Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

કેન્દ્રના નિર્ણયોને આનુસંગીક ગુજરાતનું બજેટઃ ગોવિંદભાઈ

રાજકોટ, તા. ૨૧ :. ખેડૂતોની આવક બમણી કરવાના કેન્દ્ર સરકારે કરેલ નિર્ણયને આનુસંગિક ગુજરાતનું બજેટ છે તેમ ભાજપના રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યુ છે.

ગોવિંદભાઈએ વધુમાં જણાવ્યુ છે કે, ગુજરાત સરકારના બજેટમાં ગરીબ, મધ્યમવર્ગ, ખેડૂત, મજુર, આદિવાસી, શિક્ષણ, તબીબી, પીવાનું પાણી, તમામ બાબતોને આવરી લેતુ એક વિકાસલક્ષી બજેટ છે. બજેટની જોગવાઈમાં ભૂતકાળમાં ખેડૂતો જે ૧૮ ટકા વ્યાજથી લોન લેતા હતા તે ખેડૂતોને હવે ૦ ટકા વ્યાજથી લોન મળશે. ટ્રેકટર સહાય ૨૯૦૦૦ ખેડૂતોને તેમજ આધુનિક સાધન સામગ્રી સહાય ૩૨૦૦૦ ખેડૂતોને આપવામાં આવશે.

આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ સુધારા વધારા નવી હોસ્પીટલો ૫૬૦ પ્રકારની વિવિધ દવાઓ વિનામૂલ્યે આપવાની સાથો સાથ 'માં અમૃતમ કાર્ડ', 'માં વાત્સલ્ય કાર્ડ'ની આવક મર્યાદા અઢી લાખથી વધારી ૩ લાખ સુધીની આવક મર્યાદા કરેલ છે. તેમજ સીનીયર સિટીઝન કે જેની વાર્ષિક આવક ૬ લાખ સુધીની હોય તેમને પણ આ યોજનાનો લાભ મળશે.

રાજકોટમાં પી.ડી.યુ. હોસ્પીટલમાં જન્મતા અને બાળકની હોસ્પીટલ બાંધવા માટે ૪૬ કરોડની ફાળવણી થઈ છે. તેમજ સેદરડા, લાલપરી, લેંડ ડેમ માટે ૨૦ કરોડ, રૈયા રોડ ફાટક અન્ડર બ્રીજ માટે ૨૦ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. એ જ રીતે વિશ્વના બેજોડ મહામાનવ લોખંડી પુરૂષ સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે ૮૯૯ કરોડ ખર્ચીને આગવી પેઢીને સરદારના ગુણો અને કાર્યો જનમાનસમાં ઉતરે અને તેમાંથી પ્રેરણા સમગ્ર દેશ મેળવે તે શુભ હેતુ સાકાર કરવા માટે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ પૂર્ણ થશે તેમ ગોવિંદભાઈ પટેલે જણાવ્યુ છે.

(3:56 pm IST)