસીપ્ટના ફોટા પર અંગુઠો રાખી અંદર ઘુસવા ગયા પણ...

. ડમી છાત્ર બનીને પરિક્ષા આપવા પહોંચેલા કોલેજીયન છાત્ર વલ્લભ અને ધો-૧૨નો સગીર છાત્ર સ્કૂલના ગેઇટ પર એન્ટ્રી લેતી વખતે ગોવિંદ અને મેરૂની રિસીપ્ટ લઇને પહોંચ્યા હતાં અને રિસીપ્ટમાં લગાડાયેલા ફોટા પર અંગુઠા દાબી દઇ રિસીપ્ટ બતાવી હતી. પરંતુ ચેકીંગ ટીમે આ ચાલાકી પકડી પાડી હતી.

(11:20 am IST)