Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રાજકોટના લક્ષ્મીનગર મેઈન રોડ વોર્ડ નં.૮માં ‘આપ’નું બુથ ટેબલ ભાજપે તોડી નાખી ઉમેદવારોને માર માર્યાનો આક્ષેપ : ભાજપ - આપના કાર્યકરો સામ-સામે : નિતીન ભારદ્વાજ અને ડીસીપી કક્ષાના પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા : પોલીસ ફરીયાદથી તજવીજ

રાજકોટ, તા. ૨૧ : એક તરફ સ્વસ્છ અને સ્વસ્થ ચૂંટણી પ્રક્રિયાની ચર્ચા થાય છે ત્યારે બીજી તરફ રાજકોટમાં મહાનગર પાલિકાની ચૂંટણી દરમિયાન ભાજપ અને આપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયાનો બનાવ બન્યો છે. અહીં મતદાન મથક પર મતદારોને મદદ કરવા માટે મુકવામાં આવતા આપના ટેબલને ભાજપ દ્વારા તોડી પાડવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો મુકવામાં આવ્યા છે.

લક્ષ્મીવાડી વિસ્તારમાં આવેલા મતદાન મથક પર રાજકીય પાર્ટીઓ દ્વારા મતદારોને મદદ માટે મૂકવામાં આવતા ટેબલ ની તોડફોડ થયાની ઘટના બની છે. જેમાં આપ દ્વારા આ ટેબલની તોડફોડ ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ આપ અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા.

બીજી તરફ મામલો વધારે આક્રામક સ્વરુપ ધારણ ના કરી લે તે માટે ભાજપના સ્થાનિક સિનિયર નેતાઓ પણ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને મામલાને થાળે પાડવાની કોશિશો કરી હતી. આ દરમિયાન આપના કાર્યકર્તાઓની વાત સાંભળીને કઈ રીતે મુશ્કેલી ઉભી થઈ તે અંગે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થિતિ વધુ વણસે નહીં તે માટે ડીએસપી કક્ષાના પોલીસ અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા.

આ ઘટના બાદ હોબાળો વધે નહીં તે માટે પોલીસ સહિત મતદાન મથકના અધિકારીઓનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. જોકે, આપ દ્વારા પોલીસની ભાજપ સાથે મીલીભગત હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. બન્ને પાર્ટીઓવચ્ચે સામાન્ય બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હોવાની વાતો ફેલાઈ જતા બન્ને પક્ષ તરફથી કાર્યકર્તાઓ અહીં ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ સ્થિતિને થાળે પાડવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા.

(8:16 pm IST)