Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત શહેર પોલીસ દ્વારા ૨૪મીએ યોજાશે કસુંબીનો રંગ (લોકડાયરો)

સુરક્ષા સેતુ સોસાયટી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અમદાવાદનું આયોજન : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની કલાકારો અભેસિંહ રાઠોડ-રાધાબેન વ્યાસ રજૂઆત કરશે

રાજકોટ તા. ૨૧: પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત શહેર પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી-રાજકોટ અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન-અમદાવાદ દ્વારા ૨૪-૧ના ગુરૂવારે સાંજે ૮:૩૦ કલાકે રેસકોર્ષ નજીક પોલીસ હેડકવાર્ટરના ગ્રાઉન્ડમાં 'કસુંબીનો રંગ' શિર્ષક હેઠળ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી સિધ્ધાર્થ ખત્રીએ શહેરીજનોને આ કાર્યક્રમ માણવા આમંત્રણ પાઠવ્યું છે. આ લોકડાયરામાં કલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને તેમના સાથીઓ રાષ્ટ્રય શાયર ઝવેરચંદ મેઘાણી રચીત-સંપાદિત ગીતો, લોકગીતો, ભજનો રજૂ કરશે.

મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના બિરૂદથી નવાજ્યા હતાં તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યકાર, સ્વાતંત્ર્ય સેનાની, સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલા પોલીસ લાઇનમાં થયો હતો. આ કારણે ગુજરાત પોલીસ એમનું 'લાઇન-બોય' તરીકે સવિશેષ ગોૈરવ અનુભવે છે. બ્રિટીશ કાઠીયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતાં નીડર અને નેકદિલ પિતા કાળીદાસ મેઘાણીની ૧૮૯૮માં રાજકોટ ખાતે બદલી થતાં તેઓ ૨ થી ૮ ર્ષ્વાની ઉમર સુધી હાલના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી પોલીસ લાઇનના કવાર્ટરમાં બે ઓરડાના મકાનમાં રહ્યા હતાં.

વધુ માહિતી માટે પિનાકી મેઘાણી (સ્થાપક તથા મેનેજીંગ ટ્રસ્ટી, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન) મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. (૧૪.૧૩)

(3:48 pm IST)