Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

કાન ફાડી નાંખે એવા હોર્ન રાખનારા વાહનચાલકો દંડાયાઃ હજારોનો દંડ વસુલાયો

રાજકોટઃ શહેર પોલીસે હવે વાહનોમાં કર્કશ, વિચીત્ર અને કાન ફાડી નાંખે તેવો અવાજ કરતાં હોર્ન ફીટ કરાવનારા વાહનચાલકો સામે આજથી ઝુંબેશ શરૂ કરી છે.  પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીની સુચના હેઠળ ટ્રાફિક શાખાની ટીમોએ શહેરમાં જુદા-જુદા પોઇન્ટ પર આજે અલગ-અલગ વાહનચાલકોને અટકાવી આરટીઓના નિયમ વિરૂધ્ધ જુદા-જુદા પ્રકારના અને કાન ફાટી જાય તેવા કર્કશ અને વિચીત્ર અવાજ કરતાં હોર્ન ફીટ કરાવનારા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. વાહનોમાંથી આવા ર્હોન સ્થળ પર જ કાઢી નાંખવામાં આવ્યા હતાં અને એક-એક હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આવા હોર્નને કારણે રસ્તામાં બીજા વાહન ચાલકો ચોંકી જાય છે અને અકસ્માત સર્જાવાની શકયતા રહે છે. આ ઉપરાંત ધ્વની પ્રદુષણ પણ વધે છે. આ બાબતે એમવીએકટ ૧૯૦ (૨) હેઠળ ગુનો બને છે.આજથી આવા હોર્નવાળા વાહનો શોધવા ડ્રાઇવ યોજી દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.   શહેર પોલીસે આ કામગીરી વખતે 'સમજુ દેશી સોસાયટી' નામની એનજીઓ સંસ્થાના તજજ્ઞોને સાથે રાખ્યા હતાં. જેણે કર્કશ અને મોટા અવાજવાળા હોર્નથી થતાં નુકસાનની વાહનચાલકોને સમજ આપી હતી. મોટા અવાજવાળા હોર્ન હટાવવાની અને દંડ ફટકારવાની કાર્યવાહીના દ્રશ્યો જોઇ શકાય છે. બપોર સુધીમાં ૪૦ હજાર જેવો દંડ વસુલ કરાયો હોવાનું જાવણા મળ્યું છે. એસીપી ટ્રાફિક શ્રી ઝાલાના રાહબરીમાં તમામ પીઆઇ, પીએસઆઇ અને ટીમોએ આ કામગીરી કરી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા) (૧૪.૧૬)

 

(3:50 pm IST)