Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ર૩મીએ નેહા કક્કર શોમાંથી પોલીસ વેલ્ફેર માટે ૭પ લાખ એકઠા થવાનો અંદાજઃ ફંડમાંથી બી ડીવીઝન પોલીસ કમ્પાઉન્ડ ખાતે આધુનિક કોમ્યુનીટી હોલનું થશે નિર્માણઃ અગ્રવાલ

૧૮ મીથી ર૬ મી સુધી રાજકોટ ખાતે ઉજવાઇ રહેલા રાજયકક્ષાના પ્રજાસતાક દિનની ઉજવણી નિમિતે ર૩ મીએ વિરાણી હાઇસ્કુલમાં ભવ્ય મ્યુઝીકલ નાઇટ, ર૪મીએ દેશભકિત ગીતોની સંગીત સંધ્યા : ર૩-ર૪-રપ-ર૬ દરમિયાન યોજાનાર મેગા સાંસ્કૃતિક કાર્યક્રમ, ફલાવર શો, લાઇટીંગ શો, મશાલ પી.ટી., શસ્ત્ર પ્રદર્શન, જુના ગીતો, દેશભકિત ગીતો, જુદા જુદા સરકારી વિભાગોના ટેબલો પ્રદર્શન, રાજયકક્ષાની પોલીસ પરેડ સહિતના કાર્યક્રમો હર્ષોલ્લાસ સાથે રાજકોટ-સૌરાષ્ટ્રના પ્રજાજનો માણી શકે તે માટે પોલીસ સજ્જઃ તમામ કાર્યક્રમોની સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફીક નિયમન ડીસીપી ઝોન-ર મનોહરસિંહ જાડેજાના શીરે

પોલીસ કમિશ્ન્રર મનોજ અગ્રવાલે પોલીસ વેલફેર માટે યોજાયેલી નેહા કક્કર નાઇટની વિગતો, બંદોબસ્ત, ટ્રાફિક નિયમન સંદર્ભે લોકઉપયોગી માહિતી પત્રકાર પરિષદમાં આપી હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા., ર૧: તા.ર૬મી જાન્યુઆરીના ૭૧ માં પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે યોજાઇ રહી છે. આ અંતર્ગત તા.૧૮મીથી જુદા જુદા સરકારી વિભાગો દ્વારા લોકમનોરંજન કરતા કાર્યક્રમો અને પ્રદર્શનો યોજાઇ રહયા છે. આ ઉજવણી દરમિયાન તા.ર૩મીએ રાજકોટ પોલીસ દ્વારા પોલીસ વેલ્ફેર માટે સુપ્રસિધ્ધ ગાયીકા નેહા કક્કરનો કાર્યક્રમ સાંજે ૭ કલાકે વિરાણી હાઇસ્કુલ ખાતે યોજાઇ રહયો છે. આ અંગે માહીતી આપવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, એડીશ્નલ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૧ રવી મોહન સૈની અને ડીસીપી ઝોન-ર મનોહરસિંહજી જાડેજાની ઉપસ્થિતિમાં એક  પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે માહીતી આપી હતી.

શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે ર૩ મીએ યોજાઇ રહેલો વેલ્ફેર માટેનો નેહા કક્કર શો દર્શકો માટે ટીકીટ શો રહેશે. આ શોમાંથી આશરે ૭પ લાખ જેવું માતબર ફંડ એકઠું થવાનો અંદાજ છે. એકઠા થયેલા ફંડમાંથી પોલીસ હેડ કવાર્ટર -રેસકોર્ષ ખાતે વર્ષો પહેલા નિર્માણ પામેલા કોમ્યુનીટી હોલથી પણ વધુ આધુનિક કોમ્યુનીટી હોલનું બી ડીવીઝન પોલીસ કમ્પાઉન્ડ ખાતે નિર્માણ કરવાનું આયોજન વિચારવામાં આવ્યું છે.  આ શોમાં રાજકોટની પબ્લીક રંગે ચંગે પોતાનું યોગદાન આપે તે પોલીસ પરિવારો માટે આવકાર્ય રહેશે.

ર૩મીએ યોજાયેલા કાર્યક્રમ માટે બે ડીસીપી, ૭ એસીપી, ૧૮ પીઆઇ, પ૩ પીએસઆઇ, ૭ મહિલા પીએસઆઇ, પ૯૦  પોલીસ હેડ કોન્સ્ટેબલ-કોન્સ્ટેબલ, ૧૧૦ મહિલા પોલીસ સહિત ૭૮૭ પોલીસ કર્મચારીઓનો સજ્જડ બંદોબસ્ત રહેશે.

આ કાર્યક્રમો દરમિયાન અન્ય જીલ્લામાંથી ૪ ડીસીપી અને એસપી, ર૦ એસીપી અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ, રપ પોલીસ ઇન્સ્પેકટર, પ૭ સબ ઇન્સ્પેકટર, ૮ મહિલા સબ ઇન્સ્પેકટર, ૩૦૦ પોલીસ જવાનો, ૧૦૦ મહિલા પોલીસ સહિત પ૧૪ નો કાફલો ફાળવવામાં આવ્યો છે.

