Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

બર્થ ડે પાર્ટીમાં ફાયરીંગના ગુનામાં સામેલ ઇશાન જોષીના ઘરમાંથી વિદેશી દારૂ મળ્યો

પોલીસે ઘરમાં કરેલા પંચનામા વખતે તપાસ કરતાં બે બોટલ મળી

રાજકોટ તા. ૨૧: યુનિવર્સિટી રોડ ભગતસિંહજી ગાર્ડન નજીક ચિત્રકુટધામ મહાદેવ મંદિર પાસે બે દિવસ પહેલા ડેનીસ નામના યુવાનની બર્થ ડે પાર્ટીમાં એકઠા થયેલા પંદરથી વધુ મિત્રો વચ્ચે બર્થડે બોયને ધોલધપાટ કરવા મામલે વાત વણસતાં મિત્રો વચ્ચે બે જૂથ પડી જતાં એક બીજા પર છરીઓથી હુમલો કરી તેમજ એક જ પિસ્તોલમાંથી સામ-સામા ચાર રાઉન્ડ ફાયરીંગ કરતાં યુનિવર્સિટી પોલીસે બે અલગ-અલગ ગુના નોંધી આઠની ધરપકડ કરી હતી. આ ગુનામાં ઇશાન ભીખાભાઇ જોષી પાસેથી પિસ્તોલ પણ કબ્જે લેવાઇ હતી. રિમાન્ડ દરમિયાન તેના ઘરમાં જડતી પંચનામુ થતાં ત્યાંથી બે બોટલ દારૂ મળતાં અલગ ગુનો નોંધાયો છે.

ઇશાન ભગતસિંહજી ગાર્ડન નજીક ચિત્રકુટ ધામ સી-૩ બીજા માળે બ્લોક નં. ૨૦૪માં રહે છે. બર્થ ડે પાર્ટીમાં ડખ્ખો થયા બાદ ઇશાન ઘટના સ્થળેથી ભાગીને તેના ફલેટમાં જતો રહેતાં માથાકુટ કરનારા તેના જ મિત્રો તેની પાછળ ત્યાં પહોંચ્યા હતાં ત્યારે ઇશાને પિસ્તોલ સાથે નીચે આવી ડખ્ખો કરતાં ભડાકા થયા હતાં. બે ગુનામાં યુનિવર્સિટી પોલીસે ઇશાન સહિતનાને પકડ્યા હતાં. તેના ઘરમાં તપાસ કરતાં પાર્ટી સ્પેશિયલ બ્રાન્ડનો બે બોટલ દારૂ મળતાં તે કબ્જે કરી અલગ ગુનો નોંધાયો છે. પીએસઆઇ પી.એ. ગોહેલ વધુ તપાસ કરે છે. (૧૪.૬)

 

(2:59 pm IST)