Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ભાજપમાં પરિવારવાદ કે વંશવાદ નથી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને અભિનંદન પાઠવતા રાજુભાઈ ધ્રુવ : હિમાચલ પ્રદેશના એક બ્રાહ્મણ પરિવારના સન્માનિય નેતા, સંઘ સાથે જોડાયેલા, લોકસભાની ચૂંટણીમાં પ્રભારી હતા

રાજકોટ,તા.૨૧: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે.પી. નડ્ડાની નિમણૂક કરવામાં આવી છે. દિલ્હી સ્થિતિ ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી રાષ્ટ્રીય અધ્યક્ષપદની ચૂંટણીમાં મૂળ હિમાચલ પ્રદેશના અને બિહારમાં યુવા મોરચાના કાર્યકર્તા તરીકે કાર્યરંભ કરનાર ભાજપના નેતા અને અત્યાર સુધી કાર્યકારી અધ્યક્ષ પદ સંભાળતા જે.પી. નડ્ડા બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. આ અંગે ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જે.પી. નડ્ડાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ભાજપને અમિતભાઈ શાહના સ્થાને સર્વાનુમતીએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળ્યા છે. જે.પી. નડ્ડાને રાજય અને કેન્દ્રીય સંગઠનમાં કામ કરવાનો અનુભવ હોય તેઓ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પક્ષનાં વિજય રથને આગળ ધપાવશે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ અને હિમાચલ પ્રદેશના દિગ્ગજ નેતા જગત પ્રકાશ નડ્ડા પક્ષના ૧૧માં અધ્યક્ષ તરીકેનો પદભાર ગ્રહણ કર્યો છે. તેઓ નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં જે.પી. નડ્ડા પૂર્વ આરોગ્ય મંત્રી રહી ચૂકયા છે.

શ્રી જે.પી.નડાજી ૪૦ વર્ષ પહેલાં જે સ્થાન પર શ્રી અટલજી અને ત્યારબાદ શ્રી અડવાણીજી વિદ્યમાન હતા તે ભાજપના અધ્યક્ષની અતિ મહત્વ ની જવાબદારી ગ્રહણ છે જે ખુબ ગૌરવ ની વાત છે.

શ્રી અટલબિહારી વાજપેયી-૧૯૮૦—૧૯૮૬ (૨)શ્રી લાલકૃષ્ણ અડવાણી-૧૯૮૬—૧૯૯૧ (૩) શ્રી મુરલીમનોહર જોશી-૧૯૯૧—૧૯૯૮ (૪)શ્રી કુશાભાઉ ઠાકરે-૧૯૮—૨૦૦૦ (૫)શ્રી બંગારૃં લક્ષ્મણજી-૨૦૦૦-૨૦૦૧ (૬) શ્રી જેના કૃષ્ણમૂર્તિ-૨૦૦૧-૨૦૦૨ (૭) શ્રી વૈન્કીંયા નાયડુજી-૨૦૦૨-૨૦૦૪ (૮) શ્રી લાલકૃષ્ણ અડવાણીજી-૨૦૦૪-૨૦૦૫, (૯) શ્રીરાજનાથસિંહજી-૨૦૦૫-૨૦૦૯ (૧૦)૨૦૦૯—૨૦૧૩ (૧૧)શ્રી રાજનાથસિંહજી-૨૦૧૩-૨૦૧૪ (૧૨) શ્રી અમિતભાઇ શાહ-૨૦૧૪—૨૦૨૦ (૧૩) જે.પી નડાજી ૨૦૨૦ થી શુભારંભ થાય છે.

રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યું હતું કે, ભાજપમાં હંમેશાથી જ અધ્યક્ષ પદની ચૂંટણી સામાન્ય સહમતિ અને કોઈ મુકાબલા વગર થાય છે. ભાજપ એકમાત્ર એવો રાજકીય પક્ષ છે જેમાં પરિવારવાદ કે વંશવાદ કે જ્ઞાતિ-જાતિવાદને કોઈ સ્થાન નથી. કોંગ્રેસ પક્ષનાં છેલ્લાં ત્રણ રાષ્ટ્રીય અધ્યક્ષ એક જ પરિવારનાં છે જયારે ભાજપનાં આજ સુધીનાં તમામ રાષ્ટ્રીય અધ્યક્ષ અલગ-અલગ વર્ગ, જાતિ, જ્ઞાતિ, પ્રદેશમાંથી આવે છે. અહીં પરિવારવાદ કરતા દેશભાવના અને રાષ્ટ્રવાદને વિશેષ મહત્વ આપવામાં આવે છે. હિમાચલ પ્રદેશના એક બ્રાહ્મણ પરિવારથી આવનારા જે.પી. નડ્ડા પક્ષમાં સૌ માટે એક સન્માનીય નેતા છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ જોડાયેલા છે. ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં રાજકીય રીતે મહત્વપૂર્ણ રાજય ઉત્તરપ્રદેશમાં ચૂંટણી અભિયાનના તેઓ પ્રભારી હતા.

(4:05 pm IST)