પ્રજાસતાક પર્વની ઉજવણી અનુસધાને યોજાયેલા તમામ ર્કા્યક્રમો દરમિયાન બાળકો અને મહિલાઓની સુરક્ષા માટે રાજકોટ પોલીસ સહિતની પોલીસનું સતત પેટ્રોલીંગ રહેશે. આ ઉપરાંત ખાનગી ડ્રેસમાં મહિલા તથા પુરૂષ પોલીસ વોચમાં રહેશે.

ભીડભાડવાળા આયોજન દરમિયાન લોકોના ખિસ્સા હળવા થતા બચાવવા, મહિલાઓની ડોક અડવી થતી અટકાવવા ખાસ ટુકડીઓ વોચમાં ગોઠવવામાં આવી છે. તમામ આયોજન સ્થળે પ્રવેશ દ્વાર પર મેટલ ડીટેકટર અને ડીએફએમડી લગાવવામાં આવશે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત પેટ્રોલીંગ અને મોબાઇલ વાન અને પીસીઆર વાહનની રાઉન્ડ ધી કલોક ઘરઘરાટી ચાલુ રહેશે. સમગ્ર બંદોબસ્તની જવાબદારી સ્થાનીક કક્ષાએ ડીસીપી ઝોન-ર મનોહરસિંહજી જાડેજાને સોંપવામાં આવી છે.

તા.ર૩મીના કાર્યક્રમ સંદર્ભે વીઆઇપી ગોલ્ડ કાર્ડ ધારકો માટે ગેઇટ નં. ર ભારત ફાસ્ટ ફુડવાળી શેરી, (બી) જનરલ(૧) વિરાણી ચોક અને ર (દસ્તુર માર્ગવાળી ચોકડી) ડ્રોપ પોઇન્ટ રહેશે.

ફ્રી પાર્કીગની વ્યવસ્થા (એ) વીવીઆઇપી ગોલ્ડ કાર્ડ ધારકો માટે (૧) ડીએચ કોલેજ (ર) હેમુ ગઢગી હોલ (૩) એવીપીટી હોસ્ટેલ (બી) વીઆઇપી સીલ્વર કાર્ડ ધારકો માટે ડીએચ કોલેજ, નાગર બોર્ડીગ, (સી) જનરલ  દસ્તુર માર્ગ-ર વ્હીલર્સ માટે (ર) એવીપીટી ઇન્સ્ટીટયુટ (૩) ડીએચ કોેલેજ (૪) રેલ્વે ટ્રેક હેમુ ગઢવી હોલ પાછળ,

ડાઇવર્ઝન

સાંજે પ.૦૦ થી ૧૧.૦૦ દરમિયાન

(૧) દસ્તુર માર્ગવાળી ચોકડીથી વિરાણી ચોક તરફ બંન્ને બાજુ કોઇ પણ વાહનોની આવ-જા કરી શકાશે નહિ, પરંતુ કાર્યક્રમને અનુરૂપ મુવમેન્ટ માટે વાહનો અવર-જવર કરી શકશે.

(ર) દસ્તુરમાર્ગવાળી ચોકડીથી ડાબી તરફ જાગનાથ પોલીસ ચોકી થઇ યાજ્ઞીક રોડ તરફ જઇ શકાશે. દસ્તુર માર્ગવાળી ચોકડીથી જમણી તરફ એવીપીટી હોસ્ટેલ થઇ રેલ્વે પાટા તરફ ડાબી બાજુ થઇ લક્ષ્મીનગર નાલા તરફ જઇ શકાશે.

(૩) વિરાણી ચોકથી જમણી બાજુ રામકૃષ્ણનગર મેઇન રોડ થઇ નરસિંહ મહેતા ગાર્ડન થઇ હરીભાઇ હોલ યાજ્ઞીક રોડ તરફ જઇ શકાશે. વિરાણી ચોકથી ડાબી બાજુ લક્ષ્મીનગર નાલા થઇ લક્ષ્મીનગર તરફ જઇ શકાશે.

આવી જ રીતે તા.ર૪મીના સાંજે ૬ કલાકે  શસ્ત્ર પ્રદર્શન અને મશાલ પી.ટી. ચૌધરી હાઇસ્કુલ સહિતના સ્થળે ફ્રી પાર્કીગની વ્યવસ્થા કરવામાં આવી છે. કુંડલીયા કોલેજ, ગૃહ નિર્માણ ઓફીસ, પીડબલ્યુ ડી, ડીસ્ટ્રીકટ બેંક, ધ્રોલ હાઉસ રોડ, શ્રોફ રોડ, બહુમાળી ભવન, હોમગાર્ડ કવાર્ટર અને મેમણ બોર્ડીગ સહીતના સ્થળે ફ્રી પાર્કીગ ગોઠવવામાં આવ્યું છે.

(3:37 pm IST)