Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

મહાશિવરાત્રી : શિવની આરાધનાનું અનુપમ પર્વ

મહાદેવજીનું ધ્યાન

ધ્યાયેન્નિત્યં મહશં રજતગિરિનિભં ચારૂચંદ્રાવસંતં

રત્નાકલ્પોજવલાંગ પરશુમૃગવરાભીતિ હસ્તં પ્રસન્નં

પદ્માસીનં સમન્તાત્સુતમમરણૈર્ત્યાધકૃતં વસાનં

|| વિશ્વાદ્યં વિશ્વબીજં નિખિલભયહરં પંચવકગં ત્રિનેત્રમ ||

આપણા દેશમાં ઉજવાતા વિવિધ પર્વોમાં મહાશિવરાત્રીના પર્વનો મહિમા કંઇક અનોખો અને વિશેષ છે. આમ તો દર મહિનાની વદ ચૌદશનો દિન શિવરાત્રી કહેવાય છે પરંતુ મહામાસની ચૌદશનો દિન મહાશિવરાત્રી તરીકે ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિ તથા હિંદુ ધર્મમાં શિવરાત્રીનો મહિમા અનંત તથા અનન્ય છે. વેદ, પુરાણ, ઉપનિષદ તથા શાસ્ત્રોમાં શિવજીનો મહિમા ગવાયો છે. શિવના લીંગના મુળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ તથા ઉપર પ્રાણાત્મક શંકર છે. જગતના સંચાલનની જવાબદારી શિવજીના શિરે છે. વશિષ્ઠ, અગત્સ્ય, શૌનક આદિ મુનીઓ શ્રેષ્ઠોએ તથા ઇન્દ્રાદીક દેવોએ શિવજીના મસ્તકની પૂજા કરી છે.

શિવજીની પૂજામાં પણ વૈજ્ઞાનિક અભિગમ દ્રષ્ટિગોચર થાય છે. શિવજીને આંકડો, ધતુરો, ભાંગ, દૂધ, બિલીપત્ર વગેરે ચઢે છે.જે તમામ ચીજોમાં ઔષધીય ગુણો છે. જે જૂદા જૂદા રોગોમાં ઉપયોગમાં લેવાય છે. શિવજીને અર્પણ થતી ચીજો એ શીખવે છે. દીન હીન, નિર્બળ, નિઃસહાય, અશકત, અબોલ, કમજોર કે અસાધ્ય રોગથી પીડાતી વ્યકિત કે પશુપંખીને સહાય કરી સેવા કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. જીવનની વિષમતાઓ રૂપી વિષનું પાન આપણે પણ કરીને જીવનમાં સત્ય, સૌદર્ય તથા સુખને મેળવી શકીએ છીએ.

શિવમંદિરમાં પ્રવેશ પહેલા જ કાચબો તથા નંદી દ્રષ્ટિગોચર થાય છે. પ્રવેશદ્વારની બંને બાજુ હનુમાનજી તથા ગણેશજીની મુર્તિઓ હોય છે. શિખર પર ધજા સફેદ ફરકતી જોવા મળે છે. શિવરાત્રીમાં દિને મંદિરે ધજાપતાકા તથા રોશનીથી શણગારાય છે મધ્યાહનમાં આરતી બાદ ભાંગની પ્રસાદી વહેચાય છે.

શિવનો એક અર્થ થાય છે કલ્યાણ. શિવજીનુ સ્વરૂપ કલ્યાણકારી છે.આપણે પણ સતત કલ્યાણકારી ભાવ રાખીએ તો શિવમય બની જવાય છે. હિમાલયના ઉત્તુંગ શિખરે બિરાજમાન ભોળા મહાદેવ આપણને બતાવે છે કે કલ્યાણકારી માર્ગ પ્રશસ્થ કરવા માટે જીવનમાં ચોકકસ ઉંચાઇએ પહોચવુ પડે છે. શિવજીના સ્વભાગની વાત કરીએ તો તેઓ ઉગ્ર છે છતા ભોળા છે. શિવજી ગુસ્સામાં નર્તન પણ કરે છે પરંતુ શિવજીએ કામ ક્રોમ પર વિજય મેળવ્યો છે. ભુત, પ્રેત, યજ્ઞ, ડાકીની, શાકીની બધા તેમને આધીન છે. શિવજી સ્મશાનમાં રહે છે તેમણે ખોપરીની માળા પહેરી છે. શરીર પર ભસ્મનો લેપ છે. શિવજીના કપાળ પર ત્રણ ભસ્મની રેખા છે જે બતાવે છે કે અહંકાર, ક્રોધ તથા માયાનો ત્યાગ કરવો. શિવજીનુ ત્રિશુલ દર્શાવે છે કે આધિ, વ્યાધિ કે ઉપાધિ ત્રિશુળથી દૂર થાય છે. શિવજીના માથાનો ચંદ્ર મગજને શાંત રહેવાનુ શીખવે છે. મનના સંયમ કાબુમાં રાખતા પણ શીખવે છે. કોઇપણ પરિસ્થિતિમાં શીતળ કેમ રહેવુ તે પણ શિવજી પાસેથી શીખવા જેવુ છે શિવજીની જટામાંથી નીકળતા ગંગાજી પતિતપાવન છે કારણ કે અંતઃકરણના મેલ ગંગાજી નિર્મળ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં શિવજીને મુકિતદાતા કહે છે. તેઓ નિરંજન, નિરાકાર, નિર્ગુણ, ચિદાનંદ સ્વરૂપ છે. વળી તેઓ અવિનાશી ઓમકાર સ્વરૂપ હોવાથી પરબ્રહ્મ પરમાત્મા કહેવાય છે.

