Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

કારીગરને મારકુટ કરી ધમકી આપવાના ગુનામાં પકડાયેલ કારખાનેદારનો છુટકારો

રાજકોટ તા ૨૧  : નજીવી એવી બાબતે કારખાનેદારે કારખાનામાં કામ કરતા કારીગર મોડો આવતા તેસબંધે કારણ પુછતા થયેલ બોલાચાલી, ગાળાગાળી, મારા-મારી અને જાનથી મારી નાખવાના ગુન્હાના આરોપસર કેસનો સામનો કરનાર કારખાનેદારને રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. એ નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો ભાવનગર રોડ પર માંડા ડુંગરમાં કારખાનું ધરાવતા આરોપી રસીકભાઇ આંબાભાઇ પાંભર વિરૂધ્ધ તેજ કારખાનામાં કામ કરતા કારીગર ફરીયાદી મોન્ટુભાઇ રામભાઇ મહેતાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં કારખાનેદાર વિરૂધ્ધ એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે ફરીયાદીને કામ સબબ કારખાને જવામાં મોડુ થતાં આરોપીએ ફરીયાદીને મોડા આવવાના કારણ સબબ ટપારતા બંતે વચ્ચે બોલાચાલી, ગાળાગાળી, થતા આરોપીએ ફરીયાદીને ઢીકાપાટુ તથા પાઇપ વતી માર મારી હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ કરતા ગુન્હો દાખલ કરવામાં આવેલ હતી.

કોર્ટે બંને પક્ષોની રજુઆતો રેકર્ડ પરની હકીકતો લક્ષે લેતા મહત્વના સાહેદ ફરીયાદીની જુબાનીની ફરીયાદ સાથે મુલવણી કરતા ફરીયાદના સમર્થનકારી પુરાવો જણાતો ન હોય, દસ્તાવેજી પુરાવાથી ઓરલ એવીડન્સમાં વિરોધાભાષ જણાતો હોય, આરોપી સામેનું તહોમત શંકાથી પર પુરવાર કરવામાં ફરીયાદ પક્ષ સદંતર નિષ્ફળ નીવડેલ હોય, આરોપીએ ઉશ્કેરાઇ જઇ લોખંડના પાઇપ વતી માર મારેલ સબંધેનો પુરાવો રેકર્ડ પર આવેલ ન હોય તદઉપરાંત હથીયાર બંધીના જાહેરનામાથી આરોપી વાકેફ હતા કે કેમ અને આ જાહેરનામાનો યોગ્ય પ્રચાર, પ્રસાર થયેલ હોય તે બાબતે પણ રેકર્ડ પર પુરાવો ન હોય ત્યારે આરોપીને ગુન્હા સાથે સાંકળી શકાય, તેવો કળીબધ્ધ પુરાવો રેકર્ડ પર આવેલ ન હોય ત્યારે આરોપીને તકસીરવાન ઠરાવવા ન્યાયોચીત જણાતું ન હોવાનું માની રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી.એ આરોપીને નિર્દોષ ઠકાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ.

ઉપરોકત કામમાં આરોપી રસીક પાંભર વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(3:55 pm IST)