Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

તસ્કર બેલડીને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચઃ ૧૧ ગુના કબુલ્યા

માલવાહક વાહનની ઉઠાંતરી કરી તેનો ચોરીમાં ઉપયોગ કરતાં: છ માસથી તરખાટ મચાવતા'તા :અજય નાયકા અને પ્રફુલ ઉર્ફ શંકર શ્રીમાળીને કોઠારીયા ચોકડીએથી દબોચ્યાઃ ૧૩ લાખનો મુદ્દામાલ કબ્જેઃ હેડકોન્સ. ચેતનસિંહ ચુડાસમા, વિક્રમભાઇ લોખીલ અને અમીનભાઇ ભલુરની બાતમી પરથી પી.એસ.આઇ. મહાવીરસિંહ બી. જાડેજા, પીએસઆઇ વનરાજસિંહ જે. જાડેજા અને ટીમને સફળતા : ગ્રાઇન્ડર કટરથી તાળા-શટર કાપી હાથફેરો કરતાં

પી.આઇ. એચ. એમ. ગઢવી તથા પી.એસ.આઇ. મહાવીરસિંહ જાડેજા અને વનરાજસિંહ જાડેજા તથા ટીમ અને પકડાયેલા બંને તસ્કર જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૧: છેલ્લા છ માસથી ઓૈદ્યોગિક વિસ્તારને ધમરોળતી તસ્કર બેલડીને ક્રાઇમ બ્રાંચે ઝડપી લેતાં વાહનચોરી અને કારખાનાઓમાં થયેલી ૧૧ ચોરીના ભેદ ખુલ્યા છે. પોલીસે રૂ. તેર લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ બંને તસ્કર જે તે કારખાનામાં ત્રાટકતા પહેલા ભારે વાહન કે ટુવ્હીલરની ચોરી કરતાં અને બાદમાં ગ્રાઇન્ડર કટરથી તાળા-શટર કાપી હાથફેરો કરતાં હતાં.

શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી ઝોન-૧ બલરામ મીણા, ડીસીપી ઝોન-૨ ડો. કરણરાજ વાઘેલા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા તથા પી.આઇ. એચ. એમ. ગઢવીએ ઘરફોડ ચોરીના અનડિટેકટ ગુના શોધવા સુચના આપી હોઇ પી.એસ.આઇ. એમ. બી. જાડેજા, પીસીબીના ઇન્ચાર્જ વી. જે. જાડેજા, ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. ચેતનસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, વિક્રમભાઇ લોખીલ, સામતભાઇ ગઢવી, અમીનભાઇ ભલુર, જીજ્ઞેશભાઇ મારૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, પીસીબીના રાજેન્દ્રભાઇ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચેતનસિંહ, વિક્રમભાઇ અને અમીનભાઇએ બાતમી મળી હતી કે કારખાનાઓમાં ચોરીઓ કરનારા બે શખ્સ અજય જગદીશભાઇ નાયકા (ઉ.૨૮-રહે. રણુજા મંદિર પાસે ગોકુલ સોસાયટી-૧) તથા પ્રફુલ ઉર્ફ શંકર માધવજીભાઇ શ્રીમાળી (ઉ.૨૭-રહે. મુળ ધ્રોલ ત્રિકમવાસ, હાલ મેટોડા ઇશ્વરીયા રોડ, જેન્તીભાઇના ઇંટોના ભઠ્ઠામાં) કોઠારીયા ચોકડી પાસે ઉભા છે.

આ બાતમી પરથી બંનેને સકંજામાં લઇ પુછતાછ કરવામાં આવતાં ગલ્લા તલ્લા કર્યા બાદ બંનેએ વાહનો અને કારખાનાઓમાં મળી ૧૧ ચોરીના ગુના કબુલ્યા હતાં. ક્રાઇમ બ્રાંચે આ બંને પાસેથી  કાળા રંગનું ટીવીએસ જ્યુપીટર, રૂ. ૧,૬૦,૦૦૦ની બ્રાસ પાર્ટસની ૧૮ રીંગો, રૂ. ૧,૪૦,૦૦૦ના કોપર વાયરના ચાર બંડલ, રૂ. ૬,૭૨,૦૦૦ના કોપરના રીલ, કોપરના સળીયા, પીળા કલરનું ગ્રાઇન્ડર (કટર) મશીન, ૨૫ ફુટનો લાંબો સફેદ રંગનો ઇલેકટ્રીક વાયર, રૂ. ૨,૭૦,૦૦૦ની ઇકો કાર, કાળા રંગનું એલઇડી ટીવી, એક હોમ થિએટર મળી કુલ રૂ. ૧૩,૦૨,૭૬૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે.