આપણે ત્યા ઉપાસના પધ્ધતીમાં કાળરાત્રી, મહારાત્રી અને મોહરાત્રીનુ મહત્વ છે તેવુ જ મહત્વ શિવરાત્રીનુ પણ છે. ઉપાસના સાધના તથા સિધ્ધિના દ્રષ્ટિકોણથી ૩ રાત્રીની જેમ શિવરાત્રીને સિધ્ધિની રાત્રે મનાઇ છે.

શિવજીનું સ્વરૂપ ત્રિનેત્રધારી છે.વ્યાધ્ર ચર્મ પર શિવજી બિરાજે છે. નંદી પર અસવાર છે શિશ પર ચંદ્ર તેમજ ગળામાં સર્પ તથા મુંડમાળા ધારણ કરેલ છે જટામાં ગંગાજી તેમજ ભાલ પર ત્રિપુંડ છે. વસ્ત્રો પણ ટુંકા તથા નહિવત છે. શિવજીને ચંદન, ધતુરો, બિલીપત્ર ભસ્મ તથા ભાંગ પ્રિય છે શિવ પરિવાર પણ નિરાળો છે. ગણેશજી તથા કાર્તિકેય બે પુત્રો છે તો જગતજનની માતા પાર્વતી પત્ની છે. શિવજીના હાથમાં ડમરૂ ત્રિશુળ છે હિમાલયમાં વસે છે તથા ધ્યાનસ્થ મુદ્રામાં સ્થિતપ્રજ્ઞ બેઠા છે શિવજીના ગુણો અનંત છે. કરૂણાના સાગર તથા કષ્ટભંજક હોવાથી શિવજીને કષ્ટભંજન મહાદેવ પણ કહે છે.આપણે ત્યા ચાર પ્રહરની પૂજા કરાઇ છે. લઘુરૂદ્ર તથા રૂદ્રાભિષેક પણ કરાઇ છે શિવજીનુ પંચામૃત વડે સ્નાન કરાઇ છે ત્યારબાદ પુષ્પ, અક્ષત, ચંદન, ફુલો તથા બિલીપત્ર વડે ભવ્ય શણગાર કરાઇ છે શિવરાત્રીએ આખી રાત્રી પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી અનેકગણુ ફળ મળે છે. શિવરાત્રી સમાન પાપ અને ભયમાંથી મુકત કરનાર અન્ય કોઇ વ્રત નથી.

શિવજીના એક હજારથી પણ વધુ નામો છે જેમાંના વિશ્વેશ્વર, મહાકાળ, નિલકંઠ, ત્રિલોચન, ચંદ્રમૌલી, ધૃર્જટી, શૂલપાણી, પશુપતિ, ભૂતનાથ, વૃષભધ્વજ, ગંગાધર, રૂદ્ર ઇત્યિાદી શિવરાત્રીએ ઓમ નમઃ શિવાય કે મહામૃત્યુંજયના જાપ કરવાથી માણસ સુખી થાય છે અને ભય તથા પાપમાંથી મુકિત મેળવે છે.

શિવજીની ઉપાસનામાં મહામૃત્યુંજય મંત્રનો મોટો મહિમા છે. આ મંત્રના જાપથી રોગો તથા કષ્ટો દૂર થાય છે. આ મંત્રના રટણથી ભય, દુઃખ, દરિદ્રતાનુ શમન થાય છે તથા સઘળી મનોકામના પુર્ણ થાય છે. કળીયુગમાં નામ સ્મરણનો ખૂબ જ મોટો મહિમા છે. શિવજીની જલધારીમાંથી સતત ટપકતા પાણીની ધારાની જેમ સતત શિવનામનું સ્મરણ કરતા રહેવાની આવશ્યકતા છે.

શિવરાત્રીનુ પર્વ એ બોધ પ્રાપ્તિ પર્વ છે. સૌરપુરાણમાં લખેલ છે કે જેઓ બિલ્વવૃક્ષ હેઠળ શિવનામ જપે છે તે પાપમાંથી મુકિત પામે છે. શિવ તત્વ દુઃખોનો નાશ કરે છે. શિવતત્વ સમસ્ત પ્રાણીઓનુ વિશ્રામ સ્થાન મનાય છે. આપણી આંતરીક ચૈતન્ય શકિતને જગાડવા શિવનામનો જાપ અનિવાર્ય છે. જીવ અને શિવનુ મિલન થાય તે અત્યંત જરૂરી છે.

મહાદેવજીની ભકિત અનંદ સુખ આપે છે ભોળેશ્વર દાદા દયા દાતા છે. જૂનાગઢમાં ભવનાથ મંદિરમાં શિવરાત્રીનો મોટો મેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં બાવાઓ, સાધુઓ તથા સંતો ઉપસ્થિત રહી મધરાત્રે મૃગીકુંડમાં સ્નાન કરે છે તથા ભવ્ય રવાડી અને સરઘસ નીકળે છે.

મહાશિવરાત્રીના પર્વ નિમિતે જગતપિતા શિવશંકરના ચરણોમાં શતકોટી નમસ્કાર. ઉમાપતિ મહાદેવકી જય !

ભરત અંજારીયા મો.૯૪૨૬૪ ૧૭૮૫૪

(4:06 pm IST)