Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ન્યુ મેઘાણીનગરમાં પટેલ વેપારીના ઘરે ધમાલ મચાવનાર ઇમરાન મેણુના બે સાગ્રીત પકડાયા

અંકિત પટેલની પત્નિ જૂગારમાં હારી ગયેલી રકમ વસુલવા ઇમરાન સહિતનાએ પથ્થરમારો કરી ધમકી આપી હતીઃ ભકિતનગર પોલીસે ભીસ્તીવાડના અનિશ દલ અને ગાંધીગ્રામના હિરેન મકવાણાની ધરપકડ કરી ગુનામાં વપરાયેલા બે વાહનો કબ્જે કર્યા

રાજકોટ તા. ૨૧: સહકાર રોડ પર ન્યુ મેઘાણીનગર-૧૧માં રહેતાં કરિયાણાના વેપારી અંકિત અમૃતલાલ ભીમાણી (પટેલ)ના ઘરે જઇ બાર લાખની ઉઘરાણી મામલે ઇમરાન મેણુ સહિતની ટોળકીએ પથ્થરમારો કરી બારીના કાચ તોડી નાંખી પટેલ યુવાનને ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી હતી. આ ગુનામાં બે શખ્સોને ભકિતનગર પોલીસે પકડ્યા છે.

પોલીસે ભીસ્તીવાડ-૫માં ગુલઝારે મદીના મસ્જીદ પાસે રહેતાં અનિશ યુનુસભાઇ દલ (ઉ.૨૭) અને ગાંધીગ્રામ નાણાવટી ચોક આરએમસી કવાર્ટર બ્લોક નં. ૨૧૯/૬માં રહેતાં હિરેન ભીખુભાઇ મકવાણા (ઉ.૨૯)ને પકડી લઇ એક હોન્ડા, એક એકસેસ જીજે૦૩એફએલ-૭૬૮૧ કબ્જે કર્યા છે. એસીપી એચ.એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા, એએસઆઇ સુભાષભાઇ ડાંગર, હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, સલિમભાઇ મકરાણી, નિલેષભાઇ ચાવડા, ભાવેશભાઇ મકવાણા, મયુરસિંહ પરમાર, વિશાલ બસીયા, દિવ્યરાજસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી.

અંકિત પટેલના પત્નિ એકતા ઇમરાન દલના પત્નિ અલ્કા પાસે જન્માષ્ટમી વખતે જૂગારમાં દસથી બાર લાખ હારી ગયેલ હોઇ આ રકમ ચુકવવા એકતાએ ઘરમાંથી દાગીના કાઢી ગીરવે મુકી પૈસા ચુકવ્યા હતાં. આમ છતાં અલ્કાએ ઘરે આવી વધુ દસ લાખની ઉઘરાણી કરી હતી. એ પછી ઇમરાન મેણુ તથા ત્રણ અજાણ્યાએ અંકિતના ઘરે આવી પૈસાની ઉઘરાણી કરી ધમાલ મચાવી પથ્થરમારો કર્યો હતો અને ધમકી આપી હતી. આ અંગેના ગુનામાં ઇમરાન હજુ હાથમાં આવ્યો નથી. તેના બે સાગ્રીત અનિશ અને હિરેનને પકડી લઇ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

(3:55 pm IST)