Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

તારે જમી પર... : બાળ સિતારાઓએ પાથર્યા અભિનય નૃત્ય ગીત - સંગીતના અજવાળા : લોકો આફરિન

મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં પ્રજાસત્તાક પર્વ પ્રસંગે દિવ્યાંગ બાળકો માટે યોજાયો અનોખો કાર્યક્રમ : મ્યુ. કોર્પોરેશન દ્વારા આયોજીત કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિ

રાજકોટ તા.૨૧: ૨૬મી જાન્યુઆરી પ્રજાસતાક પર્વની રાજય કક્ષાની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મનોદિવ્યાંગ બાળકો માટે કાર્યક્રમ તારે જમી પરનું આયોજન મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શહેરની ૧૨ જેટલી નામાંકિત સ્કુલના બાળકો આ મનોદિવ્યાંગ બાળકો માટે મનોરંજન સભર વિશિષ્ટ કાર્યક્રમ રજુ કર્યા હતા.

આ પ્રસંગે રાજકુમાર કોલેજના બાળકો દ્વારા પંજાબી ડાન્સ, પી. વી. મોદી સ્કુલના બાળકો દ્વારા રાજસ્થાની ડાન્સ, જય ઇન્ટરનેશનલ સ્કુલના બાળકો દ્વારા સ્વચ્છ ભારત તથા ફિટનેસ ફંડા થીમ પર ડાન્સ કરવામાં આવેલ, ધોળકિયા સ્કુલના બાળકો દ્વારા વ્યાસન મુકિત માટે લદ્યુ નાટિકા રજુ કરવામાં આવેલ, ડાઙ્ખ.ઝાકીર હુસેન પ્રાથમિક શાળા નં.૯૧ના બાળકો દ્વારા વંદે માતરમ ગીત આધારિત ડાન્સ કરવામાં આવેલ, નિર્મલા કોન્વેન્ટ સ્કુલના બાળકો દ્વારા બુઢા ડાન્સ, સરોજીની નાયડુ ગર્લ્સ સ્કુલની વિદ્યાર્થીનીઓ દ્વારા તલવાર રાસ, ન્યુ એરા સ્કુલના વિદ્યાર્થી દ્વારા વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ તથા સહેલી મોરી રે ગીત આધારિત રાસ રજુ કરવામાં આવેલ, તથા રવિશંકર સ્કુલની શિક્ષિકાઓ દ્વારા કૃતિ રજુ કરવામાં આવેલ. આ કાર્યક્રમ માણવા માટે પ્રયાસ, સ્નેહ નિર્ઝર સંસ્થા, જીનીયસ સ્કુલ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ચલાવવામાં આવતા સર્વ શિક્ષા અભિયાનના બાળકો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપાલ કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, જીલ્લા વિકાસ અધિકારી રાણાવસિયા, રૂડાના સી.ઈ.ઓ. ચેતન ગણાત્રા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, પ્લાનિંગ કમિટીના ચેરમેન અનીતાબેન ગોસ્વામી, માધ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ કમિટી ચેરમેન અંજનાબેન મોરજરીયા, એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી ચેરમેન પ્રીતીબેન પનારા, કાયદો અને નિયમો કમિટી ચેરમેન શિલ્પાબેન જાવિયા, નાયબ કમિશનર એ. કે. સિંઘ, બી. જી. પ્રજાપતિ, ચેતન નંદાણી ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનું દીપ પ્રાગટય મંચસ્થ મહાનુભાવો દ્વારા કરવામાં આવેલ હતું. જયારે મહેમાનોનું પુસ્તકથી સ્વાગત શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ હતું. અને ભાગ લેનાર સંસ્થાના પ્રતિનિધિઓ અને બાળકોનું મોમેન્ટો આપી મંચસ્થ મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.

(3:44 pm IST)