Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

રેસકોર્ષ રીંગ રોડ પર ધૂમ બાઇકચાલકો સામે પોલીસની ઝુંબેશઃ એક પકડાયો

નંબર વગરનું બાઇક ધૂમ સ્પીડથી લઇને નીકળેલા પ્રયાગ હાપલીયા સામે કાર્યવાહીઃ ૭૬૦૦નો દંડ

રાજકોટઃ શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર અવાર-નવાર અમુક ધૂમ બાઇકચાલકો બીજા લોકો, વાહનચાલકો માટે જોખમ સર્જતા હોય છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી પી. કે. દિયોરાની સુચના હેઠળ પી.આઇ વી.એસ. વણઝારાએ ટીમને આવા બાઇકચાલકોને શોધી કાઢી કાર્યવાહી કરવા આદેશ કરતાં પીએસઆઇ કે. ડી. પટેલ, હેડકોન્સ. અશોકભાઇ હુંબલ, આનંદભાઇ મકવાણા સહિતની ટીમે રેસકોર્ષ રીંગ રોડ પર રાત્રીના ખાસ ઝુંબેશ હાથ ધરી હતી અને ધૂમ બાઇકચાલકોને શોધી કાઢવા પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું. દરમિયાન એક શખ્સ નંબર વગરનું બજાજ કેટીએમ-૨૦૦ નંબર પ્લેટ વગરનું બાઇક હંકારી જોખરી રીતે રેસકોર્ષ રીંગ રોડ પર નીકળતાં તેને સકંજામાં લીધો હતો. પુછતાછમાં પોતાનું નામ પ્રયાગ મુકેશભાઇ હાપલીયા (રહે. સંત કબીર રોડ) જણાવ્યું હતું. આ શખ્સે બાઇકમાં નંબર પ્લેટ પણ રાખી ન હોઇ એમવીએકટ ૨૦૭ મુજબ ડિટેઇન કરી આરટીઓનો મેમો આપી રૂ. ૭૬૦૦નો દંડ ફટકારાયો હતો. પોલીસ અચાનક આ રીતે રેસકોર્ષ રીંગ રોડ પર ધૂમ બાઇકચાલકોને શોધી કાઢવા કાર્યવાહી કરતી રહેશે.

(12:52 pm IST)