આ બંનેની મુલાકાત જેલમાં થઇ હતી. બાદમાં બંને મિત્ર બની ગયા હતાં અને છેલ્લા છ માસથી ચોરીઓ કરતાં હતાં. પહેલા માલવાહક કે અન્ય વાહનની ચોરી કરી બાદમાં તેનો ઉપયોગ કરી કારખાનામાં ત્રાટકતા હતાં.

આ બંને તસ્કરે જ્યાં-જ્યાં ચોરી કરી તેની વિગતો આ મુજબ છે. છ મહિના પહેલા ગોંડલ રોડ ટીવીએસના શો રૂમ ખાતેથી રૂ. ૪૭,૭૬૦નું જ્યુપીટર ટુવ્હીલર ચોર્યુ હતું. પાંચેક માસ પહેલા રાત્રે બે-અઢી વાગ્યે અટીકા રિધ્ધી સિધ્ધી નાલા પાસે રાજ પાનમાંથી એલઇડી, હોમ થિએટર, બાજુમાં ધર્મેશભાઇ કલોલાના પુરૂષાર્થ એન્ટરપ્રાઇઝમાંથી કેમેરાની ચોરી, ૨૮/૧ના રોજ રાધે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાંથી ૬,૭૨,૦૦૦ની ચોરી, ચાર મહિના પહેલા વાવડીના મીરા કાસ્ટીંગ સામે એને. જે. એન્ટરપ્રાઇઝમાંથી રૂ. ૧,૬૦,૦૦૦ની ચોરી, ત્રણ માસ પહેલા વાવડીમાં સુરેશભાઇ રાંકજાનું જીજે૩એએકસ-૪૫૬૦ નંબરનું ૫૦ હજારનું છોટા હાથી, ત્રણ માસ પહેલા વાવડીમાં ગિરીરાજ ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂ. ૧,૪૦,૦૦૦ની ચોરી, ૨૭/૧ના તિરૂપતી બાલાજી પાર્ક પાસેની શેરીમાંથી રૂ. ૨,૭૦,૦૦૦ની ઇકો કારની ચોરી, સાડા ચારેક માસ પહેલા અટીકા ફાટક પાસેથી જીજે૧સીવી-૪૪૫૯ નંબરનું છોટા હાથી, એ સમયે જ ગોંડલ રોડ ક્રિષ્ના પાર્ક પાછળ કારખાનામાંથી શટર તોડી ચોરી કરવાનો પ્રયાસ, કોઠારીયા સોલવન્ટમાં ચાર મહિના પહેલા જીજે૩એઝેડ-૨૪૧૨ નંબરનું છોટા હાથી અને ૫/૧/૧૮ના કોઠારીયા ચોકડી લીજ્જત પાપડ પાસે શિવધારા બ્લોક-૪ પાસેથી જીજે૩એચઆર-૫૪૫૬ નંબરની ઇકો કારની ચોરી કરી હતી.

અજય અગાઉ ચોરી-લૂંટના ૬ ગુનામાં અને પ્રફુલ અપહરણ-બળાત્કારમાં સંડોવાયો'તો

. ક્રાઇમ બ્રાંચે તપાસ કરતાં આ બંને તસ્કરો જુના રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. જેમાં અજય નાયકા વિરૂધ્ધ થોરાળા પોલીસમાં લૂંટ-ચોરીના બે ગુના, તાલુકા પોલીસમાં ચોરીનો ગુનો, ભકિતનગર અને એ-ડિવીઝનમાં ચોરીના એક-એક ગુના તથા શાપર વેરાવળમાં ચોરીનો એક ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત પ્રફુલ ઉર્ફ શંકર અગાઉ ગાંધીગ્રામ પોલીસ મથકમાં અપહરણ, બળાત્કારના ગુનામાં પકડાઇ ચુકયો છે.

(4:04 pm IST)