Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

સંક્રાંતના બીજા દિવસે ગળામાં દોરો ફસાતાં બાઇક સહિત ફંગોળાઇ ગયેલા બેડીપરાના યુવાનનું મોત

બેડીપરાનો દેવીપૂજક યુવાન નાગેન્દ્ર ડાભી (ઉ.૨૭) મોરબી રોડથી પોતાના ઘરે આવતો'તો ત્યારે બનાવ બન્યો'તોઃ રાત્રે દમ તોડતાં પરિવારમાં કલ્પાંતઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા.૨૧: મકર સંક્રાતિના દિવસે ૬૦થી વધુ લોકો પતંગના દોરાથી ઘાયલ થયા હતાં. આ આંકડો માત્ર સિવિલ હોસ્પિટલનો હતો. એ સિવાય અનેક ઘાયલોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.   દરમિયાન સંક્રાંતના બીજા દિવસે મોરબી રોડ પર ધોળકીયા સ્કૂલ પાસેથી પસાર થઇ રહેલા બેડીપરાના દેવીપૂજક યુવાન નાગેન્દ્ર કરસનભાઇ ડાભી (ઉ.૨૭)ના ગળામાં પતંગનો દોરો ફસાતાં બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. આ યુવાનનું રવિવારે રાત્રીના મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

નાગેન્દ્ર બેડીપરા પોલીસ ચોકીવાળી શેરીમાં વોંકળા નજીક રહેતો અને યાર્ડમાં બકાલુ વેંચી ગુજરાન ચલાવતો હતો. તે સંક્રાતના બીજા દિવસે બપોરે સવા ત્રણેક વાગ્યે મોરબી રોડ પર રહેતાં પોતાના ભાઇઓ રાજેશભાઇ અને સુરેશભાઇના ઘરે આંટો મારવા ગયો હોઇ ત્યાંથી પરત બેડીપરામાં પોતાના ઘરે આવી રહ્યો હતો તે વખતે મોરબી રોડ ધોળકીયા સ્કૂલ નજીક પહોંચતા ગળામાં પતંગનો દોરો આવી જતાં બાઇક સહિત ફંગોળાઇ ગયો હતો.

ગંભીર ઇજા થતાં તેને સામા કાંઠે વેદાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહિ ગત રાત્રે મોત નિપજતાં બી-ડિવીઝનના પીએસઆઇ આર. એસ. સાંકળીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર નાગેન્દ્ર ત્રણ ભાઇ અને બે બહેનમાં ચોથો હતો. તેન મોતથી બે માસુમ પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતાં કલ્પાંત સર્જાયો છે.

(3:43 pm IST)