Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

શિક્ષકોને એંઠવાડની વિચિત્ર જવાબદારીથી બાળકોનું ભવિષ્ય ચિંતાજનકઃ મનીષાબાનો આક્રોશ

કોઇકનાં પ્રસંગમાં જમણવારમાં ભોજનનો બગાડ અટકાવવાનાં ફતવા સામે શહેર કોંગ્રેસનાં મહિલા પ્રમુખનો વિરોધ

રાજકોટ તા. ર૧ :.. રાજય સરકારે શિક્ષકોને પ્રસંગોનાં જમણવારમાં ભોજનનો બગાડ અટકાવવાની જવાબદારી સુપ્રત કરતાં સરકારી ફરમાનનો વિરોધ કરી અને આ વિચીત્ર કામગીરીને કારણે શાળાએ જતાં બાળકોનું ભવિષ્ય ચિંતાજનક બનશે. તેમ શહેર મહિલા કોંગ્રેસનાં પ્રમુખ મનીષાબા વાળાએ એક નિવેદનમાં જણાવ્યું છે.

તેઓએ જણાવ્યું છે કે શિક્ષણ વિભાગ સરકારની અણઆવડતના કારણે બગડતો જાય છે. થોડા દિવસો પહેલા ઉતર ગુજરાતમાં શિક્ષકોને તીડ ભગાડવાની કામગીરી સોંપવામાં આવેલ ત્યારબાદ હવે શિક્ષણ વિભાગને ગામે ગામ શિક્ષકોને લગ્ન પ્રસંગે તદુપરાંત જન્મ દિવસની ઉજવણીમાં જમણવારમાં ભોજનનો બગાડ અટકાવવાની જવાબદારી સોંપવામાં આવેલ.

આ વિચીત્ર કામગીરી સોંપવામાં આવતાં ગુજરાતના ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સંપૂર્ણ જ્ઞાન આપતા હવે શિક્ષકોને એંઠવાડનો હિસાબ રાખવા ધકેલી દેવા તરફ સ્પષ્ટપણે જણાય રહયું છે કે ભાજપ સરકાર માત્ર પ્રાઇવેટ સ્કુલોનું શિક્ષણ સ્તર ઉચુ લાવવા પ્રયત્ન કરવામાં આવી રહયા છે. ખૂબ જ ચતુરાઇથી સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને પાછળ રાખવા માટે આવા અણસમજુ કામગીરી સોંપીને ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પરાણે પ્રાઇવેટ સ્કુલો તરફ જવા અને મજબૂર થવા પ્રયાસોના કાવતરા અજમાવવામાં આવી રહ્યા છે. તેવા આક્ષેપો તેઓએ કર્યા છે.

(4:04 pm IST)